BREAKING NEWS

લઘુતમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધી ઘટાડો: અમરેલીમાં 17.2 , નલિયામાં 19 ડિગ્રી

  • November 05, 2025 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જમ્મુ કશ્મીર લદાખ ઉપરાંત હિમાચલ પ્રદેશના મોટાભાગના હિસ્સામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદ અને બરફ વર્ષાની અસર આખરે ગુજરાત સુધી પહોંચી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થયો છે. આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક જોરદાર રીતે વધી જવાના કારણે સવારે વાતાવરણમાં ફૂલ ગુલાબી માહોલ અનુભવાયો હતો.

સવારના લઘુતમ તાપમાનમાં ઘટાડાની સૌથી વધુ અસર અમરેલી અને નલિયાને થઈ છે. અમરેલીમાં ગઈકાલે લઘુતમ તાપમાન 20 ડિગ્રી હતું તે આજે ઘટીને 17.2 ડિગ્રી થઈ ગયું છે. આવી જ રીતે નલિયામાં પણ લઘુતમ તાપમાન 20 ડિગ્રી નીચે આવી ગયું છે અને આજનું મિનિમમ ટેમ્પરેચર નલિયામાં 19 ડિગ્રી નોંધાયું છે. દીવમાં આજે સવારે લઘુતમ તાપમાન 19.7 ડિગ્રી રહેવા પામ્યું છે.

ભાવનગરમાં 20.8 રાજકોટમાં 20 ડિગ્રી લઘુતમ તાપમાન આજે સવારે રહેવા પામ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ એકાદ બે દિવસ સુધી લઘુતમ તાપમાનમાં ઘટાડાનો સિલસિલો ચાલુ રહેશે અને મોટાભાગના વિસ્તારોમાં તે 20 ડિગ્રી નીચે આવી જશે.

વાતાવરણમાં ભેજના પ્રમાણની વાત કરીએ તો અમરેલીમાં 98 ભાવનગરમાં 95 વડોદરામાં 96 ભુજમાં 91 રાજકોટમાં 95 નલિયામાં 95 દમણમાં 90 કંડલામાં 93 અને સુરતમાં 93% નોંધાયું છે.

જમ્મુ કશ્મીરમાં અનંતનાગ અને ડોડા જિલ્લામાં વરસાદ અને બરફ વર્ષાનું પ્રમાણ વધુ રહ્યું હતું. મોટાભાગના વિસ્તારોમાં ત્રણ ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો અને બરફ વર્ષા પણ વધુ થઈ હતી. જોકે ગુજરાતમાં માવઠાએ વિદાય લીધી છે, છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યના માત્ર ત્રણ તાલુકામાં ઝાપટા પડ્યા છે. ડાંગ જિલ્લાના આહવા અને વધઈમાં અનુક્રમે ત્રણ અને બે મીલીમીટર અને વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક મિલીમીટર વરસાદ થયો છે, આજે સવારના 6 થી 8:00 વાગ્યાના પ્રથમ બે કલાકમાં સમગ્ર રાજ્યમાં ક્યાંય વરસાદનો છાંટો પણ પડ્યો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application