BREAKING NEWS

જામનગર સહિત હાલારભરમાં બીલ માટે અનેકના વીજ કનેકશન કટ: મેગા ડ્રાઇવ

  • February 25, 2026 06:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આશરે ૬૪૪૦૭ વીજ ગ્રાહકોનાં રૂ. ૨૮.૯૧ કરોડની વીજ બીલની રકમ બાકી છે ત્યારે આખા રાજયમાં આજથી બીલ વસુલવા માટે પીજીવીસીએલનું મેગા ડાઇવ ઓપરેશન સવારથી શરૂ થઇ ચુકયુ છે. જામનગર શહેર જિલ્લામાં ૨૬૭ અને દ્વારકા શહેર જિલ્લામાં ૧૧૧ ટીમો સવારના ૭ વાગ્યાથી વીજ કનેકશનો તપાસી રહી છે. જેમને નોટીસ આપવામાં આવી છે તેઓ તમામના વીજ કનેકશનો કટ કરી દેવામાં આવશે. કોઇ આસામી આજે કેસ કે ચેક દ્વારા તેની બાકી રહેતી રકમ ભરી દેવા માટે આગળ આવશે તો પણ તેનું વીજ કનેકશન કટ કરી દેવામાં આવશે તેમ પીજીવીસીએલના અધિક્ષક હસીત વ્યાસે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.


આજ સવારથી જ જામનગર શહેરમાં સવાર ૭ વાગ્યાથી બેડી, પટેલ કોલોની, રામેશ્ર્વરનગર, નવાગામ ઘેડ, ગુલાબનગર, મોહનનગર, રણજીતરોડ, પટ્ટણીવાડ, કાલાવડ નાકા, સેતાવાડ, સાધના કોલોની, ખંભાળીયા ગેઇટ, દિ.પ્લોટ, રણજીતનગર, ખોડીયાર કોલોની, સમર્પણ હોસ્પિટલ વિસ્તાર તેમજ સેન્ટ્રલ ઝોન અને તમામ ઝોન વિસ્તારમાં આજ સવારથી જ વીજ કનેકશન કાપવા માટે ટીમ ઉતરી પડી છે. જામનગર શહેરમાં આજે ૭૪૧૯ કનેકશનો કાપવા માટે ટારગેટ અપાયો છે જેમાં વીજબીલની બાકી રકમ ૫૯૬.૭૨ લાખ થાય છે.


હાલારમાં રૂ.૨૮.૯૧ કરોડની વસુલાત માટે કુલ ૧૦૬૩૨ કનેકશનો કાપવાનો ટારગેટ આપવામાં આવ્યો છે. પીજીવીસીએલના મતે જામનગરમાં ૨૬૭ ટીમ, ૭૪૧૯ કનેકશન અને જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૧૧ ટીમ અને ૩૨૧૩ વીજ કનેકશનો કાપવા માટે મેગા એકશન પ્લાન ઘડવામાં આવ્યો છે. ગઇકાલે દિવસ દરમ્યાન પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓએ આ મેગા ડ્રાઇવ માટે મહત્વની બેઠક કરી હતી જેમાં અધિકારીઓને સુચના આપવામાં આવી હતી. આખો દિવસ મીટીંગનો દોર ચાલુ રહ્યો હતો. પોલીસ બંદોબસ્ત સાથે આજે સવારથી જ મેગા ડ્રાઇવ શરૂ કરવી તેવું નકકી કરાયુ હતુ જેના ભાગરૂપે જામનગર શહેર અને દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલનું મેગા ઓપરેશન શરૂ થયુ છે. 


સુત્રોના જણાવ્યા અનુસાર કુલ ૬૪૭૦૯ વીજ ગ્રાહકોનાં રૂ. ૨૮.૯૧ કરોડ બાકી છે. અગાઉ ૧૧૪૦૮૦ ગ્રાહકો પાસે રૂ. ૫૧.૮૨ કરોડની વસુલાત બાકી હતી જે આ મહિનામાં અલગ અલગ ચેકીંગ ડાઇવ કરાતા ૪૮૯૨૩ ગ્રાહકોએ વીજ બીલના રૂ. ૨૦.૯૪ કરોડ ભરપાઇ કરી દીધા હતા. આજ સવારથી જ જામનગર શહેરમાં પણ વિવિધ જગ્યાઓએ મજબુત પોલીસ બંદોબસ્તના કાફલા સાથે મેગા ચેકીંગ ડાઇવ શરૂ કરવામાં આવી છે અને એક પછી એક વીજ કનેકશનો કટ કરી દેવામાં આવ્યા છે. કેટલાક સ્થળોએ લોકો મકાનને તાળુ મારી જતા રહ્યા હોવાનું પણ જાણવા મળે છે. પરંતુ પીજીવીસીએલના કર્મચારીઓએ બહારથી આ વીજ કનેકશનો કટ કરી દીધા છે. 


​​​​​​​
શું વીજ તંત્ર નથી જાણતુ કે કાલથી બોર્ડની પરિક્ષાઓ શરૂ થાય છે?

જામનગર સહિત સમગ્ર હાલારમાં સવારનાં ૭ વાગ્યાથી ૩૭૮ ટીમો દ્વારા વીજ કનેકશનો કટ કરવા માટે મેગા ડાઇવ શરૂ કરવામાં આવી છે ત્યારે આવતીકાલથી ધો. ૧૦ અને ૧૨ની પરિક્ષા શરૂ થાય છે ત્યારે જ પીજીવીસીએલ દ્વારા આ પ્રકારની કડક કાર્યવાહી થઇ રહી છે ત્યારે કેટલાક લોકો નારાજ છે કારણકે તેમના સંતાનો ધો.૧૦ અને ૧૨ની પરિક્ષા આપી રહ્યા છે ત્યારે આવા ઘરમાં હાલમાં વીજ કનેકશનો કટ કરવામાં આવશે તો વિદ્યાર્થીઓને ભારે સામનો કરવો પડશે. ખરેખર તો પરિક્ષા બાદ આ પ્રકારની ડ્રાઇવ શરૂ કરવી જોઇએ. તેવું લોકો કહી રહ્યા છે. ​​​​​​​


ડીસીસીના મેદાનમાં પીજીવીસીએલનાં અધિકારીઓને માર્ગદર્શન અપાયું

જામનગર શહેરમાં પીજીવીસીએલ દ્વારા આજે મેગા ડ્રાઇવ શરૂ થઇ છે ત્યારે જેના ભાગ રૂપે ગઇકાલે આ મેગા ડ્રાઇવ કઇ રીતે કરવાની છે તેનું માર્ગદર્શન મુખ્ય અધિક્ષક હસિત વ્યાસ,  રાબડીયા તેમજ પરમાર, જાદવ સહિતનાં અધિકારીઓ અને કર્મચારીઓ ડીસીસી મેદાનમાં એકત્ર થયા હતા અને અલગ અલગ દસ ટીમો નકકી કરવામાં આવી હતી અને તેમને વીજ કનેકશનની કામગીરી સોંપવામાં આવી હતી. સવારના ૭ વાગ્યાથી ટીમને તેમનું લોકેશન અગાઉથી આપી દેવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આજ સવારથી જ આ મેગા ડ્રાઇવ શરૂ થઇ છે.​​​​​​​


પીજીવીસીએલના ચેકીંગમાં પોલીસનાં ધાડેધાડા ઉતારી દેવાયા

સમગ્ર હાલારમાં જામનગરમાં ૨૬૭ અને દ્વારકામાં ૧૧૧ ટીમો દ્વારા સવારના ૭ વાગ્યાથી વીજ કનેકશનો કટ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહીછે. કોઇપણ જાતનો અનિચ્છનિય બનાવ ન બને તે માટે પીજીવીસીએલ એ અગાઉ જ પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો. એના ભાગ‚પે સવારથી જ શહેરનાં વિવિધ વિસ્તારમાં પોલીસનાં ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. અને વીજ કનેકશનો કટ કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application