BREAKING NEWS

કિસાન ક્રેડિટ કાર્ડ ધારકોને રૂ.૩ લાખ સુધી ઝીરો ટકા વ્યાજે પાક ધિરાણ મળશે

  • February 18, 2026 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગુજરાત રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે વર્ષ દરમિયાન કુલ રૂ.૨૪,૦૨૨ કરોડની મહત્ત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા, આધુનિક ટેકનોલોજી પ્રોત્સાહિત કરવા અને પશુપાલન તથા મત્સ્યોદ્યોગ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે.


પાક કૃષિ વ્યવસ્થામાં ખેડૂતોને વીજ સહાય માટે રૂ.૯,૩૨૪ કરોડ ફાળવવામાં આવ્યા છે. સૂક્ષ્મ સિંચાઈ યોજના માટે રૂ.૧,૨૫૦ કરોડ તથા કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ટ્રેક્ટર ખરીદી સહાય માટે રૂ.૮૦૦ કરોડ અને અન્ય કૃષિ સાધનો માટે રૂ.૭૬૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. “મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના” હેઠળ અંદાજિત ૧૫,૪૩૬ ખેડૂતોને રૂ.૧ લાખ સહાય આપવા માટે રૂ.૧૫૪ કરોડ ફાળવાયા છે. ખાતેદાર ખેડૂતોના આકસ્મિક મૃત્યુ અથવા કાયમી અપંગતાના કિસ્સામાં રૂ.૪ લાખ સુધીનું વીમા રક્ષણ આપવા રૂય૧૪૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.


અદ્યતન ડ્રોન ટેકનોલોજી અને સીડ રીપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવા રૂ.૭૭ કરોડ, જ્યારે “મુખ્યમંત્રી સોઈલ હેલ્થ અભિયાન” હેઠળ મફત સોઇલ હેલ્થ કાર્ડ વિતરણ માટે રૂ.૧૪ કરોડ ફાળવાયા છે. ડાંગર, કઠોળ, તેલીબિયાં અને એગ્રો પ્રોસેસિંગ માટે છ સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવા રૂ.12 કરોડની જોગવાઈ છે. જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવા માટે ઓર્ગેનિક મેન્યોર પ્રોત્સાહન માટે રૂ.૧૦ કરોડ ફાળવાયા છે.


બાગાયત વિકાસ કાર્યક્રમ માટે રૂ.૭૯૮ કરોડ, ફળપાકોમાં ફિલ્ડ કવર યોજનાથી આવક વૃદ્ધિ માટે રૂ.૩૦ કરોડ અને આદુ-હળદર જેવા રાઈઝોમેટીક પાકોને પ્રોત્સાહન માટે રૂ.૧૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓના આધુનિકીકરણ અને જામનગર, ભૂજ અને ખેડબ્રહ્મા ખાતે માળખાકીય સુવિધાઓ માટે રૂ.૧,૦૬૩ કરોડ ફાળવાયા છે. પ્રાકૃતિક કૃષિ માટે રૂ.૩૯૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.


પશુપાલન ક્ષેત્રે “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ” યોજના માટે રૂ.૫૦૦ કરોડ તથા કામધેનુ યુનિવર્સિટી હેઠળ પશુ, ડેરી અને મત્સ્ય વિજ્ઞાન યોજનાઓ માટે રૂ.૪૨૪ કરોડ ફાળવાયા છે. ગર્ભ પશુ સહાય માટે રૂ.૬૧ કરોડ, મોબાઈલ પશુ દવાખાનાં માટે રૂ.૫૬ કરોડ અને “મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના” માટે રૂ.૫૨ કરોડની જોગવાઈ છે. પશુ કલ્યાણ સમિતિઓને સહાય માટે રૂ.૩૪ કરોડ અને મોટા દુધાળાં ડેરી ફાર્મ માટે રૂ.૩૨ કરોડ ફાળવાયા છે.


મત્સ્યોદ્યોગ ક્ષેત્રે નોટિફાઈડ ૧૦૪ મત્સ્ય ઉતરાણ કેન્દ્રોના વિકાસ માટે રૂ.૩૬૧ કરોડ તથા માછીમારોને ડીઝલ પર વેટ રાહત માટે રૂ.૩૦૦ કરોડ ફાળવાયા છે. પ્રધાનમંત્રી મત્સ્યસંપદા યોજના હેઠળ રૂ.૧૨૮ કરોડની જોગવાઈ છે. ભાંભરાપાણી અને આંતરદેશીય મત્સ્યોદ્યોગ માટે અનુક્રમે રૂ.૧૧૫ કરોડ અને રૂ.૧૧૨ કરોડ ફાળવાયા છે. દરિયાઈ ક્ષેત્રે સાધન સહાય અને પાકિસ્તાનમાં બંધ માછીમારોને સહાય માટે રૂ.૧૦૭ કરોડ ફાળવાયા છે.


સમયસર ચુકવણી કરનાર કિસાન ક્રેડિટ કાર્ડ ધારકોને રૂ.૩ લાખ સુધી ઝીરો ટકા વ્યાજે પાક ધિરાણ આપવા રૂ.૧,૫૩૯ કરોડની જોગવાઈ છે. સહકારી ગોડાઉન નિર્માણ અને ‘સાકર’ યોજના હેઠળ વ્યાજ સહાય માટે પણ અલગથી ફાળવણી કરવામાં આવી છે.


આ બજેટ જોગવાઈઓ રાજ્યના કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોને વધુ મજબૂત બનાવશે અને ખેડૂતોની આવક વધારવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application