વાત્સલ્ય મૂર્તિ એવા મધુબેન ચીમનભાઈ શુક્લ પોતાને ઘરે આવતા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના દરેક સ્વયં સેવક અને તત્કાલીન સમયના જનસંઘના કાર્યકર્તાઓને અચૂક ચા પાણી નાસ્તો અને ભોજન કરાવ્યા વિના ક્યારેય જવા દેતા ન હતા. તત્કાલિન સમયે ભાજપ વિરોધ પક્ષમાં હતો અને હાલ જેવી કોઈ સુખ સાહેબી ભાજપના નેતાઓને મળતી ન હતી. ભાજપના મોટા નેતાઓ જ્યારે પણ રાજકોટ કે સૌરાષ્ટ્ર આવે ત્યારે તેમનો મુકામ ચીમનભાઈ શુક્લના ઘરે જ રહેતો હતો. મધુબેન શુક્લ ની બનાવેલી રસોઇ ગુરુજી, અટલજી અને અડવાણીજી સહિતના નેતાઓ અનેક વખત જમ્યા હતા.
શુક્લ અને ભારદ્વાજ (ભટ્ટ)પરિવારને દીપાવ્યા
સ્વ.મધુબેન શુક્લએ અગાઉ મુંબઇ ખાતે શિક્ષિકા તરીકે પણ ફરજ બજાવેલી હતી ત્યારબાદ રાજકોટ ખાતે ચીમનભાઈ શુક્લના જીવનસંગિની તરીકે ઘર સંભાળવાની સાથે સાથે જાહેરજીવનમાં પ્રવેશીને તત્કાલિન સમયે જનસંઘ અને ભાજપની કામગીરી પણ સંભાળી હતી. દીકરી બે કુળને તારે તે કહેવતને સાર્થક કરતા સ્વ.મધુબેનએ ભારદ્વાજ (ભટ્ટ) પરિવાર અને શુક્લ પરિવારની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. શુક્લ અને ભારદ્વાજ ( ભટ્ટ) પરિવારને દીપાવનાર મધુબેનના અવસાનથી બન્ને પરિવારોએ ઉંડા આઘાતની લાગણી અનુભવી હતી.
લોધાવાડ ચોક વોર્ડમાંથી ચૂંટણી લડી જીતેલા
રાજકોટ નગરપાલિકા વેળાએ મધુબેન ચીમનભાઈ શુક્લ અગાઉ લોધાવાડ ચોક રજપૂત પરા વિસ્તારમાંથી ભાજપમાંથી ચૂંટણી લડેલા અને જંગી બહુમતીથી જીતેલા પણ ખરા. જુની પેઢીના લોકોને આ વાત આજે પણ સુપેરે યાદ છે. જનસંઘ, ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં મધુબેનનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે.
ધાર્મિક સ્વભાવના, ભજન ગાવાનો શોખ હતો
સદગત મધુબેન ખૂબ જ ધાર્મિક સ્વભાવના હતા અને તેમને ભજન ગાવાનો શોખ હતો, દરરોજ સવાર સાંજ તેઓ ભજન ગાતા હતા. હજુ થોડા દિવસ પૂર્વે જ તેમણે પુત્ર કશ્યપ ભાઈ પાસે બેસીને ભજન ગાયા હતા.