11 વર્ષ બાદ ખેડૂત આઈ પોર્ટલના નવા વર્ઝનનું લોન્ચિંગ: 22 દિવસ ખુલ્લું રહેશે

  • April 25, 2025 10:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ખેડૂતોની જુદી જુદી સરકારી યોજનાના લાભ લેવા માટે 2014માં ખેડૂત આઈ પોર્ટલ શરૂ કરાયા બાદ પછી 11 વર્ષે તેમાં સુધારો કરીને નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પોર્ટલમાં ખેતીવાડીની 45 અને બાગાયતની 50 જેટલી સરકારની જુદી જુદી યોજનાઓમાં ખેડૂતો ઘેર બેઠા ઓનલાઈન અરજી કરી શકશે.

જુના પોર્ટલમાં ખુલતાની સાથે જ ભારે ઘસારાના કારણે કનેક્ટિવિટી ખોરવાઇ જવા સહિતના અનેક પ્રશ્નો વારંવાર ઊભા થતા હતા. આ બાબતને ધ્યાનમાં રાખીને નવા પોર્ટલમાં ખેડૂતોને રાહત મળે તેવા અનેક ફીચર ઉમેરવામાં આવ્યા છે.

નવા વર્ઝન સાથેનું ખેડૂત પોર્ટલ આગામી 22 દિવસ સુધી ચાલુ રહેશે અને પશુપાલન વિભાગ માટે આવું જ બીજું એક જુદું પોર્ટલ આગામી દિવસોમાં શરૂ કરાશે. આઇ ખેડૂત પોર્ટલના નવા વર્ઝન પછી તેમાં હવે આગામી દિવસોમાં મોબાઈલ એપ પણ શરૂ કરવામાં આવનારી છે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ 2014 થી આઇ ખેડુત પોર્ટલ પર કુલ 41 લાખ ખેડૂતોએ સરકારની જુદી જુદી કૃષિ લક્ષી અને બાગાયતની યોજનાઓના લાભ લીધા છે અને સરકારે રૂપિયા 7,670 કરોડના લાભો ખેડૂતોને છેલ્લા 11 વર્ષમાં આપ્યા છે.

સરકાર દરેક યોજના માટે પોર્ટલ ખુલુ મૂકે તે સાથે તેની અંતિમ તારીખ પણ જાહેર કરતી હોય છે. અરજી કરવાની મુદત પૂરી થયા પછી જિલ્લા અને તાલુકા કક્ષાએ ડ્રો કરીને મેરીટ લીસ્ટ પણ જાહેર કરવામાં આવશે. અરજી કર્યા પછી તેનું શું થયું તેની પૂછપરછ ખેડૂતોને રૂબરૂ ઓફિસમાં જઈને કરવી પડતી હતી પરંતુ હવે આ પરિસ્થિતિનો નવા વર્ઝનમાં અંત આવી ગયો છે. અરજી કર્યા પછી ખેડૂતોને સમયાંતરે એસએમએસ મોકલીને સતત અપડેટ કરવામાં આવશે એટલું જ નહીં ખેડૂતો પોતે પણ પોતાની અરજીનું સ્ટેટસ જાતે જોઈ શકશે તેવી વ્યવસ્થા આ નવા વર્ઝનમાં કરવામાં આવી છે.

ટ્રેક્ટર ખરીદી, મોબાઈલ ફોન યોજના જેવી બાબતોમાં ખેડૂતોને અગાઉથી કંપની અને ડીલરોની પસંદગી કરવી પડતી હતી. પરંતુ નવા વર્ઝનમાં ખેડૂતો જે તે કંપનીની અને ડીલરોની ઓફર ઓનલાઇન જોઈને પસંદ કરી શકશે. મેન્યુઅલ ફોલોઅપની સિસ્ટમ સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે અને સિસ્ટમ આધારિત ફોલોઅપ થઈ શકશે. જે કઈ યોજનામાં લાભ મળ્યા પછી ખેડૂતો પોતે બિલ ડોક્યુમેન્ટ વગેરે અપલોડ પણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application