કેરળમાં ચોમાસાની 8 દિવસ વહેલી એન્ટ્રી

  • May 24, 2025 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેરળમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે. છેલ્લા 16 વર્ષમાં ભારતની મુખ્ય ભૂમિ પર ચોમાસાનું આ સૌથી પહેલું આગમન છે. આ વખતે ચોમાસુ તેના નિર્ધારિત સમય કરતાં 8 દિવસ વહેલું કેરળમાં આવી ગયું છે. ભારતના હવામાન વિભાગે આ માહિતી આપી છે. રાજ્યમાં છેલ્લે આટલું વહેલું ચોમાસુ 2009 અને 2001માં પહોંચ્યું હતું, જ્યારે તે 23 મેના રોજ રાજ્યમાં પહોંચ્યું હતું. કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. જોકે, 1918માં, રાજ્યમાં ચોમાસુ 11 મેના રોજ જ પહોંચ્યું હતું, જે અત્યાર સુધી કેરળમાં ચોમાસાના સૌથી વહેલા આગમનનો એકમાત્ર કિસ્સો છે.


બીજી તરફ, કેરળમાં ચોમાસાના મોડા આગમનનો રેકોર્ડ 1972 માં નોંધાયેલ છે, જ્યારે ચોમાસાનો વરસાદ 18 જૂને શરૂ થયો હતો. છેલ્લા 25 વર્ષમાં ચોમાસાનું સૌથી મોડું આગમન 2016 માં થયું હતું, જ્યારે ચોમાસું 9 જૂને કેરળમાં પ્રવેશ્યું હતું. આઈએમડીએ ચોમાસાના આગમનને ધ્યાનમાં રાખીને કેરળના ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. જેમાં આગામી 24 કલાકમાં 20 સેમીથી વધુ વરસાદ પડી શકે છે. કેટલાક અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ૧૧ સેમીથી ૨૦ સેમી સુધી વરસાદ પડી શકે છે. આઈએમડીએ 6 સેમી થી 11 સેમી સુધી ભારે વરસાદ પડવાની ધારણાવાળા વિસ્તારોમાં યલો એલર્ટ પણ જારી કરાયું છે.


દિલ્હી-એનસીઆરમાં વાવાઝોડાની આગાહી

ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે દિલ્હીનું આકાશ આંશિક વાદળછાયું રહેશે અને વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. આઈએમડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં 25 અને 26 મેના રોજ વાવાઝોડા સાથે આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 27 મેના રોજ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જારી, ભારે વરસાદની આગાહી

દક્ષિણ કોંકણ, ગોવાના દરિયાકાંઠે અને પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર એક નીચા દબાણનો વિસ્તાર ચાલુ છે. આ કારણે, આઈએમડીએ આગામી ત્રણ દિવસ માટે કોંકણ ક્ષેત્રમાં અત્યંત ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. આઈએમડીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાયગઢ અને રત્નાગિરિ જિલ્લાઓ માટે ભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે મુંબઈ, થાણે, પાલઘર, સિંધુદુર્ગ તેમજ પુણે અને સતારા માટે ભારે વરસાદ, વાવાઝોડા અને ભારે પવન સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ચોમાસાના વહેલા આગમનથી કૃષિ ક્ષેત્રને ફાયદો થશે

ચોમાસાનું વહેલું આગમન સામાન્ય રીતે તમામ ક્ષેત્રોમાં સકારાત્મક અસરો લાવે છે. સમયસર વરસાદ ભૂગર્ભજળના સ્તરમાં સુધારો કરે છે, જળાશયો ભરે છે અને ડાંગર, કઠોળ, તેલીબિયાં, કપાસ અને શાકભાજી જેવા ખરીફ પાકોની વહેલી વાવણીમાં મદદ કરે છે. આ બધા ખાદ્ય સુરક્ષા અને ગ્રામીણ આવક માટે મહત્વપૂર્ણ છે. જોકે, હવામાન નિષ્ણાતોએ પહેલાથી જ ચેતવણી આપી હતી કે ચોમાસાની શરૂઆત પ્રોત્સાહક છે, પરંતુ વાસ્તવિક અસર આગામી અઠવાડિયામાં દેશભરમાં ચોમાસુ કેટલું સ્થિર અને એકસરખું આગળ વધે છે તેના પર નિર્ભર રહેશે.

ચોમાસુ સમગ્ર દેશમાં એકસરખું ફેલાય તે જરૂરી

ખરીફ ઋતુ સફળ થાય તે માટે, દેશભરમાં ચોમાસા અને વરસાદનો સમાન ફેલાવો જરૂરી છે. અસમાન વરસાદ કે લાંબા સમય સુધી દુષ્કાળ ચોમાસાની વહેલી શરૂઆતના ફાયદાઓને દુર કરી શકે છે. જો ચોમાસુ તેની ગતિ જાળવી રાખે અને જુલાઈના મધ્ય સુધીમાં મધ્ય અને ઉત્તર ભારતમાં સમાનરૂપે ફેલાય તો દેશના કૃષિ ઉત્પાદનમાં વધારો થશે, જે ફુગાવાને નિયંત્રિત કરવામાં અને આર્થિક વિકાસને વેગ આપવામાં પણ મદદ કરશે.


પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર નીચા દબાણની સિસ્ટમ રચાઈ

હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દક્ષિણ અને મધ્ય અરબી સમુદ્ર, માલદીવ અને કોમોરિન વિસ્તાર, લક્ષદ્વીપના કેટલાક ભાગો, કર્ણાટક, તમિલનાડુ, દક્ષિણ અને મધ્ય બંગાળની ખાડી, ઉત્તર બંગાળની ખાડી અને ઉત્તરપૂર્વીય રાજ્યોના કેટલાક ભાગોમાં આ જ સમયગાળા દરમિયાન આગળ વધશે. જેની સમાંતર, દક્ષિણ કોંકણ-ગોવા કિનારાથી દૂર પૂર્વ મધ્ય અરબી સમુદ્ર પર એક ઓછા દબાણવાળી હવામાન પ્રણાલીની જાણ કરવામાં આવી છે. આ લૉ પ્રેશર સર્જાતા આગામી 36 કલાકમાં ઉત્તર તરફ આગળ વધતાં વધુ મજબૂત બની શકે છે અને સ્થાનિક હવામાન પેટર્નને પ્રભાવિત કરી શકે છે, જેના કારણે પશ્ચિમ કિનારાના ભાગોમાં વરસાદ અને પવનમાં ફેરફાર થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application