જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં તાવી નદીના કિનારેથી એક અત્યંત આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં નદીના પાણીમાં તરતો એક રહસ્યમય પથ્થર મળી આવતા સમગ્ર વિસ્તારમાં કુતૂહલ અને આસ્થાનો માહોલ સર્જાયો છે. આ પથ્થરને જોવા અને તેના આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે.
કેવી રીતે મળી આવ્યો આ ચમત્કારિક પથ્થર?
આ પથ્થર સ્થાનિક નિવાસી રાકેશ કુમારને તાવી નદીના કિનારેથી મળી આવ્યો હતો. રાકેશ કુમારે જણાવ્યું કે "જ્યારે મેં આ પથ્થરને પાણીમાં જોયો, ત્યારે તે ડૂબવાને બદલે સપાટી પર તરી રહ્યો હતો. મને પહેલા વિશ્વાસ ન થયો, પણ જ્યારે મેં તેને વારંવાર પાણીમાં નાખ્યો તો તે દર વખતે ઉપર આવી જતો હતો. રાકેશ કુમાર દ્વારા આ પથ્થર ઘેર લાવતા જ આ વાત વાયુવેગે પંથકમાં ફેલાઈ ગઈ હતી અને લોકો તેને 'રામ શિલા' માનીને પૂજા કરી રહ્યા છે.
અનેક શ્રદ્ધાળુઓ આ ઘટનાને રામાયણ કાળના 'રામસેતુ' ના પથ્થરો સાથે જોડી રહ્યા છે. લોકોનું માનવું છે કે આ ભગવાનનો સાક્ષાત્કાર છે અને તેને પવિત્ર માનીને ભજન-કીર્તન શરૂ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ વિજ્ઞાનના જાણકારોનું કહેવું છે કે આ કોઈ 'પ્યુમિસ સ્ટોન' હોઈ શકે છે. આ પ્રકારના પથ્થરો જ્વાળામુખીના લાવામાંથી બને છે અને તેમાં હવાના પરપોટા ફસાયેલા હોવાથી તેની ઘનતા પાણી કરતા ઓછી હોય છે, જેને કારણે તે પાણીમાં તરી શકે છે.
વહીવટી તંત્ર અને લોકોની પ્રતિક્રિયા
સ્થાનિક લોકો આ પથ્થરને એક મોટો ચમત્કાર ગણાવી રહ્યા છે. જોકે, ભૂસ્તરશાસ્ત્રીઓ આ પથ્થરની તપાસ કરવાની તૈયારી કરી રહ્યા છે જેથી તેનું સાચું રહસ્ય જાણી શકાય. હાલ તો ઉધમપુરનું આ ઘર એક નાનકડા મંદિર સમાન બની ગયું છે, જ્યાં લોકો આ 'તરતા પથ્થર' ના દર્શન કરવા લાઈનો લગાવી રહ્યા છે.