દુનિયાના સૌથી રહસ્યમય દેશ ગણાતા ઉત્તર કોરિયામાં તાજેતરમાં સર્વોચ્ચ ગૃહ (સુપ્રીમ પીપલ્સ એસેમ્બલી) માટે મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં સુપ્રીમ લીડર કિમ જોંગ ઉને 99.93% મતો સાથે ભવ્ય જીત મેળવી છે. ઉત્તર કોરિયાના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, દેશના લગભગ 99.1 ટકા લોકોએ આ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો.
કોલસાની ખાણમાં જઈને કિમે કર્યું મતદાન
આ ચૂંટણીની સૌથી ચર્ચાસ્પદ બાબત એ હતી કે ખુદ કિમ જોંગ ઉને એક કોલસાની ખાણમાં જઈને પોતાનો મત આપ્યો હતો. ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ આનો વીડિયો પણ જાહેર કર્યો છે. આગામી 5 વર્ષ માટે યોજાયેલી આ ચૂંટણીમાં વિપક્ષની કોઈ ભૂમિકા હોતી નથી. દેશના તમામ કાયદા અને નીતિઓ આ સર્વોચ્ચ ગૃહ દ્વારા જ બનાવવામાં આવે છે, જેના સર્વેસર્વા કિમ જોંગ ઉન પોતે છે.
અધિકાર નહીં પણ ફરજિયાત જવાબદારી
ઉત્તર કોરિયાના બંધારણ મુજબ 17 વર્ષથી વધુ ઉંમરના દરેક નાગરિકને વોટ આપવાનો અધિકાર છે, પરંતુ વાસ્તવમાં અહીં મતદાન કરવું ફરજિયાત છે. જો કોઈ નાગરિક મતદાન નથી કરતો, તો તેને 'રાજદ્રોહ' (Treason) સમાન ગણવામાં આવે છે અને તેને આકરી સજા થઈ શકે છે. ચીન અને રશિયામાં રહેતા ઉત્તર કોરિયાના નાગરિકોને પણ આ ચૂંટણીમાં વોટ આપવો પડે છે.
વારસામાં મળેલી સત્તા અને ક્રૂર શાસન
કિમ જોંગ ઉનને આ સત્તા તેમના પિતા પાસેથી વારસામાં મળી છે. તેઓ ઉત્તર કોરિયાની સેનાના પ્રમુખ પણ છે. ભલે ત્યાં 687 બેઠકો ધરાવતી પીપલ્સ એસેમ્બલી હોય, પરંતુ અંતિમ નિર્ણય હંમેશા કિમનો જ હોય છે. કિમ જોંગ ઉન પર પોતાના જ પરિવારના સભ્યો (કાકા અને ભાઈ) ની હત્યાના આરોપો છે, જે તેમની ક્રૂરતાની સાક્ષી પૂરે છે.
ચૂંટણી માત્ર એક દેખાવો?
રાજકીય વિશ્લેષકો માને છે કે આ ચૂંટણી માત્ર દુનિયાને બતાવવા માટેની એક ઔપચારિકતા છે. અહીં કોઈ ઉમેદવાર કિમની 'વર્કર્સ પાર્ટી' વિરુદ્ધ ઉભો રહી શકતો નથી. કોઈપણ વિરોધ વગરની આ જીત સાબિત કરે છે કે ઉત્તર કોરિયામાં કિમનો આદેશ એ જ આખરી કાયદો છે.
આ ચૂંટણી પરિણામો બાદ કિમ જોંગ ઉનની પકડ દેશ પર વધુ મજબૂત બની છે, જે વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને દક્ષિણ કોરિયા અને અમેરિકા માટે ચિંતાનો વિષય છે.