એ કાઈપો છે.... પતંગરાસિયાઓ ઉત્સાહમાં : બજારમા ભારે રોનક

  • January 13, 2025 10:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રંગીલો મિજાજ ખાણીપીણી નો શોખ અને જલસાથી જીવતા માણસો છે રાજકોટ વાસીઓ. તહેવારોને ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં સતત ઉત્સાહિત રહેતા રંગીલા રાજકોટના રંગીલા લોકો ઉતરાયણની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પતંગ દોરાના વેપારી પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે, તો બીજી તરફ બજારમાં ચીકી,શાની, અને અડદીયા જેવી મીઠાઈ ની મનમોહક સોડમ  મંત્રમુગ્ધ કરી દે છે. સૌ કોઈને પ્રિયમાં પ્રિય તહેવાર હોય તો એ છે ઉત્તરાયણ. સમાજના દરેક વર્ગના, દરેક ઉંમરના, દરેક જ્ઞાતિના લોકો આ તહેવારને ખૂબ જ મન ભરીને ઉજવે છે.

 પતંગરસિયા રાજકોટવાસીઓમાં મકરસંક્રાંતિના તહેવારને લઈને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારમાં પતંગો, ફિરકી લેવા માટે પડાપડી થઈ રહી છે. બાળકો માટે કાર્ટુન વાળા માસ્ક, અલગ-અલગ અવાજવાળા પપૂડા, રંગબેરંગી ટોપી, ગોગલ્સ વગેરેની ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે. ચીકી, મમરાના લાડુ, કચરિયું, શેરડી, બોર, જામફળ, જીંજરા જેવી વસ્તુઓની ખરીદી લોકો કરી રહ્યા છે, જેના કારણે બજારમાં રોનક છવાઈ ગઈ છે.

સૂર્યની પૂર્વથી ઉત્તર તરફ પડનારી કિરણો શુભ અને અત્યંત લાભકારી ગણવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રો પ્રમાણે કર્ક રાશિથી લઈ ધન રાશિ સુધી સૂર્ય દક્ષિણાયનમાં રહેવાને કારણે દિવસ નાના અને રાત મોટી થવા લાગે છે જયારે, સૂર્યના ઉતરાયણમાં ગોચર કરવાને કારણે દિવસ અને રાત બન્ને બરાબર થાય છે. ધર્મગ્રંથો પ્રમાણે સૂર્યના દક્ષિણાયન થતા છ માસ દેવતાઓની રાત્રી અને સૂર્યના ઉતરાયણ થતા છ માસ દેવતાઓના દિવસ ગણાય છે. કહેવાય છે કે આ છ માસ દરમિયાન મૃત્યુ પામનાર મનુષ્યને ફરી જન્મ લેવો પડતો નથી. ઈચ્છામૃત્યુનુ વરદાન પ્રાપ્ત હતું તેવા ભીષ્મ પિતામહ પણ આજ દિવસની રાહ જોતા બાણશેઈયા પર રહ્યા હતા.

મકરસંક્રાંતિ એ જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા આદર કરવાનો પણ તહેવાર છે. જીવનના લક્ષ્ય પૂરા કરવાની ઈચ્છા રાખનાર માટે આ આદર્શ સમય મનાય છે. મકરસંક્રાંતિનો પર્વ  મહત્વપૂર્ણ અને પરિવર્તન માટેનો છે. જુનુ  તજી અને નવું અપનાવવા માટેનો સમય છે.૧૪ જાન્યુઆરીએ ઉજવાતા આ તહેવાર માટે લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળે  છે. દેશના લગભગ બધા જ રાજ્યોમાં જુદા જુદા સાંસ્કૃતિક રૂપથી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આજ દિવસથી વસંત ઋતુનો પણ પ્રારંભ થાય છે ત્યારે આ તહેવારનું મહત્વ ઘણું વધી જાય છે. ગુજરાતના લોકો પતંગ ઉડાડીને ખૂબ જ ધૂમધામથી આ તહેવારની ઉજવણી કરે છે. મોટા શહેરોમાં તો દિવાળી પછી તરત જ ઉતરાયણની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ જાય છે, તો બીજી બાજુ દોરી પાવાનું કામ પણ ધોરણે શરૂ થઈ જાય છે. એક બાજુ ચીકી અને મમરાના લાડુના સ્ટોલ ઊભા કરવામાં આવે છે તો બીજી બાજુ પર પતંગ અને ફીરકી ના સ્ટોલ નખાય છે. વળી આ દિવસે દાન પુણ્યનો પણ ઘણો મહિમા હોવાથી સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફાળો  એકત્રિત કરવા માટે સ્ટોલ ઊભા કરવામાં આવે છે. લોકો આવી સંસ્થાઓમાં યથાશક્તિ ફાળો નોંધાવીને પુણ્યનું ભાથું બાંધે છે ત્યારે ધાર્મિક રીતે પણ આ તહેવારનું મહત્વ ખૂબ વધી જાય છે. 

    ઉતરાયણ ના દિવસે લોકો ધાબા પર અથવા તો ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાડવા માટે જાય છે. મ્યુઝિક સિસ્ટમમા ઢીલ દે ઢીલ દે રે ભૈયા...એ કાઈપો છે...ચલી ચલી રે પતંગ મેરી ચલી રે... જેવા ગીતો સાંભળતા સાંભળતા પતંગ ઉડાડવાની મજા લુટે છે.


ફીરકીમાં ઓટોમેટીક સ્વીચ વાળી ફીરકી, તો પતંગમાં સ્પાઇડરમેન ડોરેમોન અને મોદી યોગીનો ટ્રેન્ડ 
 ઉતરાયણ ના દિવસે પતંગનું ખૂબ મહત્વ છે.આ દિવસે લોકો પોતાના ધાબે ચડી સૂર્યના મકર રાશિમાં આગમનનો ઉત્સવ મનાવતા હોય છે . જેમ મહેમાનોને રંગબેરંગી ફૂલોથી વધારે તેવી રીતે લોકો રંગબેરંગી પતંગ ચગાવી સૂર્યને વધાવે છે. એટલે આ દિવસે પતંગોત્સવનુ  અનેરૂ મહત્વ છે   રાજકોટમાં પતંગ અને દોરાને લઈને વેપારીઓમાં પૂર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે. શહેરની સદર બજાર એ પતંગ અને દોરા માટે ખૂબ જ જાણીતી છે માત્ર રાજકોટ જ નહીં સૌરાષ્ટ્ર ભરના લોકો અહીંયા પતંગની ખરીદી માટે આવે છે. હાલ ઉતરાયણને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે વેપારીઓ પાસે પતંગ અને ફીરકીનો ખૂબ મોટો સ્ટોક ભરવામાં આવ્યો છે. અત્યારે બજારમાં 200 રૂપિયાથી માંડીને ઓટોમેટિક સ્વીચ વાળી ફીરકી પણ ઉપલબ્ધ છે. પતંગની વેરાઈટીઓમાં પ્લાસ્ટિકમાં ડોરેમોન, સ્પાઇડરમેન, નરેન્દ્ર મોદી, યોગી, ખંભાતી ચીન કાર્ટૂન પ્રિન્ટ અને લેમન પ્રિન્ટ ખૂબ જ ફેમસ છે. બાળકો માટે કાચી દોરી તો મોટા લોકો માટે ગ્રાઈન્ડર આરપાર, બ્લેક વાઈટ યોદ્ધા તેમજ બ્લેક એન્ડ વાઈટ ફીરકી ની ખૂબ ડિમાન્ડ રહે છે. રેડીમેટ ફીરકીમાં દોરા નો જથ્થો ઓછો આવવાથી હાલ ગ્રાહકો સુરત, અમદાવાદ,અને બરોડા જેવા મોટા સીટી ની માફક સુરતી દોરા ની ડિમાન્ડ વધારે રહે છે ત્યારે બજારમાં સારો એવો સ્ટોક સુરતી દોરા નો પણ જોવા મળે છે. દોરી પવડાવવા તરફ વળ્યા છે. આ ઉપરાંત બાળકો માટે ગેસના ફુગ્ગા, ફાનસ તેમજ વિવિધ અવાજ કરતા રમકડાઓ પણ જોવા મળ્યા હતા.

રાજકોટયન્સ એક જ દિવસમાં હજારો કિલો ઝાપટી જશે..

ખાણીપીણી ના શોખીન રાજકોટ વાસીઓ ઉતરાયણના દિવસે હજારો કિલો ઉંધિયું ઝાપટી જાય છે. ઠેક ઠેકાણે ઊંધિયાના સ્ટોલ ઉભા કરવામાં આવે છે. ક્યાંક માટલા ઊંધિયું,ક્યાંક સુરતી ઊંધિયું તો ક્યાંક રજવાડી ઊંધિયું આમ ઊંધિયામાં પણ વિવિધતા જોવા મળે છે. શરદીની ઋતુમાં તાપમાન ઓછું રહેવાને કારણે શરીરમાં રોગ અને બીમારી જલ્દી પ્રવેશી જાય છે. આથી ઉતરાયણના દિવસે ગોળ કે તેનાથી બનેલા મિષ્ટાન કે પકવાન બનાવાય છે,ખવાય છે અને વેચાય છે. શિયાળામાં કાળા તલ અને ખજૂરનો ખૂબ ઉપયોગ થાય છે. તેમાં ગરમી ઉત્પન્ન કરનારા તત્વો સાથે જ શરીર માટે લાભકારી પોષક પદાર્થ પણ હોય છે. ચીકી આરોગ્ય વર્ધક ગણવામાં આવે છે.શહેરમાં ઠેક ઠેકાણે ચીકીના સ્ટોલ જોવા મળે છે. અડદીયાનુ પણ આગવું મહત્વ છે.ઉત્તર ભારતમાં આ દિવસે ખીચડી ખાવાની પરંપરા છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે હળવો અને પૌષ્ટિક ખોરાક છે જે સરળતાથી પચી શકે છે. તે શરીરને ઊર્જા અને રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે આથી તેમનું વૈજ્ઞાનિક રીતે પણ ઘણું જ મહત્વ રહેલું છે. સૌરાષ્ટ્રમાં સાત ધામ મિક્સ કરીને ખીચડો બનાવવામાં આવે છે. અને હા બોર,જામફળ, જીંજારા, અને શેરડી કેમ ભુલાય..!

 ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે દાન આપી લોકો બાંધશે પુણ્યનો ભાથુ..

મકરસંક્રાંતિના દિવસે ગાયને ઘાસ ખવડાવો અને તલનું દાન કરવું એ અત્યંત શુભ મનાય છે. આ દિવસે ગાયની સેવા કરવાથી ઘણા બધા તીર્થો તથા બધા જ દેવોની પૂજા કરવાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. ભારતમાં ગાય માતાને પ્રથમ સંત તરીકે કહી તેની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માત્ર ગાયમાતાનો સ્પર્શ કરવાથી પણ સર્વ પાપો નષ્ટ થાય છે અને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આવી ધાર્મિક માન્યતા ને લઈને શહેરમાં ઠેકઠેકાણે ગૌ સેવા સમિતિઓ દ્વારા દાન મેળવવા માટે સ્ટોલ ખોલવામાં આવે છે અને લોકો પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે ગાય માતા માટે દાન કરી પુણ્યનુ ભાથુ બાંધે છે. આ ઉપરાંત લોકો પક્ષીઓને  ચણ, ગરીબ લોકોને વિવિધ પ્રકારના દાન આપે છે. મંદિરોમાં ભગવાનને અવનવા શણગાર કરવામાં આવતા હોય આ દિવસે મંદિરોમાં  ભારે ભીડ રહે છે. ભક્તજનો યથાશક્તિ મંદિરમાં સેવા પૂજા અને દાન ધર્માદો  કરે છે.ઘણી સેવાભાવી સંસ્થાઓ તથા સેવાભાવી લોકો દ્વારા  ગરીબ લોકોને મમરા ના લાડુ, તલના લાડુ તથા બીજી અનેક જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવામાં આવે છે. આ દિવસે સૂર્ય પૂજા અને ઉપાસનાનું પણ વિશેષ મહત્વ રહેલું છે.આ દિવસે કરેલા દાનથી અક્ષય ફળ પ્રાપ્ત થાય છે.

 કમુરતા પુરા :શુભ કાર્યોની થશે શરૂઆત 

 કમૂરતાને ખરમાસ કે મલમાસ પણ કહે છે. હિન્દુ ધર્મમાં સંક્રાંતિ તિથિ નું ખાસ મહત્વ છે. ધાર્મિક માન્યતા પ્રમાણે સંક્રાંતિ તિથિ પર ગંગા નદીમાં સ્નાન કરવાથી અજાણ્યાતા  કરેલા પાપ માંથી મુક્તિ મળે છે. હિન્દુ કેલેન્ડર અનુસાર જ્યારે સૂર્ય ભગવાન ગુરુની રાશિ ધન અથવા મીનમાં પ્રવેશ કરે છે ત્યારે કમુરતાનો મહિનો શરૂ થાય છે અને જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે કમુરતા પૂરા થાય છે. મકરસંક્રાંતિના દિવસથી કમરતા પૂરા થશે અને શુભ કાર્યોની શરૂઆત થશે. લગ્નસરાની મોસમ ખીલી ઉઠશે. સગાઈ, લગ્ન, ગૃહ પ્રવેશ સહિતના પેન્ડિંગ પડેલા શુભ કાર્યોની હવે  શરૂઆત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application