જામનગરમાં મયીબેન, દ્વારકામાં રિઘ્ધિબા: બે જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયતના નવા સુકાનીઓ

  • September 13, 2023 11:17 AM 


દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રિઘ્ધિબા જાડેજા, ઉપપ્રમુખ પદે અનિલભાઇ ચાવડા: કાલાવડ અને જામજોધપુર તાલુકા પંચાયતમાં ભાજપ સતા કબ્જે કરશે ?: સિકકા નગરપાલિકા કોંગ્રેસ પાસેથી ખુંચવી લેતો ભાજપ: ભાણવડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું રાજ




જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પદે મયીબેન ગરસર (રબારી) અને ઉપપ્રમુખ પદે હસમુખભાઇ છગનભાઇ કણજારીયાની વરણી થઇ છે જયારે દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રિઘ્ધીબા શકિતસિંહ જાડેજા અને ઉપપ્રમુખ પદે અનિલભાઇ ભરતભાઇ ચાવડાની નિમણુંક થઇ છે, કાલાવડમાં ભાજપના 8, કોંગ્રેસના 7, આપના 2 અને એક સભ્ય અપક્ષ હોવાથી ભાજપ સતા મેળવશે કે કોંગ્રેસ ? એ નકકી થતું નથી જયારે જામજોધપુરમાં પણ સખડ-ડખળ ચાલી રહ્યું છે, બપોર સુધીમાં ફેંસલો આવી જશે ત્યારે સિકકા નગરપાલિકા કોંગ્રેસ પાસે હતી જેમાં ભાજપે ચાલાકી વાપરીને સિકકા નગરપાલિકામાં કેસરીયો લહેરાવ્યો છે જયારે ભાણવડમાં કોંગ્રેસે તાલુકા પંચાયત કબ્જે કરી છે અને દ્વારકા, ખંભાળીયા, કલ્યાણપુરમાં ભાજપે મેદાન માર્યુ છે જયારે રાવલ અને સિકકા નગરપાલિકામાં પણ કેસરીયો લહેરાયો છે.


જામનગર જિલ્લા પંચાયતની પ્રમુખ પદની વરણી માટે આજે બપોરે 12 વાગ્‌યે જિલ્લા પંચાયતના સભાખંડમાં સામાન્‌ય સભા મળી હતી જેમાં મયીબેન ગરસર (રબારી) ચૂંટાઇ આવ્યા હતાં જયારે ભાજપના આદેશ મુજબ હસમુખભાઇ કણજારીયા ઉપપ્રમુખ પદે વરાયા હતાં. પ્રમુખ પદ અનુસુચીત જનજાતિ માટે અનામત હોય તેથી મયીબેન ચૂંટાઇ આવ્યા હતાં, દ્વારકા જિલ્લા પંચાયતમાં પણ રિઘ્ધિબા શકિતસિંહ જાડેજા પ્રમુખ પદે અને અનિલભાઇ ભરતભાઇ ચાવડા ઉપપ્રમુખ પદે ચૂંટાઇ આવ્યા છે. દેવભુમિ દ્વારકા જિલ્લાની 3 તાલુકા પંચાયત ભાજપ પાસે અને એક તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે છે.


ગઇકાલે ખંભાળીયા નગરપાલિકાના પ્રમુખ પદે રચનાબેન મોટાણી અને ઉપપ્રમુખ પદે વિષ્ણુભાઇ પતાણી તેમજ કારોબારી ચેરમેન પદે રેખાબેન ખેતીયા ચૂંટાઇ આવ્યા હતાં, છેલ્લી ઘડી સુધી ભારે ખેંચતાણ ચાલી હતી, જયારે સિકકા નગરપાલિકા અગાઉ કોંગ્રેસ પાસે હતી જેમાં ભાજપે ગાબડુ પાડયું છે અને પ્રમુખ પદે રાજીબેન પરમાર અને ઉપપ્રમુખ પદે શિવપુરી ગૌસ્વામી ચૂંટાઇ આવ્યા છે. જયારે રાવલ નગરપાલિકામાં પ્રમુખ પદે જશાઇબેન જમોડ અને ઉપપ્રમુખ પદે મનોજભાઇ જાદવ ચૂંટાઇ આવ્યા છે.


કાલાવડ તાલુકા પંચાયતની વાત લઇએ તો ભાજપ પાસે 8, કોંગ્રેસ પાસે 7, આમ આદમી પાસે 2 અને અપક્ષ પાસે 1 બેઠક છે, ગયા વખતે ભાજપે સતા મેળવી હતી, ચંદ્રીકાબેન જેન્તીભાઇ પાનસુરીયા પ્રમુખ પદે અને અસ્મીતાબા કનકસિંહ જાડેજા ઉપપ્રમુખ પદે આજે ચૂંટાઇ આવે તેવી શકયતા છે. જયારે જામજોધપુર તાલુકા પંચાયતમાં સખડ-ડખળ ચાલી રહ્યું છે, બપોર બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. લાલપુર તાલુકા પંચાયતમાં ભાજપના પ્રવિણસિંહ જાડેજાની વરણી થાય તેવી પુરી શકયતા છે.


કલ્યાણપુર તાલુકા પંચાયતની વાત લઇએ તો જીવીબેન સુમાત ચાવડા પ્રમુખ પદે અને ગોમતીબેન ગોપાલભાઇ ચાવડા ઉપપ્રમુખ પદે ચૂંટાઇ આવ્યા છે, જયારે દ્વારકા તાલુકા પંચાયતમાં દેવીસિંગ તેજાભા હાથલ પ્રમુદ પદે અને અનુપમાબેન સુનિલભાઇ શ્રીમાળી ઉપપ્રમુખ પદે ચૂંટાઇ આવ્યા છે, ખંભાળીયા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે સંગીતાબા ઘનશ્યામસિંહ જાડેજા અને ઉપપ્રમુખ પદે ભાનુબેન દેવજીભાઇ કછેટીયા ચૂંટાઇ આવ્‌યા છે જયારે ભાણવડ તાલુકા પંચાયત કોંગ્રેસે કબ્જે કરી છે જેમાં ડાયબેન કરણભાઇ છૈયા પ્રમુખ પદે અને ઉપપ્રમુખ પદે મરીયમ જુમાભાઇ હીંગોરા ચૂંટાઇ આવ્યા છે.


આમ કાલાવડ અને જામજોધપુર તાલુકા પંચાયતમાં ખેંચાખેંચી ચાલી રહી છે જેમાં કાલાવડમાં ગયા વખતે આપ અને અપક્ષનો ટેકો લઇને ભાજપના પ્રમુખ ચૂંટાઇ આવ્યા હતાં, ગઇકાલે મોડી રાત્રી સુધી સમજાવટની દૌર ચાલું રહ્યો હતો, બપોરે 12 વાગ્‌યા બાદ આખરી સ્થિતિ સ્પષ્ટ થઇ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application