દીકરીને મોટા સાસુ-સસરાને દત્તક ન આપતા પરિણીતા પર સીતમ

  • March 29, 2025 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ ઘંટેશ્ર્વર પાસે રહેતી પરિણીતાએ પુષ્કરધામ મંદિર પાસે આલાપ સેન્ચ્યુરીમાં રહેતા પતિ સહિતના સાસરીયા સામે શારરીક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.


હાલ ઘંટેશ્વર પાસે રહેતા કોમલબા(ઉ.વ ૩૧) નામના પરિણીતાએ યુનિવર્સિટી રોડ પર પુષ્કરધામ મંદિર પાસે આલાપ સેન્ચ્યુરી શેરી નંબર 2 માં રહેતા પતિ દિવ્યરાજસિંહ પ્રદ્યુમનસિંહ ગોહિલ, સાસુ ભારતીબા, સસરા પ્રદ્યુમનસિંહ, દિયર વિશ્વરાજસિંહ, મોટા સસરા વનરાજસિંહ અને મોટા સાસુ સુમનબા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.


ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા ત્રણ માસથી અહીં માવતરના ઘરે છે તેના લગ્ન ગત તા.29/1/2017 ના દિવ્યરાજસિંહ ગોહિલ સાથે થયા હતા. લગ્ન બાદ તે સંયુક્ત કુટુંબમાં રહેવા ગયા હતા. લગ્નજીવન થકી સંતાનમાં પાંચ વર્ષની પુત્રી રીદ્ધી છે. અહીં મકાનમાં નીચેના ભાગમાં તેમના મોટા સસરા અને મોટા સાસુ રહેતા હોય જયારે ઉપરના ભાગમાં તેમનો પરિવાર રહે છે. મોટા સાસુ-સસરાને સંતાન ન હોય જેથી લગ્ન પૂર્વે ફરિયાદીના પતિ તેમને ત્યાં જમતા અને લગ્ન બાદ પણ અહીં જ જમતા હોય છે.


પરિણીતાને સંતાનમાં પુત્રીની પ્રાપ્તિ થતા સાસરીયાઓએ મેણાટોણા મારવાનું શરૂ કરી દીધું હતું. મોટા સાસુ - સસરાને સંતાન ન હોય જેથી પરિણીતાની સંમતિ વગર સસરા કહેતા હતા કે, તારી દીકરીને મોટા સાસુ સસરા અને દત્તક તરીકે આપી દેવી છે. જે બાબતે પરિણીતાએ વિરોધ કરતા ત્રાસ આપવા લાગ્યા હતા. દિયર મારકૂટ પણ કરતો હતો તેમ છતાં દીકરીના ભવિષ્યને ધ્યાનમાં લઇ પરિણીતાએ કંઈ કહ્યું ન હતું.


પતિને દારૂ પીવાની કૂટેવ હોય જેથી નશામાં ગાળો આપી મારકૂટ કરતા 181 હેલ્પ લાઈનમાં ફોન કર્યો હતો. બાદમાં બંને પક્ષોનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું તે સમયે સાસરિયાંઓએ કહ્યું હતું કે ત્રણ ચાર મહિના બાદ અમે તને તેડી જશું. દીકરી પતિના ઘરે હોય જેથી તેને મળવા માટે જતા સાસુએ દીકરી સાથે મળવા ન દેતા ફરી પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પરિણીતા દીકરીને લઈ પિયર ચાલી ગઈ હતી. એક મહિના બાદ સાસરિયાવાળા સમાધાન કરી દીકરી ભણતર ન બગડે તેમ કહી તેને લઈ ગયા હતા અને જ્યારે પણ તેની માતા મળવા આવે ત્યારે મળવા દેશે તેવી વાત કરી હતી. પરંતુ ત્યારબાદ ફરી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને દીકરીને મળવા દેતા ન હતા અને પુત્રવધુને તેડી પણ જતા ન હતા.


ગત તા. 20/10/2024 ના પરિણીતાને તેના પિતા અહીં સાસરીયે મૂકી ગયા હતા અઢીમાસ રોકાયા બાદ ફરી શારીરિક માનસિક ત્રાસ આપી પિયરમાં જતા રહેવાનું કહેતા હતા. દરમિયાન તા. 1/1/ 2025 ના પતિ અને સાસરિયાંઓએ મારકૂટ કરતા પ્રાથમિક સારવાર લીધી હતી. બાદમાં તારીખ 7/1 ના પતિ તથા સસરાએ સારવારના બહાને કારમાં બેસવાનું કહેતા પરિણીતાએ કારમાં બેસવાની ના કહેતા ઉશ્કેરાઈ જઈ મારમાર્યો હતો અને ત્યારબાદ અહીં તેના માવતરના ઘર પાસે રોડ પર ઉતારી દઈ તેઓ ચાલ્યા ગયા હતા. ત્યારબાદ પતિએ છૂટાછેડાની નોટિસ પણ મોકલી હતી. સમાધાન માટે બેઠક થતા તેમાં પતિએ કહ્યું હતું કે, તું જોઈતી નથી તું ગમતી નથી. જેથી અંતે પરિણીતાએ આ ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application