રાજકોટમાં યોજાનાર પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ સાથે જસદણના ખાતમુહૂર્ત–લોકાર્પણ પણ ઉમેરાય તેવી શકયતા

  • February 10, 2024 04:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દ્રારકા અને રાજકોટના વિકાસકામોના પ્રોજેકટ માટે આગામી તા.૨૫ના રોજ આવી રહેલા પ્રધાનમંત્રી મોદીના દ્રારકા–રાજકોટના કાર્યક્રમમાં જસદણ–આટકોટના ખાતમુહર્ત અને લોકાર્પણનો પણ ઉમેરો કરાય તેવી શકયતા છે. હાલના તબકકે આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી પરંતુ રાજકીય વર્તુળોમાં તેવી ચર્ચા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો જસદણનો તા.૧૬મીનો કાર્યક્રમ રદ થતાં તે અંતર્ગતના લોકાર્પણ અને ખાતમુહર્ત પીએમના કાર્યક્રમની સાથે સાંકળી લેવા માટે વિચારણા શરૂ કરવામાં આવી છે.

રાજકોટમાં એઇમ્સ, ઝનાના હોસ્પિટલ અને સ્માર્ટસિટી પ્રોજેકટ અંતર્ગતના અટલ સરોવરના લોકાર્પણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી સહિત ગુજરાત રાજયનું અડધુ મંત્રીમંડળ તા.૨૫મીએ રાજકોટમાં હશે. સૌરાષ્ટ્ર્રના તમામ ધારાસભ્યો અને સાંસદો, મંત્રીઓ તેમજ પ્રદેશના હોદ્દેદારો પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે.

રાજકોટમાં પ્રધાનમંત્રીની જાહેર સભા યોજાય તેવી પણ શકયતા: હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત નહીં

રાજકોટ શહેરના જે પ્રોજેકટનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ અગાઉ ખાતમુહર્ત કયુંર્ હતું તે તમામ પ્રોજેકટ પૂર્ણ થતાં હવે તેના લોકાર્પણ માટે તેઓ આગામી તા.૨૫મીએ રાજકોટ આવી રહ્યા છે. ૧૦૦૦ કરોડના ખર્ચે નિર્માણ કરાયેલા દ્રારકાના સિેચર બ્રિજ, ૧૧૯૫ કરોડના ખર્ચે નિર્મિત રાજકોટ એઇમ્સ, ૧૦૦ કરોડના ખર્ચે નિર્મિત ઝનાના હોસ્પિટલ તેમજ રાજકોટ મહાપાલિકા દ્રારા સ્માર્ટસિટી પ્રોજેકટ હેઠળ ૧૩૬ કરોડના ખર્ચે નિર્મિત અટલ સરોવર સહિત કુલ ૨૪૩૧ કરોડના પ્રોજેકટનું લોકાર્પણ થનાર હોય અનેરી ખુશીનો માહોલ સર્જાયો છે. પ્રધાનમંત્રી જયારે પણ રાજકોટ આવે છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રને કંઇકને કંઇક અમૂલ્ય ભેટ અચુક આપે છે. રાજકોટની ગત મુલાકાત વેળાએ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ આપી હતી. જયારે હવે એઇમ્સ સહિતના પ્રોજેકટનું લોકાર્પણ કરનાર છે. આ પ્રસંગે ડાયસ ફંકશન યોજાશે કે કેમ તે હજુ સુધી નકકી નથી પરંતુ જાહેર સભા યોજાય તેવી શકયતા છે અને તે માટે વિચારણા ચાલી રહી છે. જોકે હજુ સુધી જાહેર સભા અંગે અધિકારીઓ કે પદાધિકારીઓ તરફથી કોઇ જાહેરાત કરાઇ નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application