ગોંડલ નગરપાલિકાના નવનિયુકત પદાધિકારીઓ દ્રારા શહેરમાં સફાઈ ઝુંબેશને વેગવંતી બનાવવામાં આવી છે. શહેરની સ્વચ્છતાને પ્રાધાન્ય આપવાના ઉમદા અભિગમ સાથે શનિવારે વહેલી સવારે ગોંડલી નદી પર આવેલા રાજવી કાળના ઐતિહાસિક બેઠા પુલ પર સઘન સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ગોંડલ નગરપાલિકાના નવનિયુકત પ્રમુખના પ્રતિનિધિ દીપકભાઈ ગોવાણી, ઉપપ્રમુખ મનીષભાઈ રૈયાણી અને કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા દ્રારા શહેરના મુખ્ય માર્ગેા અને જાહેર સ્થળોની સફાઈને વિશેષ અગ્રતા આપવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે સવારે આ તમામ હોદ્દેદારોની સીધી દેખરેખ હેઠળ ગોંડલી નદીના બેઠા પુલની સાફ–સફાઈ શ કરવામાં આવી હતી. આ બેઠો પુલ શહેરના ટ્રાફિક અને રોજિંદા અવરજવર માટે મહત્વનો માર્ગ છે. પુલ પર ગંદકી અને કાંકરા જમા થવાના કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય રહેતો હતો અને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. નગરપાલિકાના પદાધિકારીઓના આ સત્વરે લીધેલા પગલાં અને પુલ પર હાથ ધરાયેલી સફાઈ કામગીરીના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો તેમજ સ્થાનિક લોકોએ ભારે રાહત અનુભવી છે અને પાલિકાની કામગીરીની પ્રશંસા કરી છે..