જુનાગઢના ભારતી આશ્રમના પૂર્વ લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ સારવાર બાદ પોતાના ભાઈના ઘર જસદણના સાણથલી ગામે આરામ કરવા ગયા હતા. અહીંથી પણ તેઓ ગુમ થઈ ગયા છે. પરિવાર સૂતો હતો અને બાપુ નીકળી ગયા હતા. બાપુ આવ્યા ત્યારે માતા-બહેને રૂદન સાથે અહીં રોકાઈ જવા સમજાવ્યું હતું. પરંતુ તેઓની વાત ન માની હવે ત્યાંથી પણ નીકળી ગયા છે.
ભારતી આશ્રમ મહંત હરીહરાનંદ બાપુએ તમામ હોદ્દા પર દૂર કર્યા હતા
ઉલ્લેખનીય છે કે, સુસાઈડ નોટ લખી ભારતી આશ્રમમાંથી 2 નવેમ્બરે ગુમ થયા બાદ મહાદેવભારતી 5મી નવેમ્બરે જૂનાગઢના જંગલમાં ઈટવા ઘોડી પાસેથી અર્ધબેભાન હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ તેને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ ભારતી આશ્રમ મહંત હરીહરાનંદ દ્વારા મહાદેવભારતીને ભારતી આશ્રમના તમામ પદ પરથી દૂર કરી દીધા હતા અને આશ્રમને તેની સાથે હવે કોઈ લેવાદેવા ન હોવાની વાત કરી હતી.
જે થયું તે ભૂલી જવાનું કહી ઘણું સમજાવ્યા હતા
હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ મહાદેવ ભારતી બાપુ જસદણના સાણથલી ગામ તેમના ભાઈના ઘરે રહેવા માટે ગયા હતા. અહીં માતા-પિતા અને બહેનોએ જે થયું તે ભૂલી જવાનું કહી ઘણું સમજાવ્યા હતા. તેમ છતાં 9મી તારીખે તેઓ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા છે.તે ક્યાં ગયા તેની પરિવારજનોને કોઈ જાણ નથી.
મારે ભોળાનું ભજન કરવું છે, મારા ઘણા સેવકો છે
બાપુના ભાઈએ જણાવ્યું હતું કે, બાપુની તબિયત સારી ન હોવાથી તેમને બે દિવસ આરામ કર્યો હતો. ત્રીજા દિવસે પરિવારના તમામ સભ્યોએ એકસાથે મળીને બાપુને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા. તેમને આગ્રહ કર્યો કે, જે થયું તે ભૂલી જાવ અને સુખેથી જિંદગી જીવો. આ સમજાવટ દરમિયાન માતા અને બહેનો ખૂબ રોયા હતા. પરંતુ બાપુ પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને માત્ર એક જ વાત કહી: "તમે મારી ચિંતા ન કરો. મારે હવે અહીં નથી રહેવું. હું કોઈ પણ જગ્યાએ જઈશ, મારે ભોળાનું ભજન કરવું છે. મારા ઘણા સેવકો છે. જોકે પરિવાર શાંતિથી સૂતો હતો ત્યારે વહેલી સવારે બાપુ કોઈને કઈ પણ કહ્યા વગર સાણથલી ગામેથી ફરીથી નીકળી ગયા છે. હાલ તેઓ ક્યાં ગયા છે, કોને ત્યાં ગયા છે, તેની કોઈ જાણકારી પરિવારજનોને નથી.
80 કલાકે બાપુ જંગલમાંથી મળી આવ્યા હતા
ભવનાથમાં આવેલા ભારતી આશ્રમના પૂર્વ લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવભારતી 2 નવેમ્બરે વહેલી સવારના 3.47 વાગ્યે 5 પાનાંની સુસાઇડ નોટ લખી આશ્રમમાંથી ગુમ થયા હતા. બાપુએ લખેલી સુસાઇડ નોટ મળ્યા બાદ જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તેમને સહીસલામત શોધવા માટે ગિરનારના જંગલમાં એક વિશાળ સર્ચ-ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 5 નવેમ્બરના રોજ બપોરના 12 વાગ્યા આસપાસ તેઓ મળી આવ્યા હતા. આમ 80 કલાકે મહામંડલેશ્વર મહાદેવભારતી બાપુ ઇટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળ્યા હતા. ત્યાર બાદ તેમને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. આ સમાચાર મળતાં જ ભારતી આશ્રમના મહંત મહામંડલેશ્વર હરિહરાનંદ, ઇન્દ્રભારતી બાપુ સહિતના સાધુ-સંતો પણ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે મહાદેવભારતી બાપુના ખબર અંતર પૂછ્યા હતા.