BREAKING NEWS

ચીનની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ: 26 ના મોત, 61થી વધુ ગંભીર રીતે ઘાયલ

  • May 05, 2026 10:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્ય ચીનના હુનાન પ્રાંતમાં આવેલી 'હુઆશેંગ ફાયરવર્કસ મેન્યુફેક્ચરિંગ એન્ડ ડિસ્પ્લે કંપની'માં સોમવારે સાંજે આશરે ૪:૪૦ વાગ્યે એક વર્કશોપમાં જોરદાર ધડાકો થયો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેના કારણે આસપાસનો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો અને આકાશમાં સફેદ ધુમાડાના ઘટ્ટ ગોટા જોવા મળ્યા હતા.


જાનહાનિ અને જબરી તારાજી
આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૨૬ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ૬૧થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. વિસ્ફોટ સ્થળની નજીક બારૂદના બે મોટા ગોદામો હોવાથી વધુ વિસ્ફોટ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને આસપાસના રહેણાંક વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.


રાષ્ટ્રપતિ દ્વારા કડક સૂચના

ચીનના રાષ્ટ્રપતિ શી ચિનપિંગે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા નિર્દેશ આપ્યા છે. તેમણે ગુમ થયેલા લોકોની શોધખોળ કરવા અને ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા સત્તાવાળાઓને આદેશ આપ્યો છે.


યુદ્ધના ધોરણે બચાવ કામગીરી
સરકારી સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે આશરે ૫૦૦ જેટલા બચાવકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. સ્થાનિક અધિકારીઓ અને નિષ્ણાતોની ટીમ વિસ્ફોટના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે. પ્રારંભિક તબક્કે ફેક્ટરીમાં સુરક્ષાના નિયમોના ભંગને કારણે આ અકસ્માત સર્જાયો હોવાની આશંકા સેવાઈ રહી છે. દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ફેક્ટરીના ખંડેર અને ચારેબાજુ ફેલાયેલા કાટમાળ વચ્ચે બચાવ ટુકડીઓ કામ કરતી જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application