BREAKING NEWS

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: પરિણીત દીકરી પણ અનુકંપાના આધારે નોકરી મેળવવા હકદાર, માત્ર લગ્નના આધારે વંચિત ન રાખી શકાય

  • June 03, 2026 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટ દ્વારા દીકરીઓના અધિકારોને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર વૈવાહિક સ્થિતિના આધારે, એટલે કે દીકરી પરિણીત છે તેવા કારણોસર તેને 'અનુકંપા નિયુક્તિ' (કરુણાપૂર્ણ નિમણૂક)ના લાભથી વંચિત રાખી શકાય નહીં. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, સરકારી નિયમોમાં પરિવારની વ્યાખ્યામાંથી પરિણીત દીકરીઓને બહાર રાખવી એ તદ્દન મનસ્વી, ગેરવાજબી અને બંધારણીય મૂલ્યોની વિરુદ્ધ છે.


જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ આલોક આરાધેની ખંડપીઠે અલ્હાબાદ હાઈકોર્ટના અગાઉના એક આદેશને સંપૂર્ણપણે રદબાતલ ઠેરવતા આ મહત્વનું અવલોકન કર્યું હતું. અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના એક ચુકાદામાં જણાવ્યું હતું કે, પરિણીત પુત્રીનો સમાવેશ અનુકંપા નિયુક્તિના હેતુ માટે પરિવારની વ્યાખ્યામાં થઈ શકે નહીં. જોકે, સુપ્રીમ કોર્ટે આ દલીલને ફગાવી દીધી છે અને દીકરી પરિણીત હોય તો પણ તે પિતાના પરિવારનો હિસ્સો જ ગણાય તેવો પ્રગતિશીલ અભિગમ અપનાવ્યો છે.

સરકારી નિયમોમાં પરિવારની વ્યાખ્યામાંથી પરિણીત દીકરીઓને બાકાત રાખવી એ સ્પષ્ટપણે ગેરવાજબી અને બંધારણીય રીતે અસ્વીકાર્ય છે. દીકરીના લગ્ન થઈ જવાથી તેના મૂળ પરિવાર સાથેના સંબંધો કે અધિકારો સમાપ્ત થઈ જતા નથી.

આ કેસ એક મૃત ઉદ્યોગપતિની પરિણીત પુત્રી દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ સાથે જોડાયેલો હતો. આ મહિલાના પિતાના અવસાન બાદ, તેણે કરુણાપૂર્ણ ધોરણે વાજબી ભાવની દુકાન (રેશનિંગ શોપ)માં ડીલર તરીકે નિમણૂક મેળવવા માટે દાવો કર્યો હતો. પરંતુ હાઈકોર્ટે તેણી પરિણીત હોવાના કારણે આ દાવો નકારી કાઢ્યો હતો, જેને મહિલાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

મહિલાએ સરકારના વર્ષ ૨૦૧૯ના એ આદેશને કોર્ટમાં પડકાર્યો હતો જેમાં પરિણીત પુત્રીઓને પરિવારની વ્યાખ્યામાંથી બહાર રાખવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે ન્યાય આપતા કહ્યું કે, આ નિયમનો મુખ્ય હેતુ નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહેલા મૃત વ્યક્તિના પરિવારને તાત્કાલિક આર્થિક સહાય અને આજીવિકા પૂરી પાડવાનો છે. આ સંજોગોમાં દીકરી પરિણીત છે કે અપરિણીત, તે ભેદભાવ રાખવો કાયદાકીય રીતે યોગ્ય નથી. આ ચુકાદાથી આગામી સમયમાં દેશભરની લાખો દીકરીઓને સમાન ન્યાય મળશે.

અનુકંપા નિયુક્તિ એટલે સરકારી નિયમો અનુસાર, જો કોઈ સરકારી કર્મચારી કે માન્ય વ્યવસાયિક સેવામાં જોડાયેલી વ્યક્તિનું ચાલુ નોકરીએ (સેવા દરમિયાન) અવસાન થાય અથવા તો કોઈ ગંભીર તબીબી કારણોસર તેઓ સમય પહેલા નિવૃત્ત થવા મજબૂર બને, ત્યારે સરકાર કે સંબંધિત વિભાગ તેમના પરિવારને આર્થિક કટોકટીમાંથી ઉગારવા માટે પરિવારના કોઈ એક સભ્યને લાયકાત મુજબ રોજગાર પૂરો પાડે છે. આ પ્રક્રિયાને કરુણાપૂર્ણ અથવા અનુકંપાના આધારે થતી નિમણૂક કહેવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News