દ્વારકામાં ઓનલાઈન માર્કેટિંગ નામે ચાલતા જુગારધામ પર સ્થાનિક પોલીસ ત્રાટકી: નવ શખ્સો ઝડપાયા ત્રણ ફરાર

  • April 01, 2021 07:47 PM 

દ્વારકા તાલુકાના વરવાળા ગામે સ્થાનિક પોલીસે ઓનલાઈન માર્કેટિંગના નામે ચાલતા જુગાર પર દરોડો પાડી, આ ઓપરેટર સહિત નવ જુગારીઓને ઝડપી લીધા હતા. જ્યારે આ પ્રકરણમાં અન્ય ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકાથી આશરે પાંચ કિલોમીટર દૂર તાલુકાના વરવાળા ગામે બાપા સીતારામની મઢુલી સામે આવેલી એચ.એસ. ઓનલાઈન માર્કેટિંગ તથા શિવ એજન્સી નામની દુકાનમાં ગત સાંજે સ્થાનિક પોલીસે દરોડો પાડ્યો હતો.

આ દુકાનમાં ઓપરેટર એવા નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા ભાવુભા પાલાભા જડીયા નામના શખ્સ દ્વારા દુકાન ભાડે રાખીને પોતાના અંગત ફાયદા માટે એલઈડી સ્ક્રીન ઉપર આંક ફેરની હાર-જીતનો નસીબ આધારિત જુગાર કે જેમાં રૂપિયા 11 ના બદલામાં દર પંદર મિનિટે થતા ડ્રોમાં જુગારીઓને રૂપિયા 100 આપવામાં આવતા હતા, આ પ્રકારનો હાર-જીતનો જુગાર રમતા શકીલ મહમદભાઈ ખીરા, સવા માંડણ વારસાખીયા, સાજણ રામાભાઈ ચાનપા, બાબભા સિદાભા માયાણી, ઈબ્રાહિમ અબ્દુલભાઈ ચુચા, જેઠા રૂપાભાઈ ફફલ, વિશાલ ધીરજલાલ ગોહેલ અને ખીમાભાઈ જીવણભાઈ રવશી નામના કુલ નવ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.

આ સ્થળેથી પોલીસે રૂ. 14,430/- રોકડા ઉપરાંત એલ.ઈ.ડી. ટીવી, જુગાર રમવાના સાધનો, ઇકો મોટરકાર અને ચાર નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 2,26,730 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ઓનલાઈન પ્રકારનો આ જુગાર ઓપરેટર ભાવુભા દ્વારા નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા સુનિલભા સુરેન્દ્રસિંહ કેર નામના શખ્સની સુચના મુજબ ચલાવાતો હોવા ઉપરાંત આ પ્રકરણમાં અન્ય બે શખ્સો એવા એચ.એસ. ઓનલાઇન માર્કેટિંગના રજની વલ્લભભાઈ પટેલ અને હિતેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ કેર નામના બે શખ્સો મળી અન્ય ત્રણ શખ્સોના નામ પણ ખુલતાં પોલીસે હાલ આ ત્રણેયને ફરાર ગણી, તેઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પ્રકરણ અંગે દ્વારકા પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ એ.આઈ. ચાવડા દ્વારા હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS