BREAKING NEWS

સૌરાષ્ટ્રના લોકોને મુંબઈ, દિલ્હી કે અમદાવાદ ધક્કો નહીં થાય...ખોડલધામ બનાવશે 220 બેડની કેન્સર હોસ્પિટલ, આવી વર્લ્ડક્લાસ સુવિધાઓ મળશે

  • December 21, 2025 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ નજીક આવેલા અમરેલી ગામ પાસે અદ્યતન સુવિધાસભર ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનો ફાઈનલ માસ્ટર પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલ, ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડોક્ટર પદ્મશ્રી ડો. રાજેન્દ્ર અચ્યુત બડવેની ઉપસ્થિતિમાં હોસ્પિટલની ડિઝાઈન, ઈન્ટિરિયર, સંપૂર્ણ પ્લાન અને સુવિધાઓ અંગેના લે-આઉટ પ્લાનનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.


તમામ નિદાન, સારવાર અને સુવિધાઓ એક જ સ્થળે 

આ હોસ્પિટલનું નિર્માણ ટાટા મેમોરિયલ ટ્રસ્ટના પદ્મશ્રી ડો. રાજેન્દ્ર બડવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. કુલ 43 એકર જમીન પૈકી 33 એકર જમીન પર પ્રથમ ફેઝમાં 220 બેડની અદ્યતન હોસ્પિટલનું નિર્માણ થશે. અહીં કેન્સર સંબંધિત તમામ નિદાન, સારવાર અને અનુસંધાન સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે.


ટોકન દરે સારવાર ઉપલબ્ધ થશે

ખાસ કરીને સૌરાષ્ટ્રભરના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થશે. ગરીબ દર્દીઓને તમામ જરૂરી સુવિધાઓ વિનામૂલ્યે અથવા ટોકન દરે ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા રહેશે. તો સાથે જ, દર્દીઓને મુંબઈ, દિલ્હી, અમદાવાદ, ચેન્નાઇ જેવા મહાનગરોમાં જવાની જરૂર ન રહે તે માટે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવામાં આવશે.


ઊંડાણ પૂર્વક મનોમંથન કરીને માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો

કેન્સર હોસ્પિટલના પ્રેઝન્ટેશન કાર્યક્રમ દરમિયાન શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે મહત્વનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બાબતેનો માસ્ટર પ્લાન તૈયાર થઈ જતા ઉદ્યોગપતિઓની હાજરીમાં તે બાબતેની માહિતી આપવામાં આવી હતી. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કેન્સર હોસ્પિટલ નહીં નફો નહીં નુકસાનના સિદ્ધાંત સાથે કામ કરવા જઈ રહી છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કેન્સર હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ થાય તે પૂર્વે જ મારા દ્વારા 27 જેટલી કેન્સર હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ દરેક હોસ્પિટલમાં જે જે ખાસિયતો હોય તે તમામ ખાસિયતો (સુવિધાઓ) એક જ આંગણે કઈ રીતે આપી શકાય તે અંગે ઊંડાણ પૂર્વક મનોમંથન કરીને માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.


કેન્સર રિલેટેડ રિસર્ચ પણ કરી શકાશે

વધુમાં જણાવ્યું હતું કે, અહીંયા આવનારા દર્દીનારાયણને કેન્સરની બીમારીના ઇલાજ માટે અન્યત્ર કોઈ જગ્યાએ કન્સલ્ટિંગ, ટ્રીટમેન્ટ તેમજ રિપોર્ટ અર્થે બહાર ન જવું પડે તે માટે
વિદેશોમાં મેન્યુફેક્ચરિંગ થતી હોઈ તે પ્રકારની મોંઘીદાટ અને બીમારીના ઇલાજ માટે આવશ્યક એવી લાખો, કરોડો રૂપિયાની કિંમતી મશીનરી અહીંયા સારવાર માટે વિદેશોમાંથી ઈમ્પોર્ટ કરીને ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેન્સરની બીમારીના ઇલાજ માટે હાલ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કેટલીક હોસ્પિટલ સરકારી, ચેરીટી સંસ્થાઓ સાથે જોડાયેલ તેમજ પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા કેન્સરની સારવાર કરવામાં આવે છે. પરંતુ કેટલીક જગ્યાએ કેન્સરની બીમારીનું વન સ્ટોપ સોલ્યુશન એટલે કે એક જ છત નીચે તમામ સ્વાસ્થ્યલક્ષી સુવિધા નથી મળી રહી, તો કેટલીક જગ્યાએ સારવાર પ્રમાણમાં ખૂબ જ ખર્ચાળ છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સમાજના અઢારેય વરણની ચિંતા અર્થે આગામી સમયમાં દર્દીનારાયણની સેવા કાજે કેન્સર હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છીએ. જ્યાં ન માત્ર કેન્સરના દર્દીઓનો ઇલાજ થશે તેની સાથો સાથ કેન્સર રિલેટેડ રિસર્ચ પણ કરી શકાશે. હોસ્પિટલ ખાતે તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ દર્દીની સાથે આવેલા પરિવારજનોને પણ રહેવા તેમજ જમવા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેન્સર હોસ્પિટલ ખાતે એજ્યુકેશન હેતુ માટે ઓડીટોરીયમ તેમજ મેડીટેશન હોલ પણ બનાવવામાં આવશે. કેન્સરના દર્દીઓ માટે દવાની સાથો સાથ મેડિટેશન પણ ખૂબ જ આવશ્યક છે.

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં એક લાખે 70 વ્યક્તિને કેન્સર

પદ્મશ્રી ડો. રાજેન્દ્ર બડવેએ જણાવ્યું હતું કે, ભારતભરમાં સૌથી વધુ કેન્સરના કેસ નોર્થ ઈસ્ટમાં જોવા મળે છે. જ્યારે કે, રાજકોટ અને સૌરાષ્ટ્રના કેન્સરના દર્દીઓના આંકડાઓની વાત કરીએ તો 1 લાખની વસ્તીમાં 60 થી 70 જેટલા વ્યક્તિઓમાં કેન્સરની બીમારી જોવા મળતી હોય છે. જ્યારે કે, પશ્ચિમી દેશો એટલે કે, અમેરિકા અને ઈંગ્લેન્ડ જેવા દેશોમાં પ્રતિ લાખ વ્યક્તિએ 360 જેટલા દર્દીઓ કેન્સરના મળી આવે છે. ત્યારે આગામી સમયમાં ખોડલધામ દ્વારા બનાવવાના આવનાર કેન્સર હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર પદ્ધતિ, આધુનિક ટેકનોલોજી અને દર્દી કેન્દ્રિત અભિગમ અપનાવવામાં આવશે, જેથી અહીં આવનારા દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી શકે. ખોડલધામ દ્વારા નિર્માણ પામતી કેન્સર હોસ્પિટલ રાજકોટ-સૌરાષ્ટ્રના આરોગ્ય ક્ષેત્રે એક ઐતિહાસિક પગલું સાબિત થશે.


ટાટા ગ્રુપની 10 જેટલી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી

ઉલ્લેખનીય છે કે, ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જેમના માર્ગદર્શનમાં બનાવવામાં આવી રહી છે તેવા પદ્મશ્રી ડોક્ટર રાજેન્દ્ર બડવે દ્વારા અત્યાર સુધીમાં ટાટા ગ્રુપની 10 જેટલી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. તેમજ દેશના વડાપ્રધાન અને વારાણસીથી સાંસદ નરેન્દ્ર મોદીના મતવિસ્તારમાં પણ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સમાન હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application