બેડેશ્વરમાં કરિયાણાની દુકાનમાં ભીષણ આગ લાગતાં દોડધામ

  • March 17, 2025 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફાયરની ટુકડીએ જહેમત લઈને આગને કાબુમાં લીધી: સામાન સળગી જતા લાખોનું નુકસાન


જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી વૈજનાથ અનાજ ભંડાર નામની અનાજ કરિયાણાની દુકાનમાં એકાએક આગ લાગી હતી, અને આગને કારણે દુકાનમાં રહેલી તમામ અનાજ કરિયાણાની ચીજ વસ્તુઓ સળગી ઊઠી હતી.


જે બનાવ અંગે ત્યાંથી પસાર થનાર વ્યક્તિએ સૌપ્રથમ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી, અને અલગ અલગ પાણીના ત્રણ ટેન્કરો વડે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. પરંતુ તે પહેલાં દુકાનમાં રહેલો અનાજ કરિયાણાની તમામ ચીજ વસ્તુઓનો મોટો જથ્થો બળીને ખાખ થયો હતો, અને દુકાનદારને લાખો રૂપિયાની નુકસાની થઈ છે.


આગના બનાવ અંગે વેપારીને જાણ થવાથી દુકાનદાર કલ્પેશભાઈ સ્થળે દોડી આવ્યા હતા. આ ઉપરાંત ત્યાં એકઠા થઈ ગયેલા લોકોએ આગના બનાવનો વિડીયો બનાવી લીધો હતો, જે આગજનીનો વિડીયો શહેરભરમાં વાયરલ થયો હતો.


વેપારી કલ્પેશભાઈ સોમૈયા દ્વારા સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં એક અરજી કરવામાં આવી હતી, અને છેલ્લા ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન પોતાની દુકાનમાં એક જ રીતે સતત ત્રીજી વખત આગ લાગી હોવાથી કેટલાક આક્ષેપ કરાયા છે. આ બાબતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઉપરોકત આગના બનાવના કારણે આ વિસ્તારમાં ભારે દોડધામ જોવા મળી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application