ખંભાળિયામાં કોરોના જાગૃતિ અર્થે પાલિકા દ્વારા માસ્ક વિતરણ કરાયું

  • April 01, 2021 07:39 PM 

પોલીસ તંત્રને સાથે રાખી પાલિકા સત્તાવાળાઓએ જુદા જુદા વિસ્તારોમાં લોકોને માસ્ક આપ્યા

ખંભાળિયા પંથકમાં છેલ્લા દિવસોમાં નગરપાલિકા તંત્ર દ્વારા વિવિધ પ્રકારની પ્રજાલક્ષી કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. નગરપાલિકાની નવી નિમાયેલી સક્રિય બોડી સાથે તાજેતરમાં જ અત્રેનો ચાર્જ સંભાળનાર ચીફ ઓફિસર એ.એચ. સિન્હા દ્વારા સાથે મળી અને વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ તથા આગામી સમયમાં હાથ ધરાનાર વિકાસ કાર્યો અંગે જરૂરી નિર્ણયો સાથે પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

ખંભાળિયા પંથકમાં ચિંતાજનક રીતે વધી રહેલા કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે નગરપાલિકા તંત્ર દ્વારા પણ હવે આ બાબતને લક્ષમાં લઈ અને લોકોમાં માસ્ક અંગેની જાગૃતિ કેળવાય તે હેતુથી ગઈકાલે સાંજે ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય, વિગેરે દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર એ.એચ. સિન્હા સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં રૂબરૂ જઈ અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અહીંના પ્રાંત અધિકારી ડી.આર. ગુરવની સૂચના તથા માર્ગદર્શન મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને દુકાનદારો માસ્કનો મહત્તમ ઉપયોગ કરે અને કોરોનાનું સંક્રમણ અટકે તે માટે સમજાવટ ભર્યો આગ્રહ રાખવામાં આવ્યો હતો. એક દિવસમાં શહેરમાં 1500 જેટલા માસ્કનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં અહીંના પી.એસ.આઈ. પી.એ. જાડેજા તથા સ્ટાફ પણ સાથે જોડાયા હતો.

માસ્કના વિતરણ બાદ આગામી એકાદ-બે દિવસમાં પાલિકા તંત્ર દ્વારા પોલીસના સહકારથી આ અંગેની કડક અને દંડાત્મક ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેમ પણ વધુમાં જણાવાયું હતું.

આ સાથે ખંભાળિયા નગરપાલિકા દ્વારા સફાઈના મુદ્દે પણ પ્રાધાન્ય આપી, શહેરમાં નિયમિત અને દિવસમાં બે વખત સફાઈ, ડીડીટીનો છંટકાવ, જરૂરિયાત મુજબ સેનેટાઈઝેશન, વિગેરે અંગેનું પણ નક્કર આયોજન અમલમાં મૂકવામાં આવ્યું છે. હાલની પરિસ્થિતિમાં ખાસ કરીને કોરોના સામે લડત આપવા નગરજનો પણ નગરપાલિકા તંત્રને તમામ પ્રકારે જરૂરી સહકાર આપે તેવી અપીલ પણ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS