મહાવીર જયંતિની ઉજવણી : રંગદર્શી શોભાયાત્રા યોજાઇ

  • April 10, 2025 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૈન ધર્મના ૨૪મા તીર્થંકર મહાવીર સ્વામીની  ચૈત્ર સુદ તેરસને ગુરૂવારના રોજ જન્મજયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા ભાવનગર શહેરના મોટા દેરાસરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને શહેરના રાજમાર્ગો પર ફરી અને દાદાસાહેબ ખાતે પહોંચી હતી.જ્યાં મહાવીર સ્વામીનું પૂજન અને જન્મકલ્યાણકનું વાંચન કરાયુ હતુ.  પ્રતિ વર્ષની માફક આજે તા.૧૦ને ગુરૂવારે ચૈત્ર સુદ તેરસના રોજ ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.જે નિમિત્તે ભાવનગર શહેરના મોટા દેરાસર ખાતેથી આ.રત્નકિર્તીસૂરી મ.સા., લબ્ધિચંદ્રસાગર સૂરી મ.સા.,પન્યાસ મ.યશરત્નવિજય મ.સા., પન્યાસ તિર્થરત્નવિજય, પન્યાસ મ.સા.સુમતિસાગર મ.સા. તથા ભાવનગરમાં બિરાજમાન આદિ શ્રમણ શ્રમણી ભગવંતોની નિશ્રામાં સવારે આઠ કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. 
જેમાં વિવિધ બેન્ડ, પાંચ ઘોડા,બગી,ચાંદીની પાલખી,પ્રભુનો રથ,મંડળીઓ અને ૭૦ વિવિધ કૃતિઓ સામેલ હતી.શોભાયાત્રાને નિહાળવા માર્ગો પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. શોભાયાત્રાના કારણે અમુક માર્ગો પર વાહનબંધી કરાતા ઠેર ઠેર ટ્રાફિકજામ થયો હતો અને લોકો અટવાયા હતા.આથી લોકોમાં ખુબજ કચવાટ અને નારાજગી જોવા મળી હતી. શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી કાળાનાળા ખાતે આવેલા દાદાસાહેબ ખાતે પહોંચી હતી. દાદાસાહેબ ખાતે ભગવાન મહાવીર સ્વામીનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતુ. અત્રે ભાવિકોની ભારે ભીડ જામી હતી.મહાવીર જન્મકલ્યાણકનું વાંચન કરવામાં આવ્યુ હતુ.જૈન સમાજના દરેક ઘરમાં આસોપાલવના તોરણ બાંધી મહાવીર સ્વામી જયંતીના વધામણાં કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application