દ્વારકા તાલુકામાં કોરોના નિયંત્રણ કામગીરીની હકારાત્મક સ્પર્ધામાં ઉતરી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા હાંકલ કરતા રાજયમંત્રી જાડેજા

  • May 20, 2021 10:33 AM 

પાલિકા વિસ્તારમાં ધનવંતરી રથ વધારી લોકોની પ્રાથમિક તપાસ કરી સારવાર કરવામાં આવશે

દ્વારકા અને ઓખા નગરપાલીકા ખાતે તાજેતરમાં "મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ" અંગેના યોજાયેલા કાર્યક્રમમાં સ્થાનિક નગરપાલિકા સભ્યો વચ્ચે રાજ્યના અન્ન અને પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં રાજ્ય સરકારના સંકલિત અને સર્વગ્રાહી પ્રયાસોથી રાજ્યમાં કોરોનાના કેસોમાં હાલ નોંધપાત્ર ઘટાડો થયો છે. કોરોનાની સંભવતઃ ત્રીજી લહેરનો અસરકારક રીતે સામનો કરવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

"મારું ગામ કોરોનામુક્ત ગામ" અભિયાનના સફળ પ્રયોગ બાદ રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડ અભિયાનની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રીના વડપણ હેઠળ રાજ્ય સરકાર પ્રશાસન, ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓને સાથે રાખી કોરોના મહામારી સામે લડી રહી છે. "મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ" અભિયાન હેઠળ દ્વારકા અને ઓખા શહેરની નગરપાલિકાઓમાં વોર્ડ દીઠ કોરોના સંક્રમણને અટકાવવા માટે વ્યાપક જનજાગૃતિ ઉભી કરવા સાથે શરદી, ઉધરસ, તાવ જેવા પ્રાથમિક લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર માટે સુચારું સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તેમજ તેમને હાલમાં ધનવન્તરી રથ દ્રારા પ્રાથમિક તપાસ કરવામાં આવે છે, તેમાં ધનવન્તરી રથમાં વધારો કરવાની પણ જાહેરાત મંત્રી દ્વારા કરવામાં આવી હતી.

રાજયમંત્રીએ દ્વારકા ખાતે સરકારી હોસ્પિટલની મુલાકત સાથે કોવિડ રૂમની પણ મુલાકાત લઇ, હોસ્પિટલની પ્રવર્તમાન કોરોનાની સ્થિતિ, ઉપલબ્ધ સુવિધાઓ વિશે વિગતવાર માહિતી મેળવીને હોસ્પિટલના આગોતરા આયોજન વિશે અને કોરોના સામેની લડતની તૈયારીના ભાગરૂપે કરવામાં આવેલી વ્યવસ્થાની વિગતવાર ચર્ચા ડોકટરો સાથે કરી હતી.

આ સમગ્ર આયોજનમાં જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલે "મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ” ને અસરકારક બનાવવા અપીલ કરતા કહ્યું કે, રાજ્યના મુખ્યંમત્રી વિજયભાઇ રૂપાણીના “મારૂ ગામ કોરોના મુક્ત ગામ”ની અનોખી પહેલથી ગ્રામ્ય સ્તરે પોઝીટીવીટી રેટ ઘટાડવામાં સફળ રહ્યાં છીએ. ત્યારે આ જનવ્યાપી અભિયાનની પ્રેરણાથી રાજ્યભરના નગરોમાં શરૂ થયેલ “મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડ” અભિયાનમાં  પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધી એવા પાલિકા સદસ્યો અને વહીવટી તંત્રના સહિયારા પ્રયાસથી આ અભિયાન જનવ્યાપી અને આરોગ્યલક્ષી બને તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં દ્વારકા પ્રાંત અધિકારી એન.ડી.ભેટારીયા, ઓખા નગરપાલિકા પ્રમુખ ચેતનભા માણેક ભાજપ અગ્રણી વી.ડી. મોરી, શૈલેષ કણઝારીયા, હસમુખભાઇ હિન્‍ડોચા, દ્વારકા અને ઓખા નગરપાલીકાના ચીફ ઓફીસર સહિતના અધિકારી કર્મચારી, નગરપાલિકા સદસ્યો તથા અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS