જમીન ખરીદ કરવા માંગતા ન હોય તે બાબતની અરજી દફતરે લેવા છતા પ્લોટ પાડયા
જામનગર નજીક લાખાબાવળ ગામે સોસાયટીમાં રહેણાંક હેતુ માટે જમીન મળવા અરજી કરેલ હતી અને એ પછી આનુસંગીક કારણસર જમીન ખરીદ કરવા માંગતા ન હોય તે બાબતે અરજી દફતરે કરવામાં આવી હતી તેમ છતા પ્લોટ પાડીને અંગત લાભ મેળવવા જમીન પચાવી પાડવાનું કારસ્તાન કર્યાનું સામે આવતા આ અંગે ૩ શખ્સ સામે લેન્ડગ્રેબીંગ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગર બાયપાસ ગીતાંજલી પાર્ક ખાતે રહેતા અને જામનગર મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર રાજભદ્રસિંહ ભરતસિંહ રાણા દ્વારા ગઇકાલે પંચ-બીમાં જામનગરના હરેશ લક્ષ્મીદાસ સોની તથા પ્રવિણ હસમુખ ખરા અને દિનેશ ચરણદાસ પરમાર નામના ૩ ઇસમ વિરુઘ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનીયમ ૨૦૨૦ની કલમ ૪(૩), ૫(ક), ૫(ગ) મુજબ ફરીયાદ નોંધાવી છે.
જેમાં જણાવ્યુ છે કે ૨૦૨૧ના સમયગાળા દરમ્યાન આરોપી દિનેશભાઇએ માઇશ્રી રમાબાઇ આંબેડકર સોશ્યલ વેલ્ફેર સોસાયટીના હોદાના દરજજાથી લાખાબાવળ ગામના સર્વે નં. ૩૨૩માંથી હેકટર ૩-૧૦-૨૫ આ.રે. જમીન રહેણાંક હેતુ માટે મળવા અરજી કરી હતી.
ત્યારબાદ અરજદારની અરજી સોસાયટીને આનુસંગીક કારણસર આ જમીન ખરીદ કરવા માંગતા ન હોય તે બાબતે કલેકટર જામનગર દ્વારા આરોપી દિનેશની અરજી દફતરે કરવામાં આવી હતી તેમ છતા ઉપરોકત ત્રણેય શખ્સો દ્વારા લાખબાવળ ગામના સર્વે નં. ૩૨૬વાળી આશરે જમીન હેકટર ૨-૩૬-૦૦ આરે જમીન કે જે જમીન સરકારની (ગોચર) માલીકીની હોય તે જમીન પોતાની હોવાનું બતાવીને પ્લોટો પાડી પોતાના આર્થીક લાભ તથા અંગત ફાયદા સાથે લાભ મેળવી સરકારી જમીન પચાવી પાડી ગુનો કર્યો હતો. આ ફરીયાદના આધારે લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.