BREAKING NEWS

જસદણના રાણીંગપરની સીમમાં ૭૧.૩૨ લાખનું ગાંજાનું વાવેતર ઝડપાયું

  • November 17, 2025 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે જસદણ તાલુકાના રાણીંગપર ગામની સીમમાં આવેલા ખેતરમાં દરોડો પાડી અહીંથી રૂપિયા 71.32 લાખનું ગાંજાનું વાવેતર ઝડપી લીધું હતું. પોલીસે ગાંજાના લીલાછોડ સાથે વાડી માલિક રાયધન સોમાણી નામના શખસને ઝડપી લઇ તેની સામે ભાડલા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આરોપી કેટલા સમયથી અહીં ગાંજાની ખેતી કરતો હતો અને માલ કોને સપ્લાય કરતો હતો? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં ગેરકાયદે માદક પદાર્થનું વેચાણ તથા વાવેતર કરનાર શખસો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ સૂચનાના અનુસંધાને રાજકોટ ગ્રામ્ય એસઓજી પીઆઈ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ કે.એમ. ચાવડા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ અને ચંદુભાઈ પલાળીયાને એવી બાતમી મળી હતી કે, જસદણ તાલુકાના રાણીંગપર ગામની સીમમાં વાડી ધરાવનાર રાયધન સોમાણીએ પોતાની વાડીએ ગાંજાનું વાવેતર કર્યું છે.


બાતમીના આધારે એસઓજીની ટીમે અહીં રાણીંગપર ગામની સીમમાં વાડીએ દરોડો પાડતા અહીંથી ગાંજાના લીલાં છોડનું વાવેતર મળી આવ્યું હતું. પોલીસે વાડીમાંથી ગાંજાના લીલા છોડ 142 કિલો કિંમત રૂપિયા 71.32 લાખનું વાવેતર ઝડપી પાડ્યું હતું. પોલીસે ગાંજાના જથ્થા સાથે વાડી માલિક રાયધન રત્નાભાઇ સોમાણી (ઉ.વ. 43 રહે રાણીંપર તા. જસદણ) ને ઝડપી લઇ તેની પાસેથી મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા 71.37 લાખનું મુદ્દામાલ કબજે કરી આ શખસ વિરુદ્ધ ભાડલા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટની કલમ હેઠળ ગુનો દાખલ કરી જરૂરી કાર્યવાહી કરી હતી.


વાડીએ ગાંજાનું વાવેતર કરનાર રાયધન સોમાણી સામે અગાઉ ભાડલા પોલીસ સ્ટેશનમાં જુગાર અને જસદણમાં વાહન ચોરી અંગેનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. આ શખસ કેટલા સમયથી માદક પદાર્થની ખેતી કરતો હતો તેમજ તે માદક પદાર્થની સપ્લાય કોને કરતો હતો? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એસ.ઓજીના પીઆઇ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.એમ. ચાવડા, એસઆઈ પરબતભાઈ શામળા, હેડ કોન્સ્ટેબલ શિવરાજભાઈ ખાચર, પ્રહલાદસિંહ રાઠોડ, વિજયભાઈ વેગડ, મયુરભાઈ વિરડા, નૈમિશભાઈ મહેતા, ચંદુભાઈ પલાળીયા, કોન્સ્ટેબલ વિજયગીરી ગોસ્વામી, ચિરાગભાઈ કોઠીવાર, હિંમતસિંહ પાલ, વિપુલભાઈ ગોહિલ, રામદેવસિંહ ઝાલા, નવદીપભાઈ બાબરીયા, કલ્પેશભાઈ કોઠીવાર, નિર્મળસિંહ ચુડાસમા, અમુભાઈ વિરડા અને નરશીભાઈ બાવળિયા સાથે રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application