BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા : ચણાના પાકમાં સંકલિત રોગ- જીવાત વ્યવસ્થાપન માટે પગલાં જાહેર

  • November 25, 2025 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા ચણાના પાકમાં સંકલિત રોગ- જીવાત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/ વાવણી સમયે લેવાના પગલાં જાહેર કરવામાં આવ્યા છે. 


જે મુજબ રોગમુક્ત બિયારણ પસંદ કરવું, પાકની જુવાર અથવા બાજરી પાક સાથે ફેરબદલી કરવી. લીલી ઇયળ બહુભોજી હોવાથી શેઢા- પાળાનાં નિંદણ તથા અન્ય વનસ્પતિ ઉપર પાકોની ગેરહાજરીમાં નભતી હોય છે. તેથી આવા નિંદણનો નાશ કરવો. ચણાના પાકમાં લીલી ઇયળના નિયંત્રણ માટે ધાણા, રાઈનું આંતર પાક તરીકે વાવેતર કરવું.  ખેતરની ફરતે તેમજ પાકની વચ્ચે પિંજર પાક તરીકે ગલગોટાનું વાવેતર કરવું.   


મૂળનો કોહવારો રોગના નિયંત્રણ માટે પાક વાવતા પહેલાં દિવેલીનો ખોળ હેકટરે ૧૦૦૦ કિલો પ્રમાણે જમીનમાં આપવો. સુકારો અને મૂળખાઈ રોગના નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા વીરીડી અથવા ટ્રાઈકોડર્મા હરજીએનમ (૨સ૧૦ઓ સીએફયુ/ગ્રામ) સંવર્ધિત છાણિયા ખાતરને (૧૦ કિલો જૈવિક નિયંત્રક પ્રતિ ૧ ટન છાણિયા ખાતર) ૧ ટન/ હેકટર પ્રમાણે વાવણી વખતે ચાસમાં આપવું. સ્ટંટ વાયરસના નિયંત્રણ માટે બે હાર વચ્ચે ૩૦ સે.મી. નું અંતર રાખવાથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે. 


ચણામાં બીજ માવજત વખતે બીજને જૈવિક રોગ નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા વીરીડી ૪ ગ્રામ પ્રતિ ૧ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી અથવા ટાલ્ક આધારિત ટ્રાઈકોડર્મા વીરીડી અથવા ટ્રાઈકોડર્મા હરજીએનમ  ૧% વે.પા.ની ૫૦ ગ્રામ બનાવટને ૨૫૦ મિ.લિ. પાણીમાં પ્રતિ કિલો બીજ પ્રમાણે ભેળવી ૧૦ કલાક બોળી છાંયડામાં સૂકવી વાવણી માટે ઉપયોગમાં લેવા. રાસાયણિક બીજ માવજત માટે થાયરમ કે કાર્બેન્ડાઝીમ દવાનો ૩ ગ્રામ/ કિલો બીજ પ્રમાણે પટ આપવો. પાકમાં સ્થાનિક રોગ-જીવાતનો વધુ ઉપદ્રવ જણાયેથી ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક/ફૂગનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો. 


વધુમાં, જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે અને જે તે રોગ/ જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા જણાવવામાં આવે છે. 


આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application