કલ્યાણપુર તાલુકાના રાવલ ગામેથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપાયો: આરોપીઓ ફરાર

  • June 12, 2021 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રૂ. 29 લાખના દારૂ, ટ્રક તથા મોટરસાયકલ સહિત કુલ રૂ. 40 લાખનો મુદ્દામાલ કબજે: ડીવાયએસપી, પી.એસ.આઈ. તથા સ્ટાફ દ્વારા મોડી રાત્રીના કાર્યવાહીથી બૂટલેગરોમાં ફફડાટ

કલ્યાણપુર તાલુકાના રાવલ ગામેથી ગત રાત્રીના સમયે અહીંના ડી.વાય.એસ.પી. દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખીને વિદેશી દારૂ અંગે દરોડો પાડવામાં આવતા આ સ્થળે એક શખ્સ દ્વારા ખેતરમાં ટ્રકના કન્ટેનરમાં છૂપાવવામાં આવેલો રૂ. 29 લાખની કિંમતનો 7439 બોટલ વિદેશી દારૂ ઉપરાંત એક ટ્રક અને એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા 40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકરણમાં વાડી માલિક, ટ્રક ચાલક સહિતના શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો કલ્યાણપુર તાલુકો દારૂ-જુગાર તથા ખનીજ ચોરી માટે કુખ્યાત બની રહી હોય, આ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા આ વિસ્તારમાં અસરકારક કામગીરી કરવા માટેની સૂચના અંતર્ગત ગતરાત્રીના સમયે સ્થાનિક પોલીસ દ્વારા પેટ્રોલિંગ અંગેની કામગીરી કરવામાં આવી હતી. આ દરમ્યાન અહીંના ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરી, કલ્યાણપુરના પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા,  પી.ડી. વાંદા વિગેરે દ્વારા પેટ્રોલિંગ દરમિયાન રાત્રીના આશરે પોણા બે વાગ્યાના સુમારે કલ્યાણપુર તાલુકાના રાવલ ગામ વિસ્તારમાં પહોંચતા આ વિસ્તારમાં એક ખેતરમાં પરપ્રાંતિય શરાબનો વિશાળ જથ્થો મંગાવીને રાખવામાં આવ્યો હોવાની બાતમીના આધારે રાવલ ગામથી ગોરાણા ગામ તરફ જતા સીમ વિસ્તારમાં આવેલા સતી તળાવની બાજુમાં રહેતા રણજીત વજશીભાઈ મોઢવાડિયા નામના એક મેર શખ્સના ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ ખેતરમાં રહેલા એમ.એચ. 04 એચ.વાય. 9502 નંબરના એક ટ્રક કન્ટેનરનું ચેકિંગ કરવામાં આવતા આ ટ્રક કન્ટેનરમાંથી વિશાળ સંખ્યામાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.

જેની ગણતરી કરવામાં આવતા આ ટ્રકમાંથી મેક ડોવેલ નંબર વન વ્હિસ્કીની 4463 બોટલ તથા બ્લુ સ્ટોક રિઝર્વ વ્હિસ્કીની 2976 બોટલ મળી આવી હતી. આથી પોલીસે કુલ રૂ. 29,75,600 કિંમતની કુલ 7439 બોટલ વ્હિસ્કી રૂપિયા, 11 લાખની કિંમતનો ટ્રક (કન્ટેનર) તથા રૂપિયા વીસ હજારની કિંમત જી.જે. 10 સી.ડી.4089 નંબરનું એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા 39,95,600/-નો મુદામાલ કબજે કર્યો છે.

આ સમગ્ર કાર્યવાહી દરમિયાન આરોપી રણજીત વજશી મોઢવાડીયા તથા ટ્રક ચાલક આ સ્થળે મળી આવ્યા ન હતા. જેથી પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મોડી રાત્રીના સમયે તોતિંગ માત્ર માં વિદેશી દારૂ ઝડપી લેવા અંગેની પોલીસની આ કડક કાર્યવાહીએ જિલ્લાના બૂટલેગરોમાં ફફડાટ સાથે દોડધામ કરાવી છે.

આ સમગ્ર કાર્યવાહી અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી, કલ્યાણપુરના પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા, પી.ડી. વાંદા, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ વાઘેલા, નારણભાઈ સદાદીયા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)