મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના વિમાન દુર્ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે સવારે 8 વાગ્યાને 46 મિનિટે આ દુર્ઘટના સર્જાઈ હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે અજિત પવારનું વિમાન રનવે નજીક પહોંચતા જ અચાનક જમીન પર પટકાય છે અને સેકન્ડોમાં જ આખું વિમાન આગના ગોળામાં ફેરવાઈ જાય છે. આકાશમાં ધુમાડાના કાળા ગોટા અને આગની ભીષણ લપેટો દેખાઈ રહી છે, જે દર્શાવે છે કે વિમાનમાં સવાર મુસાફરોને બચવાની કોઈ તક મળી નહોતી. આ વિમાન બે વખત લેન્ડિંગના પ્રયાસો કરી ચૂક્યું હતું.
અજિત પવાર સહિત તમામ 5 લોકોના મોતપ્રત્યક્ષદર્શીઓ અને ફૂટેજ મુજબ, જમીન પર પટકાતાની સાથે જ વિમાન બે ભાગમાં તૂટી પડ્યું હતું. વિમાનમાં સવાર અજિત પવાર સહિત તમામ 5 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. અકસ્માત બાદ તરત જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. રિપોર્ટ અનુસાર, વિમાનમાં લાગેલી ભીષણ આગને કારણે તમામ મૃતકોના શવ સંપૂર્ણપણે બળી ગયા હતા, જેનાથી ઓળખ કરવી પણ મુશ્કેલ બની હતી.
નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું
અજિત પવાર તેમના ગઢ એવા બારામતીમાં ઉતરાણ કરવાના હતા, પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. સત્તાવાર રીતે સવારે 8:46 વાગ્યે રેકોર્ડ થયેલી આ ઘટનાએ મહારાષ્ટ્રના રાજકારણમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ પાડી છે. હાલ પોલીસ અને તપાસ એજન્સીઓ આ CCTV ફૂટેજના આધારે અકસ્માતના ટેકનિકલ કારણોની ઊંડી તપાસ કરી રહી છે.