ભાણવડના કાટકોલા ગામે ધમધમતા જુગારના અખાડા પર સ્થાનિક પોલીસ ત્રાટકી: બાર શખ્સો ઝબ્બે

  • April 05, 2021 07:36 PM 

રૂ. 6.80 લાખનો મુદ્દામાલ કબજે: સરપંચ સંચાલિત જુગારધામ પર પોલીસના દરોડાથી દોડધામ

ભાણવડ પંથકમાં વધતી જતી જુગાર તથા દારૂની પ્રવૃત્તિ સામે સ્થાનિક પોલીસે લાલ આંખ કરી છે. આ સંદર્ભે ગત મોડીરાત્રે તાલુકાના કાટકોલા ગામે સ્થાનિક પોલીસ સ્ટાફે દરોડો પાડી, ગામના સરપંચ દ્વારા અન્ય એક મિત્રને સાથે રાખી અને ચલાવતા જુગારના અખાડા પર દરોડો પાડયો હતો. જેમાં કુલ રૂ. 6.80 લાખના મુદ્દામાલ સાથે બાર શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન ચાર શખ્સો ફરાર થઈ ગયા હતા.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડ પંથકમાં દારૂ જુગારની પ્રવૃત્તિ સામે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સુચના મુજબ ભાણવડના પી.એસ.આઈ. એન.એચ. જોષી તથા સ્ટાફ દ્વારા શનિવારે હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન સ્થાનિક સ્ટાફના હેડ કોન્સ્ટેબલ કાનાભાઈ માડમ થતા કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ તાલુકાના કરાર સીમ વિસ્તારમાં રહેતા મયુર મુરુભાઈ પાલાભાઈ ગાગીયાની કબજા ભોગવટાની વાડીમાં ગત રાત્રીના આશરે એકાદ વાગ્યે જુગાર દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળે ગંજીપત્તા વળે જુગાર રમી રહેલા બાર શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.

પોલીસની પૂછપરછમાં આ જુગારનો અખાડો કાટકોલા ગામના રહીશ એવા સરપંચ યોગેશ દાનાભાઈ કરમુર તથા મંગા અરશીભાઈ કરમુર નામના બે શખ્સો દ્વારા પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવીને રોકડ રકમ વડે પાટલો નામનો જુગાર રમી- રમાડીને નાલ ઉઘરાવીને આ અખાડો ચલાવવામાં આવતો હતો.

આ સ્થળે જુગાર રમી રહેલા લાલપુરના અનિલ બાબુભાઈ ભૂત, અશોકભારથી રમણીકભારથી ગોસ્વામી, તરસાઈ ગામના સાગર જનકભાઈ ચુડાસમા, જીગ્નેશ ગોરધનભાઈ ચુડાસમા, પ્રવીણ કારાભાઈ બગીયા, દિનેશ નારણભાઈ વાઢીયા, પુનિત કનુભાઈ મકવાણા, નાગજી ઉર્ફે નાગાજણ ખીમજીભાઈ વાઢીયા, કાટકોલા ગામના માલદે લાખાભાઈ ભાટીયા અને હેમત પાલાભાઈ ગાગીયા, વાસજાળીયા ગામના દિનેશ કેશવભાઈ ડાભી અને મુકેશ જયંતીલાલ કક્કડ નામના કુલ બાર શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.

ઝડપાયેલા આ શખ્સો પાસેથી કુલ રૂપિયા 63,300/- રોકડા, રૂપિયા 22,000/- ની કિંમતના ચૌદ નંગ મોબાઈલ ફોન તથા રૂ. 95,000/- ની કિંમતની ચાર નંગ મોટરસાયકલ ઉપરાંત રૂ. પાંચ લાખની કિંમતની બે મોટરકાર વિગેરે મળી કુલ રૂપિયા 6,80,300/- નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.
    આ કાર્યવાહી દરમ્યાન કાટકોલા ગામના રહીશ એવા યોગેશ દાનાભાઈ કરમુર, મંગા અરશીભાઈ કરમુર, મયુર દાનાભાઈ કરમુર તથા ગોકુલ ઉર્ફે ગોગો લખુભાઇ કોળી સહિતના કેટલાક શખ્સો ફરાર થઈ ગયા હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જેથી પોલીસે આ શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમગ્ર કામગીરી ભાણવડના પી.એસ.આઈ. નિકુંજ જોશી તેમજ સર્વેલન્સ ટીમના એ.એસ.આઈ. એલ.એલ. ગઢવી, કિશોરભાઈ નંદાણીયા, કાનાભાઈ માડમ, જયદેવસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા, પરેશભાઈ સાંજવા, કનુભાઈ મકવાણા, દુદાભાઈ લુવા, પબાભાઈ કોડીયાતર, ખીમાભાઈ, કિશોરસિંહ, ભરતભાઈ, વિપુલભાઈ, વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

નાના એવા કાટકોલા ગામમાં મોડી રાત્રીના સમયે ધમધમતા જુગારના અખાડા પર પોલીસની આ કડક કાર્યવાહીએ જુગારી તત્વોમાં દોડધામ પ્રસરાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS