BREAKING NEWS

ઇઝરાયેલ સાથે શાંતિ મંત્રણા માટે લેબનાન તૈયાર, પરંતુ રાખી દિધી એક શરત

  • April 27, 2026 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લેબનાનના રાષ્ટ્રપતિ જોસેફ આઉને ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો છે કે ઇઝરાયેલ સાથેની કોઈપણ વાતચીત માટે યુદ્ધવિરામ એ પ્રથમ અને અનિવાર્ય ડગલું છે. બેરૂતે આ બાબતે પોતાનું સત્તાવાર વલણ અમેરિકાને પણ જણાવી દીધું છે.


સીઝફાયર અંગે લેબનાનનું સત્તાવાર વલણ
રાષ્ટ્રપતિ આઉને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, 14 અને 23 એપ્રિલના રોજ રાજદૂત સ્તરની મંત્રણા દરમિયાન લેબનાને અમેરિકાને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી હતી. તેમણે અમેરિકી વિદેશ વિભાગના તે નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો જેમાં ઇઝરાયેલ દ્વારા જમીન, સમુદ્ર અને હવાઈ માર્ગે લેબનાન પરના સૈન્ય હુમલાઓ રોકવાની પુષ્ટિ કરવામાં આવી હતી. આઉને ભારપૂર્વક કહ્યું કે, આ લેબનાનનું સત્તાવાર સ્ટેન્ડ છે અને તેની વિરુદ્ધનો કોઈપણ દાવો સ્વીકાર્ય નથી.


ટીકાકારોને જડબાતોડ જવાબ

ઇઝરાયેલ સાથેની સંભવિત વાતચીત અંગે દેશમાં થઈ રહેલી ટીકાઓનો જવાબ આપતા આઉને પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, ભૂતકાળમાં જ્યારે યુદ્ધના નિર્ણયો લેવામાં આવ્યા ત્યારે રાષ્ટ્રીય સહમતી કેમ સાધવામાં આવી ન હતી? તેમણે ટીકાકારોને અનુરોધ કર્યો કે તેઓ કોઈ પણ અભિપ્રાય બાંધતા પહેલા વાટાઘાટોના પરિણામોની રાહ જુએ.


ઈરાન અને બાહ્ય હિતોના સંઘર્ષની ટીકા
રાષ્ટ્રપતિ આઉને લેબનાનની ધરતી પર અન્ય દેશોના હિતો માટે લડાતા યુદ્ધોની આકરી ટીકા કરી છે. આઉને ગાઝા અને ઈરાન સાથે જોડાયેલા સંઘર્ષોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, લેબનાનની ધરતીનો ઉપયોગ બાહ્ય હિતો માટે થવો જોઈએ નહીં. લેબનાનના ઉપરાષ્ટ્રપતિએ પણ સુર પુરાવતા કહ્યું કે આવા યુદ્ધો બિલકુલ સ્વીકાર્ય નથી. સરકારનું લક્ષ્ય લેબનાનને સ્થિરતા તરફ લઈ જવાનું અને ઇઝરાયેલ સાથેની યુદ્ધ જેવી સ્થિતિનો અંત લાવવાનું છે.


​​​​​​​સ્થિરતા તરફનું લક્ષ્ય

જોસેફ આઉને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ એવા કોઈ પણ કરારને સંપૂર્ણપણે નકારી કાઢશે જેનાથી લેબનાનની ગરિમા કે સાર્વભૌમત્વને આંચ આવતી હોય. તેમનું મુખ્ય ધ્યેય દેશમાં શાંતિ સ્થાપવાનું અને વર્ષોથી ચાલી રહેલા તણાવને કાયમ માટે ખતમ કરવાનું છે. લેબનાનનું આ વલણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના સમીકરણો બદલી શકે છે. હવે જોવાનું એ રહેશે કે ઇઝરાયેલ સીઝફાયરની આ શરત સ્વીકારે છે કે કેમ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application