ભારતીય મસાલા કંપનીઓના લાઇસન્સ થઇ શકે છે રદ : FSSAI

  • May 11, 2024 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હોંગકોંગ, સિંગાપોર, માલદીવ જેવા દેશોમાં મસાલા પર પ્રતિબંધ બાદ હવે સરકાર સ્થાનિક સ્તરે પણ કડક કાર્યવાહી કરી રહી છે. સરકારે તેનો ઈરાદો એકદમ સ્પષ્ટ કરી દીધો છે અને સ્પષ્ટપણે કહ્યું છે કે જો મસાલાના નમૂના ટેસ્ટમાં નિષ્ફળ જશે તો કંપનીઓના લાઇસન્સ રદ કરવામાં આવશે.


સરકાર કરી શકે છે લાયસન્સ રદ

બિઝનેસ સ્ટાન્ડર્ડના એક રિપોર્ટમાં એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું છે કે જો કોઈ ભૂલ જણાશે તો સરકાર મસાલા કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં અચકાશે નહીં. અધિકારીના જણાવ્યા અનુસાર, જો એવું જાણવા મળે છે કે મસાલા કંપનીઓ પેકેજ્ડ ઉત્પાદનોમાં જંતુનાશકોના સ્વીકાર્ય સ્તરને લગતા નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે, તો આવી સ્થિતિમાં સરકાર તેમના લાઇસન્સ રદ કરવામાં અચકાશે નહીં.


આ દેશોમાં મસાલા પર છે પ્રતિબંધ

ભારતીય મસાલા બ્રાન્ડ્સ હાલમાં વિવાદોથી ઝઝૂમી રહી છે. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે હોંગકોંગે MDH અને એવરેસ્ટ પર અનેક પેકેજ્ડ પાવડર મસાલા ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો. હોંગકોંગના ફૂડ સેફ્ટી રેગ્યુલેટરે જણાવ્યું હતું કે મસાલાના ઉત્પાદનોમાં જંતુનાશકો અને ખતરનાક રસાયણો છે. જે બાદ સિંગાપોરે પણ આવી જ કાર્યવાહી કરી હતી. પાડોશી દેશ માલદીવે પણ બાદમાં બંને બ્રાન્ડના ઘણા ઉત્પાદનોને બજારમાંથી પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો હતો.


1500 સેમ્પલ લેવામાં આવ્યા

વિવાદ બાદ ઘરેલુ ખાદ્ય સુરક્ષા નિયમનકાર FSSAIએ મસાલાની તપાસ તેજ કરી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સમગ્ર દેશમાં મસાલાના 1,500 થી વધુ નમૂનાઓ એકત્રિત કર્યા છે. હાલમાં તમામ મસાલાના સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે. FSSAI દ્વારા કરવામાં આવેલી આ તપાસમાં રસાયણો, સૂક્ષ્મજીવાણુઓ, માયકોટોક્સિન, સુદાન ડાઈ વગેરેની હાજરી શોધી કાઢવામાં આવી રહી છે. ઇથિલિન ઓક્સાઇડ સહિત 234 જંતુનાશકોની હાજરીની પણ તપાસ કરવામાં આવી રહી છે.


ટેસ્ટનું પરિણામ આવશે 15 દિવસમાં

FSSAIએ હોંગકોંગ, સિંગાપોર અને માલદીવમાં ભારતીય મસાલાની બ્રાન્ડ્સ સામે કાર્યવાહી કર્યા બાદ નમૂનાઓ એકત્રિત કરવાનું શરૂ કર્યું. રેગ્યુલેટરે 25 એપ્રિલથી સેમ્પલ લેવાનું શરૂ કર્યું હતું. FSSAI પાસે દેશભરમાં 237 ટેસ્ટિંગ લેબ છે. મસાલાના નમૂનાના પરીક્ષણના પરિણામો 15 દિવસમાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application