દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલના ત્રણ ઈંચ સુધીના વરસાદ બાદ મેઘરાજાનો વિરામ

  • July 14, 2021 11:33 AM 

કલ્યાણપુર તાલુકામાં ત્રણ અને ખંભાળિયા તાલુકામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારથી શરૂ થયેલી મેઘસવારીએ સોમવારે બ્રેક રાખ્યા બાદ ગઈકાલે પુનઃ મેઘાના મંડાણ થયા હતા. જિલ્લામાં ભાણવડ પંથકને બાદ કરતા તમામ ત્રણ તાલુકાઓમાં અઢીથી ત્રણ ઈંચ જેટલો મુશળધાર વરસાદ વરસી ગયો હતો.

    ખંભાળિયા તાલુકામાં ગઈકાલે મંગળવારે અસહ્ય બફારા અને ગરમીના માહોલ વચ્ચે બપોરે ઘટાટોપ વરસાદી વાતાવરણ છવાયું હતું અને દોઢેક વાગ્યે મુશળધાર વરસાદ શરૂ થયો હતો. જે સાંજે પાંચેક વાગ્યા સુધી હળવા તથા ભારે ઝાપટા રૂપે અવિરત રીતે વરસ્યો હતો. મંગળવારે દિવસ દરમિયાન અઢી ઈંચ (62 મીલીમીટર) વરસાદ વરસી ગયો હતો. ખંભાળિયા શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખેતીને ફાયદારૂપ વરસાદ વરસી જતા ધરતીપુત્રો ખુશખુશાલ બની ગયા છે. જોકે હજુ જળાશયોમાં નોંધપાત્ર નવું પાણી આવ્યું નથી.

    મુશળધાર વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી જોકે બપોર બાદ મેઘરાજાએ વિરામ રાખ્યો હતો અને ઉઘાડ થયો હતો. આજે બુધવારે પણ સવારથી સ્વચ્છ આકાશ વચ્ચે વરાપ અને સૂર્યનારાયણના દર્શન થયા હતા.

    આ ઉપરાંત કલ્યાણપુર તાલુકામાં પણ ગઈકાલે બપોરે બારથી ચાર વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ તૂટી પડતાં પણ ત્રણેક કલાકના સમયગાળા દરમિયાન ત્રણ ઈંચ (76 મીલીમિટર) વરસાદ નોંધાયો છે. તાલુકાના મેઘપર ટીટોડી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુશળધાર 3 થી 4 ઈંચ વરસાદ વરસી જતા નવા નીરની આવક થવા પામી હતી. આટલું જ નહીં દ્વારકા પંથકમાં પણ મંગળવારે મેઘ મહેર હળવા તથા ભારે ઝાપટા રૂપે વરસતી હતી. બપોરે બે થી ચાર દરમિયાન વિજળીના ગડગડાટ સાથે મુશળધાર વરસાદ તૂટી પડતા સવા બે ઈંચ સહિત સાંજ સુધીમાં કુલ પોણા ત્રણ ઈંચ (70 મિલીમીટર) વરસાદ વરસી ગયો હતો.

   જો કે ભાણવડ તાલુકામાં ગઈકાલે છુટાછવાયાં ઝાપટાંઓને બાદ કરતા નોંધપાત્ર વરસાદ વરસ્યો નથી. મુશળધાર વરસાદનો વધુ એક રાઉન્ડ હવે તેમ લોકો ઈચ્છી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS