ગોંડલ રોડ પર વિજય પ્લાઝામાં ઉપરના માળે આવેલી શિવા હોટેલમાં એ ડિવિઝન પોલીસે દરોડો પાડી હોટેલમાં ચાલતી શરાબ અને શવાબની મહેફિલ ઝડપી લીધી હતી. દરોડા દરમિયાન રૂમમાંથી એક ગ્રાહક અને લલના કઢંગી હાલતમાં મળી આવ્યા હતા આ ઉપરાંત અલગ અલગ રૂમમાં તપાસ કરતા ત્રણ લલનાઓ મળી આવી હતી. આ મહિલાઓ મેઘાલય, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્રની હોવાનું ખુલ્યું હતું. પોલીસે રોકડ, લેપટોપ મોબાઈલ, કોન્ડોમ અને દારૂની બોટલ કબ્જે કરી કુલ રૂ. 1,71,250નો મુદામાલ કબ્જે કરી હોટેલ સંચાલક અને મેનેજર બંનેની ધરપકડ કરી હતી. બંને શખ્સો ગ્રાહક પાસેથી 3000 રૂપિયા લેતા હતા અને લલનાઓને રૂ.1000 આપતા હોવાનું સામે આવ્યું છે.
પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ એ ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ગોંડલ રોડ પર આવેલા વિજય પ્લાઝામા બીજા માળે હોટેલ શિવામાં બહારના રાજ્યની મહિલાઓને બોલાવી ગ્રાહક પાસેથી પૈસા લઇ સુખ સુગવડ પુરી પાડી કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી દરોડો પાડતા હોટેલના રૂમમાંથી એક ગ્રાહક અને લલના કંઢગી હાલતમાં મળી આવ્યા હતા તેમજ અન્ય રૂમમાં રહેલી ચાર મહિલાઓ મળી આવી હતી જેમાં બે મહારાષ્ટ્રની એક ઉત્તરાખંડ અને મેઘાલયની હોવાનું પુછપરછમાં સામે આવ્યું હતું. મહિલાઓની વધુ પુછપરછમાં હોટેલ સંચાલક ગ્રાહક પાસેથી 3000 રૂપિયા લેતા હતા જેમાંથી 1000 રૂપિયા અમને આપતા હોવાની કબૂલાત આપી હતી.
દરોડા દરમિયાન પોલીસે કાઉન્ટરમાંથી રોકડ 1,27,000, એક લેપટોપ, મોબાઈલ, કોન્ડમના પેકેટ્સ મળી કુલ રૂ. 1.71. લાખનો મુદામાલ કબ્જે કરી હોટેલ સંચાલક નિશાંત કિશોરભાઈ રૂપારેલિયા (રહે- 150 ફૂટ રિંગ રોડ, અયોધ્યા ચોક, અયોધ્યા રેસીડેન્સી શેરી નંબર-4, બિપિન ભાઈ મહેતાના મકાનમાં) તેમજ હોટેલ મેનેજર તરીકે નોકરી કરતો નિલેશ ઈશ્વરભાઈ આસવાણી (રહે-જેતપુર)ને ઝડપી લઈ બંને સામે ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્સન એક્ટ 1956ની કલમ 3,4,5 અને બીએનએસની કલમ 223 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
દારૂની બોટલ મળતા પ્રોહિબિશનનો અલગથી ગુનો નોંધ્યો
શિવા હોટેલમાં પોલીસને દરોડા દરમિયાન ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવતા કબ્જે કરી હતી આ ઉપરાંત હોટેલમાં આવતા ગ્રાહકોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવાની ફરજીયાત હોવા છતાં એન્ટ્રી ન કરતા જાહેરનામાનો ભંગ કર્યો હતો આથી બંને શખ્સો સામે પ્રોહિબિશન અને જાહેરનામા ભંગનો અલગથી ગુનો નોંધ્યો હતો.
છ મહિનાથી દેહવ્યાપારનો ધંધો ચાલતો હતો
પોલીસની તપાસમાં હોટેલ શિવામાં દેહવ્યાપારનો ધંધો છેલ્લા છ મહિનાથી ધમધમતો હતો, જેના લીધે આસપાસના દુકાનદારો સહિતના પણ ત્રસ્ત હતા.