એક મહિના પહેલાં બીમારીના કારણે માતાનું અવસાન થયા બાદ પોતે ગુમસુમ રહેતાં માતાના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો
જામનગરના લાલવાડી અટલ આવાસના કંકાવટી બ્લોક નંબર બી ૫૦૫માં રહેતી જેનીશાબેન સંજયભાઈ વારા નામની ૧૭ વર્ષની ભોઈરાજ જ્ઞાતિની તરુણી વિદ્યાર્થીનીએ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં પરિવારમાં ભારે ગમગઈની છવાઈ છે.
આ બનાવ અંગે મૃતક તરુણીના પિતા સંજયભાઈ જયંતીભાઈ વારાએ પોલીસને જાણતા કરતાં સીટી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.એ. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને તરૂણી વિદ્યાર્થીની ના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું, જ્યારે સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક નિશાબેન, કે જે પોતે કોલેજમાં અભ્યાસ કરે છે, અને તેણીની માતાનું આજથી આઠ મહિના પહેલાં બીમારીના કારણે અવસાન થઈ ગયું હતું, જેથી તેણીના મૃત્યુ બાદ પોતે ટેન્શનમાં રહેતી હતી, અને આખરે ગઈકાલે ગળાફાંસા દ્વારા પોતાની જીવન લીલા સંકેલી લીધી હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે. જે મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.