ગીર ગઢડામાં માનવભક્ષી દીપડાએ ઘરમાં ઘૂસી બે વ્યક્તિ પર હુમલો કર્યો, એકનું મોત, વન વિભાગની ટીમ દોડી

  • January 19, 2025 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથના ગીર ગઢડા વિસ્તારમાં દીપડાનો આતંક વધ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં સાત વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો છે. ગીર ગઢડાના કોદીયાં ગામે રાત્રે વાડી વિસ્તારમાં બે અલગ અલગ જગ્યા પર દીપડાએ હુમલો કર્યો છે. દીપડાના આ હુમલામાં 44 વર્ષીય આધેડનું મોત થયું છે. જ્યારે અન્ય વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા છે. આદમખોર દીપડાને પકડવા વન વિભાગે તજવીજ હાથ ધરી છે.


ચાર દિવસ પહેલા એક વૃદ્ધાને ફાડી ખાધા હતા
ચાર દિવસ પહેલા ગીર ગઢડાનાં ફરેડા ગામે વાડી વિસ્તારમાં દીપડાનો આતંક સામે આવ્યો હતો. વૃદ્ધ મહિલા પર દીપડો ત્રાટકતા મહિલાનું મોત નિપજ્યું હતું. રાત્રિના સમયે મહિલા દિવાળીબેન માવજીભાઈ જોગિયા પોતાની વાડીએ મકાને સુતા હતા એ દરમિયાન દીપડાએ હુમલો કરતા તેનું મોત નિપજ્યું હતું. ત્યારે હવે એ સવાલ થાય છે કે, આમ આ માનવભક્ષી દીપડાઓ હવે કેટલાના જીવ લેશે? વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.


અગાઉ ડભોઈના સિંધિયાપુરા ગામે દીપડાએ હુમલો કર્યો હતો
ઉલ્લેખનીય છે કે, અગાઉ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં સિંધિયાપુરા ગામે બે વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો હતો. રાતના સમય દરમિયાન એક વૃદ્ધા ભેંસને ઘાસચારો નાખવા વાડામાં ગયા ત્યારે દીપડો અચાનક જ ધસી આવ્યો અને દાદી તથા પૌત્ર ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાએ હુમલો કરતા બુમાબુમ થવાના કારણે પરિવાર અને આસપાસના લોકો દોડી આવતા દીપડો ભાગી ગયો હતો. દીપડાના હુમલામાં 64 વર્ષીય હમિતાબેન રફિકભાઈ સિંધીને મોઢાના ભાગે ઇજા થઈ હતી, જ્યારે તેમના 12 વર્ષીય પૌત્ર અયાન અલાઉદ્દીન સિંધીને પગના ભાગે ઇજા થઈ હતી. ત્યારબાદ બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામા આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application