હાપા જીઆઇડીસીમાં 7 વર્ષની બાળાનું અપહરણ : ભારે ચકચાર

  • November 06, 2024 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસ ટુકડીઓમાં દોડધામ : આરોપી હાથવેતમાં : સધન તપાસમાં બાળાને શોધી કાઢી


જામનગર તાબેના હાપા જીઆઇડીસી, જલારામ મંદિર નજીકથી એક 7 વર્ષની બાળાનું કોઇ અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો હોવાની વિગતો સામે આવતા ભારે દોડધામ મચી ગઇ હતી, મામલો પોલીસ મથકે પહોચ્યો હતો અને જુદી જુદી ટુકડીઓ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તપાસના કેમેરા કેન્દ્રીત કરવામાં આવ્યા હતા, બીજી બાજુ પરિવાર ચિંતીત બન્યો હતો, પોલીસની સધન તપાસમાં આરોપીનુ પગે દબાવવામાં આવ્યું છે અને બાળાને શોધી કાઢવામાં આવી છે.


મુળ કલ્યાણપુર તાલુકાના પીંડારા ગામના વતની અને હાલ જામનગર તાલુકાના હાપા જીઆઇડીસી, જલારામ મંદિર પાસે રહેતા માલધારી પરિવારની 7 વર્ષની બાળકી ગઇકાલે અહીં જીઆઇડીસી વિસ્તાર ગૌશાળા પાસે હતી ત્યારે ભેદી રીતે ગાયબ થઇ ગઇ હતી, શોધખોળ કરવા છતા પતો લાગ્યો ન હતો આથી પરિવારજનો ચિંતીત બન્યા હતા અને આ બાબતે પોલીસનો સંપર્ક કર્યો હતો.


દરમ્યાન બાળકીના પિતા દ્વારા પંચકોશી-એમાં બ્લુ કલરની પેન્ટ, કાળા કલરનો શર્ટ પહેરેલ શ્યામવર્ણ અજાણ્યો શખ્સ બાળકીને કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઇ ગયાની ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ દ્વારા તાકીદે તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા હતા.


ગ્રામ્ય ડીવાયએસપી દેવધાના માર્ગદર્શન હેઠળ પંચકોશી-એના પીઆઇ એમ.એન. શેખ તથા સ્ટાફ દ્વારા પ્રાથમિક વર્ણનના આધારે આ દિશામાં તપાસ કેન્દ્રીત કરવામાં આવી હતી, ઉચ્ચ અધિકારીઓ સહિતના તપાસમાં જોડાયા હતા અને અલગ અલગ ટુકડીઓ બનાવી દોડતી કરવામાં આવી હતી.


પોલીસની પ્રાથમિક તપાસમાં કોઇ અજાણ્યો શખ્સ બાળાનું અપહરણ કરી ગયાનું સામે આવતા જુદા જુદા સીસી ફુટેજ પણ ચેક કરવામાં આવ્યા હતા, ગૌશાળા નજીકથી હાપા રેલ્વે સ્ટેશન અને ત્યાથી જામનગર વાયા દરેડ સહિતના વિસ્તારો પોલીસ દ્વારા ચેક કરાયા હતા, અમુક સીસી ફુટેજની ચકાસણી કરવામાં આવી હતી, દરમ્યાન છેલ્લુ લોકેશન ગાંધીનગર રેલ્વે સ્ટેશનનું ઘ્યાન પર આવતા રેલ્વે પોલીસની પણ મદદ લેવામાં આવી હતી, દરમ્યાન બાળાને શોધી કાઢવામાં આવી છે. અને આરોપી હાથ વેતમાં હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. બાળાનો પત્તો મળતા પરિવારે રાહતની લાગણી અનુભવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application