પોરબંદરના અપહૃત યુવાનની મોઝામ્બિકમાં થઈ હત્યા

  • March 24, 2025 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ત્રીજી માર્ચે પોરબંદરના યુવાનનું મોઝામ્બિકમાં અંધાધુંધ ગોળીબાર કરીને અપહરણ થયું હતું તેનો મૃતદેહ મળી આવ્યો છે તેની હત્યા થયાનું બહાર આવ્યું છે અને લાશને પોરબંદર લાવવામાં આવતા અંતિમ વિધિની કાર્યવાહી થઈ હતી મોઝામ્બિક મીડિયા પાસેથી એવી માહિતી પ્રાપ્ત થઈ છે કે સાત ઈસમોને પકડી લેવામાં આવ્યા છે જેમાં બે પોલીસ એજન્ટનો પણ સમાવેશ થાય છે.
મોઝામ્બિક રહેતા મૂળ પોરબંદરના યુવાન વિનય સોહનભાઇ સોનેજીનું મોઝામ્બિકમાં સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા ફાયરીંગ કરી અપહરણ બાદ હત્યા થઈ હોવાની દુ:ખદ ઘટના સામે આવી હતી. ત્યારે વિદેશ મંત્રાલયની મદદથી યુવાનના મૃતદેશને પોરબંદર સ્થિત ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લવાતા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી.
મૂળ પોરબંદરના ૩૬ વર્ષીય વિનય સોહનભાઇ સોનેજી મોઝામ્બિકના માપુટો ખાતે રહેતા હતા અને છેલ્લા ૧૬ વર્ષ થી ત્યાં જનરલ સ્ટોર ચલાવતા હતા. ગત ૩ માર્ચના રાત્રીના ૮:૧૦ વાગ્યે તેઓ પોતાની ગેના ગેના નામનો આ સ્ટોર વધાવીને ગુજરાતી સ્ટાફના બે માણસો અને એક ગાર્ડ સાથે પોતાની ગાડી લેવા રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે અચાનક જ એક કારમાં કેટલાક શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને કારમાંથી બે શખ્શો હથિયાર સાથે ઉતર્યા હતા અને વિનયભાઈની પાછળ દોડીને અંધાધૂંધ ફાયરીંગ કરી અપહરણ કર્યુ હતું. 
આ યુવાન વિનય સોહનભાઇ સોનેજી બચાવવા માટે સાંસદ સભ્ય ડો. મનસુખભાઈ માંડવીયા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ વિદેશ મંત્રી એસ. જયશંકર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લેખીતમાં રજુઆત કરી હતી. આ મામલે વિદેશ અને ગૃહમંત્રાલય દ્વારા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને સતત પત્ર દ્વારા માહિતી આપવામાં આવી રહી હતી. છેલ્લો પત્ર મળ્યો હતો તે મુજબ અપહરણ કરનાર શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી હતી. 
જો કે આ દરમિયાન તેમના અન્ય સાથીઓએ વિનયની હત્યા કરી હોવાની દુ:ખદ ઘટના સામે આવી હતી. જેના પગલે વિદેશ મંત્રાલયે વ્યવસ્થા કરી આપતા યુવાનનો મૃતદેહ પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર સ્થિત ભાવસિંહજી હોસ્પિટલ ખાતે વિનયના પરિવારજનો સાથે મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી.
મળતી માહિતી પ્રમાણે મોઝામ્બિક અને અન્ય આફ્રિકી દેશોમાં પૈસા માટે થઈને વેપારીઓનું અપહરણ કરતા હોય છે અને ખંડણી લઈને તેમને મુક્ત કરી દેતા હોય છે. પરંતુ આ યુવાનનું અપહરણ કરનાર લોકો હતા એ સ્થાનિક તત્વો હતા અને એક સ્થાનિક પોલીસ અધિકારી પણ તેમની સાથે ભળેલ હતો. જેના કારણે આ મુદ્દે સમાધાન થાય તે પહેલા જ યુવાનની હત્યા કરવામાં આવી હતી.
મોઝામ્બિકથી પ્રાપ્ત થઈ વિગત 
આ મુદ્દે મોઝામ્બિક મીડિયા પાસેથી અને પોલીસ પાસેથી કેટલી ચોંકાવનારી વિગતો સામે આવી છે જેમાં એવું જાણવા મળ્યું છે કે પોલીસ કર્મચારીઓ પણ આ અપહરણ અને હત્યામાં સંડોવાયેલા હતા. ત્યારે મોઝામ્બિક મીડિયા પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મોઝામ્બિકન પોલીસે બુધવારે દક્ષિણ શહેર ચોકવેમાં ભારતીય નાગરિકતાના ઉદ્યોગપતિના અપહરણ અને હત્યાના સંબંધમાં સાત લોકોની ધરપકડની જાહેરાત કરી. સ્વતંત્ર ટેલિવિઝન સ્ટેશન દ્વારા આપવામાં આવેલા ઇન્ટરવ્યુમાં, ગાઝા પ્રાંતમાં રાષ્ટ્રીય ગુનાહિત તપાસ સેવા (સેર્નિક) ના પ્રવક્તા, ઝાક્યુ મુકામ્બેએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા બે લોકો ગુઇજા જિલ્લામાં તૈનાત પોલીસ દળના સભ્યો છે.
૩ માર્ચના રોજ ચોકવેના એડ્યુઆર્ડો મોન્ડલેન એવન્યુ પર ચાર સશસ્ત્ર માણસો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.તે સમયે, ગાઝા પોલીસ કમાન્ડમાં જનસંપર્કના વડા, કાર્લોસ મેકુઆકુઆએ પત્રકારોને જણાવ્યું હતું કે અપહરણકારોએ તેમના પીડિતને તેની દુકાન બંધ કર્યા પછી જ પકડી લીધો હતો. તેઓએ હવામાં ગોળીબાર કર્યો અને પછી દુકાનદારને પોતાની કારમાં ખેંચી ગયા.
મુકામ્બેએ પત્રકારોને જણાવ્યું હતું કે અપહરણકારોએ પીડિત પરિવાર પાસેથી બે મિલિયન મેટિકાઈસ (વર્તમાન વિનિમય દરે આશરે ૩૧,૦૦૦ યુ.એસ ડોલર) ની ખંડણી માંગી હતી. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે કોઈ પૈસા ચૂકવવામાં આવ્યા હતા કે નહીં. ચોક્કસ વાત એ છે કે ખંડણી માંગ્યાના થોડા સમય પછી, ટોળકીએ તેમના પીડિતની હત્યા કરી દીધી. તેમનો મૃતદેહ ગુઇજાના ચિવોંગોએન વિસ્તારમાં એક છીછરી કબરમાંથી મળી આવ્યો હતો.
મુકામ્બેએ જણાવ્યું હતું કે રવિવારે ત્રણ અપહરણકારોને તેમના ઘરેથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેઓ તેમને ચિવોંગોનીના તે ઘર તરફ દોરી ગયા જ્યાં તેઓએ દુકાનદારને બંધક બનાવ્યો હતો અને તે કબર તરફ જ્યાં તેઓએ તેનો મૃતદેહ ફેંકી દીધો હતો.સંબંધીઓએ મૃતદેહને ઓળખી કાઢ્યો છે, અને મૃત્યુનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે ફોરેન્સિક ટીમ તેનું નિરીક્ષણ કરી રહી છે.
પોલીસ તપાસમાં કુલ સાત શંકાસ્પદોની અટકાયત કરવામાં આવી, જેમાં બે ગુઇજા પોલીસ એજન્ટોનો પણ સમાવેશ થાય છે. અટકાયત કરાયેલા અન્ય લોકોમાં ઉદ્યોગપતિઓ, મિકેનિકો અને ટ્રાન્સપોર્ટ ઓપરેટરોનો સમાવેશ થાય છે. બે પોલીસ એજન્ટોને અપહરણ ગેંગમાં જોડાવા પાછળના હેતુઓ વિશે પૂછવામાં આવતા, મુકામ્બેએ કહ્યું કે તેઓ અમાપ મહત્વાકાંક્ષા દ્વારા પ્રેરિત હતા.
૩૨ થી ૪૫ વર્ષની વયના તમામ શંકાસ્પદોએ અપહરણમાં કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો હતો. એકે કહ્યું, હું ચોકવે બજારમાં ફ્લિપ-ફ્લોપ વેચું છું. તેઓ મારા પર જે ગુનાઓનો આરોપ લગાવે છે તેના વિશે મને કંઈ ખબર નથી.બીજા એક વ્યક્તિએ દાવો કર્યો કે તેની અટકાયત કરવામાં આવી હતી કારણ કે તેનો સેલ ફોન ચોરાઈ ગયો હતો અને તેનો ઉપયોગ ગુનામાં થયો હતો. હું બીજા કંઈપણ વિશે વાત કરી શકતો નથી.
પત્રકારોએ અટકાયત કરાયેલા એક પોલીસકર્મી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે કોઈપણ પ્રશ્ર્નનો જવાબ આપવાનો ઇનકાર કર્યો.સેર્નિક કહે છે કે તેણે શંકાસ્પદો પાસેથી હથિયારો, બનાવટી દસ્તાવેજો અને અપહરણમાં વપરાયેલા બે વાહનો જપ્ત કર્યા છે.
પોરબંદર ખાતે અંતિમવિધિ 
પ્રારંભિક તબક્કે મૃતદેહને પોરબંદર લવયા બાદ તેના પરિવારજનોએ એવું જણાવ્યું હતું કે રી- પોસ્ટ મોર્ટમ થવું જોઈએ. પરંતુ એ પ્રકારની વિધિ શક્ય નહીં હોવાથી ભાવસિંહજી હોસ્પિટલ ખાતેથી મૃતદેહ ને લઈ જવાયો હતો અને અંતિમવિધિની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application