એશિયાઈ સિંહોને રાજકોટની આબોહવા માફક આવી જતા રાજકોટ શહેર હવે સિંહોની જન્મભૂમિ બન્યું છે , તાજેતરમાં પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે સિંહણ ધારાએ ત્રણ સિંહબાળને જન્મ આપતા શહેરમાં ખુશીની લહેર પ્રસરી છે. અલબત્ત હજુ સિંહણ કોઈને નજીક આવવા દેતી ન હોય બચ્ચા નર છે કે માદા તેની વિગતો સામે આવી નથી પરંતુ માતા અને ત્રણેય બચ્ચાની તબિયત સ્વસ્થ છે.
વિશેષમાં આ અંગેરાજકોટ મહાપાલિકાના પ્રદ્યુમન પાર્ક ઝૂના સુપ્રિટેન્ડેન્ટએ જણાવ્યું હતું કે, એશિયાઇ સિંહ નર ધનંજય તથા માદા સિંહણ ધારા સંવનનથી ૧૦૫ દિવસના ગર્ભાવસ્થાનના અંતે સિંહ માદા ધારા દ્વારા તા.૧૧.૬.૨૦૨૬ના રોજ રાત્રીના સમયે ત્રણ સિંહ બાળનો જન્મ થયેલ છે. હાલ માતા તથા બચ્ચું બન્ને તંદુરસ્ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્ચાઓનું સીસીટીવી દ્વારા રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
તેમણે ઉમેર્યું હતું કે, સિંહણ ધારાએ બીજી વખત બચ્ચાને જન્મ આપ્યો છે. અગાઉ તા.૫.૧૨.૨૦૨૫ના રોજ સિંહ નર ધનંજય સાથેના સંવનનથી બે સિંહ બાળને જન્મ આપ્યો હતો. સામાન્ય રીતે સિંહ, વાઘ, દિ૫ડા જેવા બિલાડી કુળના મોટા પ્રાણીઓ સરેરાશ બે થી ત્રણ બચ્ચાં ને જન્મ આ૫તા હોય છે. ખૂબજ ઓછા કિસ્સા્માં એક જ બચ્ચું અથવા ચારથી પાંચ બચ્ચાંઓ જન્મતા હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગીક વાતાવરણ એશીયાઇ સિંહ તથા સફેદ વાઘને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે. હાલ ઝૂ ખાતે ત્રણ એશીયાઇ સિંહ બાળનો જન્મ થતા એશીયાઇ સિંહની સંખ્યા ૧૭ થઇ ગયેલ છે. જેમાં પુખ્ત નર-૪, પુખ્ત માદા-૮, પાઠડા નર-૨ તથા બચ્ચા-૦૩નો સમાવેશ થાય છે.
રાજકોટ ઝુ ખાતે નવા જન્મેલ સિંહ બાળ સહિત અત્યાર સુધીમાં કુલ પંચાવન સિંહબાળનો જન્મ થયેલ છે.વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના ઘણા ઝૂને સિંહ આપી બદલામાં મહત્વના બીજી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવવામાં આવેલ છે. જેમાં મૈસુર ઝૂ, હૈદરાબાદ ઝૂ, છતબીર ઝૂ - પંજાબ, લખનઉ ઝૂ, ભીલાઇ ઝૂ - છતીસગઢ, કાંકરીયા ઝૂ, અમદાવાદ, સક્કરબાગ ઝૂ - જુનાગઢ વિગેરેનો સમાવેશ થાય છે. હાલ ઝૂ માં જુદી જુદી ૭૦ પ્રજાતિઓનાં કુલ ૬૧૮ વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત છે.