રાજકોટના માલિયાસણમાં પ્રેમી પંખીડાએ આપઘાત કર્યાની ઘટના સામે આવતા અરેરાટી મચી ગઈ છે. આપઘાત કરનાર બંને પ્રેમી પંખીડા પરિણીત હતા અને છેલ્લા ઘણા વર્ષોથી બંને વચ્ચે પ્રેમ હતો. યુવકે પ્રેમિકા સાથે આપઘાત કરતા પહેલા તેના ભાઈને ફોન કરી કહ્યું હતું કે, મને કોઈ ગોતવાની કોશિશ કરતા નહીં.
છતના હૂકમાં દોરડું બાંધી ગળાફાંસો ખાધો
મળતી માહિતી મુજબ, શહેરના આરટીઓ પાછળ આવેલા નરસિંહનગર શેરી નં.1માં રહેતા મનીષ વધેરા(ઉં.વ.45) તથા મેઘમાયાનગર શેરી નં.4 આંબેડકરનગરમાં રહેતી તેની પ્રેમિકા કાન્તા નરેશભાઈ રાઠોડ(ઉં.વ.42) બન્નેએ મનીષના માલિયાસણ ગામે ઘરે જઈ છતના હૂકમાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
પરિવારે બંનેને લટકતી હાલતમાં જોઈ દેકારો કર્યો
બનાવના પગલે યુવકની શોધમાં નીકળેલા પરિવારજનો મકાને જઈ તપાસ કરતાં બંનેને લટકતી હાલતમાં જોઈ દેકારો મચાવતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. 108ને જાણ કરતાં ઈએમટી સહિતનાએ બન્નેને તપાસી મૃત જાહેર કરી કુવાડવા રોડ પોલીસને જાણ કરતા પીએસઆઈ ડી.વી.ભગોરા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી કરી હતી.
મનિષે આપઘાત પહેલા ભાઈને ફોન કર્યો
પોલીસની પ્રાથમિક તપાસમાં મનીષ અને કાન્તાને છેલ્લા ઘણા વર્ષથી પ્રેમસંબંધ હતો. મનીષને સંતાનમાં એક પુત્ર છે. જ્યારે તેની પ્રેમિકા કાન્તાને એક પુત્રી અને પુત્ર છે. આપઘાત કરતાં પૂર્વે મનીષે તેના ભાઈને ફોન કરી કહ્યું હતું કે, મને કોઈ ગોતવાની કોશિશ ન કરતા કહી ફોન મૂકી દીધો હતો. બાદ પરિવારે યુવકના ફોનના લોકેશન આધારે માલિયાસણ ગામ પહોંચ્યા હતા ત્યારે બન્નેએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.