દ્વારકાના દરિયાકાંઠાના આશ્રય સ્થાનોની મુલાકાત લેતાં ગૃહરાજ્યમંત્રી

  • June 16, 2023 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મંત્રીએ હર્ષદ માતાના મંદિરે દર્શન કરીને વાવાઝોડાનું સંકટ ટળે તેવી વિશેષ પ્રાર્થના કરી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બિપરજોય વાવાઝોડાની અસરો તોફાની પવન સ્વરુપે આજે સવારથી જ વર્તાવા લાગી છે ત્યારે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાવાઝોડાના પ્રભાવક્ષેત્ર તેમજ દરિયાકાંઠાના આશ્રય સ્થાનોની મુલાકાત લઈને સ્થળાંતરિત લોકોની  સ્થિતિ જાણી હતી અને તેમના માટેની વ્યવસ્થામાં કોઈ કચાશ ન હોવાનું સુનિશ્ચિત કર્યું હતું.  
સવારે મંત્રીએ સૌ પ્રથમ દ્વારકા નગરના વિવિધ વિસ્તારો તેમજ ગોમતી ઘાટની રુબરુ મુલાકાત લઈને વાવાઝોડાં તેમજ તોફાની પવનના લીધે સર્જનારા સંભવિત જોખમોની સમીક્ષા કરી હતી તેમજ અહીંના લોકોની સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી.
બાદમાં તેઓએ હર્ષદ નજીક ગાંધવીમાં બનેલા મલ્ટી પર્પઝ સાયકલોન શેલ્ટર સેન્ટરની મુલાકાત લીધી હતી. અહીં ૯૦થી વધુ લોકોને આશ્રય અપાયો છે. બે સગર્ભા બહેનો છે, જેમની પૂરતી કાળજી લેવાય છે. અહીં બે ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ, તેમજ પૂરતી દવાઓ સાથે ચાર આરોગ્ય કર્મચારીઓ ૨૪ કલાક માટે તહેનાત છે. અહીં અસરગ્રસ્ત લોકો માટે ભોજન, નાસ્તાની તમામ વ્યવસ્થા રાખવામાં આવી છે. મંત્રીએ આ તમામ વ્યવસ્થાની ચકાસણી કરી હતી.
બાદમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હર્ષદ માતાજીના મંદિરે દર્શન કર્યા હતા અને વાવાઝોડાના સંકટ ટળે તેવી પ્રાર્થના કરી હતી. આ સાથે હર્ષદ ગામના માર્ગો પર ચાલીને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમજ અહીં સ્થાનિક સરપંચ, ગ્રામજનોને મળીને તેમની સાથે વાત કરીને સ્થિતિ જાણી હતી. આ સાથે જરૂર પડયે તમામ મદદ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી.
ત્યારબાદ વાવાઝોડાના તોફાની પવનોની સ્થિતિ વચ્ચે પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નાવદ્રા ગામ તથા બંદરની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેઓએ અહીંની પ્રાથમિક શાળામાં ઊભા કરાયેલા આશ્રય સ્થાનની મુલાકાત લીધી અને સ્થળાંતરીત લોકોના ખબર અંતર પૂછ્યા તથા જરુર પડ્યે તમામ મદદ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી. અહીં પણ ૯૦થી વધુ લોકોને આશ્રય અપાયો છે.
**
બધી વ્યવસ્થા સારી છે, ત્રણ ટાઇમ જમવાનું મળે છે, કોઈ તકલીફ નથી: જેઠાભાઈ પરમાર
રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટી તંત્રએ વાવાઝોડાગ્રસ્ત લોકો માટે કરેલી વ્યવસ્થા અંગે પોતાનો પ્રતિભાવ આપતા નાવદ્રા ગામના જેઠાભાઈ માનાભાઈ પરમારે મંત્રીશ્રીને જણાવ્યું હતું કે, અહીં બધી વ્યવસ્થા સારી છે. અહીં તેમને ત્રણ વખત જમવાનું મળે છે. કોઈ તકલીફ નથી. જેઠાભાઈ નાવદ્રા ગામમાં જ કાચા મકાનમાં રહે છે અને વાવાઝોડાના લીધે પોતાના ૧૦ સભ્યોના પરિવાર સાથે અહીં આશ્રય લીધો છે.  મંત્રી સંઘવીએ અસરગ્રસ્તોની સાથે વાત કરીને તેમને સધિયારો આપ્યો હતો અને આ સંકટમાં સરકાર તેમની સાથે જ છે તેવી ખાતરી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application