ખંભાળિયાના જુદા જુદા વાડી વિસ્તારોમાં કોવિડ આઈશોલેશન સેન્ટરનો પ્રારંભ

  • May 12, 2021 10:38 AM 

પાંચ વાડી વિસ્તારમાં કોરોના દર્દીઓ માટે રાહતરૂપ પગલું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી કોરોના વાયરસના નવા પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. જેથી લોકોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે. હાલની પરિસ્થિતિમાં આ રોગનું સંક્રમણ ગ્રામ્ય કક્ષાએ પણ ચિંતાજનક રીતે વધી ગયું છે. આ પરિસ્થિતિમાં ખંભાળિયા શહેરની આજુબાજુના વાડી વિસ્તારોને કોરોના સારવાર તથા આઈશોલેશન અંગે સ્થાનિક ગ્રામજનોને હાલાકી ન થાય તે હેતુથી અહીંના પાંચ વાડી વિસ્તારોમાં કોવીડ આઈશોલેશન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ દર્દીઓની સુવિધા તથા સારવાર સાથે સંક્રમણને અટકાવવાના હેતુથી અહીંના તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રસિકભાઈ નકુમ વિગેરે દ્વારા શહેરની નજીક આવેલા તાલુકાના ધરમપુર, હર્ષદપુર, શક્તિનગર, રામનગર અને હરીપર ગ્રામ પંચાયત વિસ્તારોમાં કોવીડ આઈશોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.

સ્થાનિક પ્રાથમિક શાળા ખાતે તૈયાર કરવામાં આવેલા આ આઈશોલેશન સેન્ટરમાં સરકારી ગાઇડલાઇન મુજબ ભોજન, સારવાર સહિતની વ્યવસ્થા સાથે જરૂર પડ્યે દર્દીને સરકારી એમ્બ્યુલન્સમાં અહીંની સરકારી કોવિડ હોસ્પિટલમાં મોકલવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ વિસ્તારના કોવિડ દર્દીઓએ સ્થાનિક સરપંચ તથા આગેવાનોનો સંપર્ક કરી, કોરોનાનું સંક્રમણ અટકાવવા સહભાગી થવા એક યાદીમાં જણાવાયું છે. આ સમગ્ર આયોજન માટે સ્થાનિક સેવાભાવીઓનો પણ નોંધપાત્ર સહયોગ સાંપડયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)