દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘાડંબર વચ્ચે મેઘરાજાની કંજુસાઈ: માત્ર હળવા ઝાપટા વરસ્યા

  • July 19, 2021 10:03 AM 

શનિવારે ખંભાળિયા તાલુકામાં વીજળીના કડાકા ભડાકાથી વીજ પુરવઠો ખોરવાયો

    ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમી દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન મેઘરાજા જાણે હાથતાળી આપી રહ્યા હોય, તેમ ઘટાટોપ વરસાદી વાદળો વચ્ચે માત્ર હળવા ઝાપટા વરસી છે. અહીં ક્યારેક બફારા અને મેઘાવી માહોલ કે ક્યારેક ઉઘાડ વચ્ચે માત્ર તેમજ ઝાપટાથી હવે લોકો વ્યાકુળ બની ગયા છે.

   ખંભાળિયા તાલુકામાં છેલ્લા 48 કલાક દરમિયાન હળવા ઝાપટા રૂપે માત્ર એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે શનિવારે ભાણવડ પંથકમાં 21 મિલીમીટર બાદ ગઈકાલે રવિવારે મેઘરાજાએ વિરામ રાખ્યો હતો. આજે સવારે પણ ઝાપટા રૂપે બે મિલીમીટર પાણી વરસી ગયું હતું. દ્વારકા તાલુકામાં શનિવારનો વરસાદ 12 મિલીમીટર જ્યારે કલ્યાણપુર તાલુકામાં 8 મિલીમીટર નોંધાયો છે.

   મોસમનો કુલ વરસાદ ખંભાળિયા તાલુકામાં 335 મિલીમીટર (42.84 ટકા), ભાણવડમાં 209 મિલીમીટર (29.45 ટકા), કલ્યાણપુરમાં 365 મિલીમીટર (44.14 ટકા) અને દ્વારકા તાલુકામાં 147 મિલીમીટર (28.99 ટકા) નોંધાયો છે.

    જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 37.38 ટકા થયો છે. ખંભાળિયા શહેરમાં આજરોજ ચડતા પહોરે વરસાદનું જોરદાર ઝાપટું વરસી જતા માર્ગો પાણીથી તરબતર બન્યા હતા.

   જ્યારે શનિવારે બપોરે ઘટાટોપ મેઘાવી માહોલ છવાયો હતો અને ત્રણેક વાગે વીજળીના જોરદાર કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટું વરસ્યું હતું. આ આકાશી વીજળીના કારણે ગેટકોની લાઇન ટ્રીપ થઈ જવા પામી હતી. તેથી ખંભાળિયા 132 કે.વી. સબસ્ટેશન, તેમજ રામનગર, કંચનપુર, ગોઈંજ અને વળતરા 66 કે.વી. સબ સ્ટેશન પ્રભાવિત થયા હતા. જેના કારણે ખંભાળિયા શહેર તેમજ અનેક ગ્રામ્ય પંથકમાં લાંબો સમય વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.

   એટલું જ નહીં, ગઈકાલે રવિવારે પણ 132 કે.વી. ખંભાળિયા સબ સ્ટેશનના ફોલ્ટના કારણે તમામ ફીડર બંધ રહેતા શહેર તથા આસપાસના વિસ્તારોમાં પુનઃ વીજ વિક્ષેપ સર્જાયો હતો. તેને પૂર્વવત કરવા પીજીવીસીએલના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS