પ્રાકૃતિક કૃષિ માટે ઉપયોગી જીવામૃત, બીજામૃત અને ઘનજીવામૃત બનાવવાની રીત જાણી લો...

  • July 31, 2024 09:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જો જમીનના જૈવિક સ્વાસ્થ્યમાં સુધારો થઈ જાય તો ઓછા પ્રમાણમાં પોષક તત્વો ઉપલબ્ધ થવા છતાં સારું ઉત્પાદન લઇ શકાય છે. પ્રાકૃતિક કૃષિમાં આ ગુણ આપમેળે જ જમીનમાં ઉપલબ્ધ થઈ જાય છે. ત્યારે પ્રાકૃતિક પદ્ધતિથી કૃષિ કરવા માટે ઉપયોગી અને જમીનની ગુણવત્તા સુધારવા લાભદાયી જીવામૃત, બીજામૃત અને ઘનજીવામૃત બનાવવાની રીત નીચે મુજબ છે.


જીવામૃત બનાવવાની રીત

જીવામૃત બનાવવા એક એકર જમીન માટે ૧૦ કિલોગ્રામ છાણની સાથે ગૌમૂત્ર, ગોળ અને દ્વિદળી બીજનો લોટ અથવા ચણાનો લોટ ભેળવવામાં આવે છે. દેશી ગાયનું છાણ ૧૦ કિ.ગ્રા., દેશી ગાયનું મૂત્ર ૮થી ૧૦ લીટર, ગોળ ૧.૫-૨ કિ.ગ્રા., ચણાનો લોટ ૧.૫-૨ કિ.ગ્રા., પાણી ૧૮૦ લીટર, ઝાડની નીચેની માટી ૫૦૦ ગ્રામ જોઇશે. આ વસ્તુઓને પ્લાસ્ટિકના એક પીપમાં નાખીને લાકડાના ડંડાથી મિશ્ર કરીને તેને બેથી ત્રણ દિવસ સુધી સડવા માટે છાયામાં મૂકી દેવું. દરરોજ બે વાર સવાર-સાંજ ઘડિયાળના કાંટા ફરવાની દિશામાં લાકડાના ડંડાથી બે મિનીટ ફેરવીને જીવામૃતને કોથળાથી ઢાંકી દેવું. એના સડવાથી એમોનિયા, કાર્બન ડાઈઓક્સાઈડ, મીથેન જેવા હાનીકારક વાયુઓનું નિર્માણ થાય છે. 


ઉલ્લેખનીય છે કે ઉનાળામાં જીવામૃત બનાવ્યા પછી સાત દિવસ સુધી ઉપયોગમાં લઇ લેવું જોઈએ અને શિયાળામાં ૮ દિવસથી ૧૫ દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકાય. ત્યારબાદ વધેલું જીવામૃત જમીન ઉપર ફેંકી દેવું જોઈએ. 

બીજામૃત બનાવવાની રીત


વાવણી કરતાં પહેલાં બિયારણને માવજત એટલે કે પટ આપવો ખૂબ જ જરૂરી છે. તેના માટે બીજામૃત ઉત્તમ છે. જીવામૃતની જેમ જ બીજામૃતમાં પણ એ જ વસ્તુઓનો ઉપયોગ થાય છે. દેશી ગાયનું છાણ પ કિ.ગ્રા., ગૌમૂત્ર ૫ લીટર, ચૂનો અથવા કળી ચૂનો ૨૫૦ ગ્રામ, પાણી ૨૦ લીટર અને ખેતરની માટી મુઠ્ઠીભર જોઇશે. આ તમામ પદાર્થોને પાણીમાં ભેળવીને ૨૪ કલાક સુધી રાખો. દિવસમાં બે વાર લાકડીથી એને હલાવવાનું છે. ત્યારપછી બીજની ઉપર બીજામૃત નાખીને એને માવજત આપવાની છે. તે પછી છાંયામાં સૂકવ્યા પછી વાવણી કરવાની છે.


નોંધનીય છે કે બીજામૃત દ્વારા માવજત આપેલા બિયારણ જલ્દી અને વધારે પ્રમાણમાં ઉગે છે. મૂળ ઝડપથી વધે છે. છોડ, જમીનજન્ય રોગોથી બચે છે અને સારી રીતે ફૂલેફાલે છે.


ઘનજીવામૃત બનાવવાની રીત

ઘનજીવામૃત બનાવવા માટે ૧૦૦ કિ.ગ્રા. દેશી ગાયનું છાણ, ૧ કિ.ગ્રા. ગોળ, ૨ કિ.ગ્રા. કઠોળનો લોટ (તુવેર, ચણા, મગ અથવા અડદ) અને થોડુંક ગૌમૂત્ર જોઇશે. આ તમામ પદાર્થોને સારી રીતે ભેળવી ગુંદી લેવા. જેથી, તે શીરો કે લાડું જેટલું ઘાટું બની જાય. તેને ૨ દિવસ સુધી કોથળાથી ઢાંકીને રાખો અને થોડું પાણી છાંટી દો. પછી તેને એટલું ઘાટું બનાવો કે જેથી તેના લાડું બને. હવે આ ઘનજીવામૃતના લાડવાને કપાસ, મરચી, ટામેટા, રીંગણા, ભીંડો, સરસવના બિયારણની સાથે જમીન ઉપર રાખી દો. એના ઉપર સૂકું ઘાસ નાખો. જો ટપક પિયત હોય તો ઘનજીવામૃત ઉપર સૂકું ઘાસ રાખીને ઘાસ ઉપર ડ્રીપરથી પાણી આપવું જોઈએ.


મહત્વનું છે કે આ ઘનજીવામૃતના લાડવા ઝાડ-છોડ પાસે રાખી શકો છે. જેથી, જીવામૃત મૂળ સુધી પહોંચી શકે, એના માટે જમીનમાં ભેજ હોવો જોઈએ.

સૂકું ઘનજીવામૃત બનાવવાની રીત


ભીના ઘનજીવામૃતને છાંયડામાં અથવા હળવા તડકામાં સારી રીતે ફેલાવીને સૂકવી લો. સૂકાયા બાદ તેને લાકડીથી મારીને બારીક બનાવો અને કોથળામાં ભરીને છાંયડામાં સંગ્રહ કરો. ઘનજીવામૃતને સૂકવીને ૬ મહિના સુધી રાખી શકો છો. સૂકાયા પછી ઘનજીવામૃતમાં રહેલા સૂક્ષ્મજીવ સુષુપ્ત થઈ કોશેટા ધારણ કરે છે. જયારે ઘનજીવામૃત જમીનમાં નાખો છો, ત્યારે જમીનમાં ભેજ મળતાં જ તે સૂક્ષ્મ જીવ કોશેટા તોડીને, સુષુપ્ત અવસ્થા ભંગ કરીને ફરીથી કાર્યમાં લાગી જાય છે. જેની પાસે છાણ વધારે હોય, તેમના માટે વધારે પ્રમાણમાં ઘનજીવામૃત બનાવીને મર્યાદિત પાકોમાં છાણિયુ ખાતર ભેળવીને એનો ઉપયોગ કરી શકે છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application