જામનગરનું રણમલ તળાવ આ વખતે ભારે વરસાદ બાદ છલકાઇ ગયું હતું, પરંતુ જામનગરવાસીઓના નસીબ થોડા મોરા કે આ તળાવમાંથી દિન-પ્રતિદિન પાણી ઘટતું ગયું, લોકોમાં પણ તરહ-તરહની ચર્ચાઓ થઇ હતી, પરંતુ હવે થોડા દિવસોમાં રંગમતી ડેમના કેટલાક પાટીયા બદલવાના હોવાથી તેમાંથી જે પાણી છોડવામાં આવશે તે રણમલ તળાવની કેનાલમાં ડાયવર્ટ કરવામાં આવશે તેવું નકકી થયું છે, આમ તળાવ ફરીથી છલકાઇ જશે.
મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ આજકાલ સાથેની ટેકલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી માર્ચના અંત સુધીમાં રંગમતી ડેમના પાટીયા બદલવાને કારણે તેમાંથી પાણી છોડવામાં આવશે, અત્યારે કોર્પોરેશન દ્વારા કેનાલની સાફ-સફાઇ થઇ રહી છે, આ પાણી વેસ્ટ ન જાય તે માટે કોર્પોરેશન દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશનના સ્ટાફ દ્વારા આ કેનાલની સાફ-સફાઇ થઇ રહી છે તે તળાવ માટે લાભ દાયક છે.
ચોમાસાને હજુ ત્રણેક મહીનાની વાર છે ત્યારે તળાવ ખાલી થતું જાય છે, વળી રંગમતી ડેમના કેટલાક પાટીયા ખરાબ થઇ ગયા હોવાથી ચોમાસા પહેલા બદલાવાય તો જ પાણીનો સંગ્રહ થઇ શકે તે માટે આરએનબી અને કોર્પોરેશનના અધિકારીઓએ પહેલેથી જ રણમલ તળાવમાં પાણી ઠાલવવાની તૈયારી કરી દીધી છે તે ખુબ જ આવકારદાયક છે. જો કે કઇ તારીખથી આ કામગીરી કરવામાં આવશે તે અંગે કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી, પરંતુ મ્યુ.કમિશ્નરના જણાવ્યા મુજબ માર્ચના અંત સુધીમાં આ કામગીરી પૂર્ણ થઇ જશે.
એવી વિગતો બહાર આવી છે કે, એકાએક રણમલ તળાવમાં આવતી કેનાલની સફાઇ અત્યારથી કેમ ? પરંતુ કોર્પોરેશન અને આરએનબીની મીટીંગ બાદ જે પાણી છોડવામાં આવે તે નદીમાં ન હવી જાય અને ખોટો વેડફાટ ન થાય તે માટે રણમલ તળાવમાં આવતી કેનાલમાં આ છોડાયેલું પાણી ડાયવર્ટ કરવામાં આવે તો તળાવ પણ ભરાઇ જાય.
કોર્પોરેશનનો આ નિર્ણય લોકો માટે ખુબ હીતકારી છે ત્યારે આગામી દિવસોમાં રંગમતી ડેમના પાટીયા રીપેર કરવામાં આવશે ત્યારે પાણીને તળાવમાં ઠાલવવામાં આવશે એના માટે જ કેનાલ સતત ચોખ્ખી રાખવામાં આવશે.