જેની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી તે 74મી મિસ યુનિવર્સ સ્પર્ધાની નિર્ણાયક ઘડી આવી પહીચી છે અને વિશ્વભરની સુંદરીઓને મ્હાત કરી મેક્સીકન બ્યુટી ફાતિમા બોશના શિરે મિસ યુનિવર્સ 2025નો તાજ મુકાયો છે. શરૂઆતથી જ વિવાદમાં રહેલી આ સ્પર્ધામાં અનેક ચડાવ ઉતાર પણ આવ્યા હતા. એક સમયે સ્પર્ધકની બુદ્ધિમત્તા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો, જેના કારણે ઘણા સ્પર્ધકો ગુસ્સામાં બહાર નીકળી ગયા હતા, અને પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે યજમાન રડી પડ્યા હતા.જોવાની ખૂબી એ છે કે જેની બુદ્ધિમત્તા પર સવાલો ઉઠયા હતા તેના જ શિરે તાજ સજ્યો છે. બીજી તરફ ભારતની મણિકા વિશ્વકર્માએ સારી શરૂઆત કરી હતી પરંતુ ટોપ 12માં સામેલ ન થઈ શકી. પ્રથમ રનર અપ થાઈલેન્ડ - વીણા પ્રવીનર સિંહ રહી હતી અને દ્વિતીય રનર અપ વેનેઝુએલા - સ્ટેફની અબાસાલી બની હતી.
ફાતિમાની કયો જવાબ લોકોને સ્પર્શી ગયો
જ્યારે ફાતિમાને પૂછવામાં આવ્યું કે તે યુવાન છોકરીઓને સશક્ત બનાવવા માટે તેના ખિતાબનો ઉપયોગ કેવી રીતે કરશે, ત્યારે તેણે જવાબ આપ્યો, "મિસ યુનિવર્સ તરીકે, હું તેમને કહીશ કે તેઓ તેમની સાચી શક્તિમાં વિશ્વાસ રાખે, પોતાના પર વિશ્વાસ રાખે, તમારા સપના મહત્વના હોય અને તમારા હૃદય મહત્વના હોય. ક્યારેય કોઈને તમારી ક્ષમતાઓ પર શંકા ન કરવા દો, કારણ કે તમે દરેક વસ્તુ માટે લાયક છો. આ આત્મવિશ્વાસપૂર્ણ પ્રતિભાવથી તેણી વિજય તરફ દોરી ગઈ, અને આ સાથે, તેણી હવે મિસ યુનિવર્સ 2025 તરીકે જાણીતી થશે.
ટોપ 12 વિજેતાઓની યાદી
ચિલી - ઇના મોલ
કોલમ્બિયા - વેનેસા પલ્ગારિન
ક્યુબા - લીના લુસેસ
ગ્વાડેલુપ - નાઓમી ટોરેન્ટ
મેક્સિકો - ફાતિમા બોશ
પ્યુઅર્ટો રિકો - ઝચેલી એલિસિયા રિવેરા
વેનેઝુએલા - સ્ટેફની અબાસાલી
ચીન - ઝાઓ ના
ફિલિપાઇન્સ - આહતિસા મનાલો
થાઈલેન્ડ - વીણા પ્રવીનર સિંહ
માલ્ટા - જુલિયા ક્લ્યુટ
કોટ ડી'આઇવોર - ઓલિવિયા યાસે
આ યાદીમાં જ ભારતની સુંદરી બહાર નીકળી ગઈ હતી.
રેમ્પ પર ચાલતી વખતે જમૈકન સુંદરી ઉંધા માથે પડી, સ્ટ્રેચર પર લઈ જવી પડી
અનેક વિવાદો વચ્ચે, બીજી એક ઘટના પ્રકાશમાં આવી છે જેણે લોકોને ચોંકાવી દીધા છે. બેંગકોકમાં મિસ યુનિવર્સ પ્રારંભિક સ્પર્ધા દરમિયાન અચાનક પડી જવાથી મિસ યુનિવર્સ જમૈકા 2025 ગેબ્રિયલ હેનરી હેડલાઇન્સમાં આવી હતી. થાઈલેન્ડના પાક ક્રેટમાં ઈમ્પેક્ટ એરેના ખાતે ઈવનિંગ ગાઉન સેગમેન્ટ દરમિયાન, હેનરી તેજસ્વી નારંગી ગાઉનમાં રેમ્પ પર આત્મવિશ્વાસથી ચાલી રહી હતી. તેણી અચાનક પોતાનું સંતુલન ગુમાવી બેઠી અને ઉંધા માથે પડી. તેને તાબડતોબ હોસ્પિટલ ખસેડવી પડી હતી. હેનરીને તબીબી ટીમ સાથે સ્ટ્રેચર પર એક સુવિધામાં લઈ જવામાં આવી હતી અને પછી વધુ મૂલ્યાંકન માટે પાઓલો રંગસિત હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ડોકટરોએ પુષ્ટિ આપી છે કે તેણીની સ્થિતિ સ્થિર છે.
ભારતની મણિકા વિશ્વકર્માએ મહેનત ખુબ કરી પરંતુ....
મિસ યુનિવર્સનો ખિતાબ જીતવો એ દરેક મોડેલનું સ્વપ્ન હોય છે. દર વર્ષે, વિશ્વભરની મોડેલો મિસ યુનિવર્સનો તાજ પહેરવા માટે સખત મહેનત કરે છે અને આ દિવસની રાહ જુએ છે. આ વખતે, ભારતને આશા હતી, પરંતુ તે આશાઓ ઠગારી નીવડી , ભારતનું ચોથી વખત મિસ યુનિવર્સનો ખિતાબ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. રાજસ્થાનની મણિકા વિશ્વકર્માએ આ વર્ષે મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણીની સુંદરતા અને પ્રભાવશાળી વ્યક્તિત્વના કારણે, તેણીએ ટોપ 30માં સ્થાન મેળવ્યું, જેનાથી પ્રેક્ષકોનો ઉત્સાહ વધુ વધ્યો. જોકે, ટોચના 12 ની યાદી જાહેર થતાં ભારતને મોટો ઝટકો લાગ્યો અને મણિકા વિશ્વકર્મા રેસમાંથી બહાર થઈ ગઈ. આ વખતે સ્પર્ધામાં ભારતની સફર સમાપ્ત થઈ ગઈ હોવા છતાં, હજુ પણ એક ભારતીય છે જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધાર્યું છે. આ વખતે, બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલને નિર્ણાયક પેનલમાં સામેલ કરવામાં આવી છે.
ભારતની ચાર સુંદરી અત્યાર સુધીમાં બની છે મિસ યુનિવર્સ
ભારતે ૧૯૯૪માં સુષ્મિતા સેનના રૂપમાં પોતાનું પહેલું મિસ યુનિવર્સ જીત્યું હતું. તેના છ વર્ષ પછી, ૨૦૦૦માં, ભારતે લારા દત્તાના રૂપમાં બીજી મિસ યુનિવર્સ જીતી. આ પછી, ભારતને પૂરા ૨૧ વર્ષ રાહ જોવી પડી અને ૨૦૨૧માં, ભારતે હરનાઝ સંધુના રૂપમાં ત્રીજી મિસ યુનિવર્સ જીતી.