ખંભાળિયાની ગૌરવંતી આંબાવાડી કલાવૃંદની ઉત્કૃષ્ટ કલાને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરાશે

  • September 15, 2023 11:36 AM 

શનિવારે દિલ્હી ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે ભવ્ય સન્માન


ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાંથી શરૂ થયેલી નાની એવી સાંસ્કૃતિક કલા આંબાવાડી કલાવૃંદનું નામ હવે વિશ્વ ફલક પર ઉપસી રહ્યું છે. ત્યારે આ ઇન્ટરનેશનલ આંબાવાડી કલાવૃંદની કેન્દ્ર સરકારે પણ નોંધ લઇ, અને આગામી શનિવાર તારીખ 16 ના રોજ આ કલાવૃંદના વયોવૃદ્ધ અને પીઢ મુખ્ય સંચાલક ડાયાભાઈ નકુમને સંગીત નાટક અકાદમી અમૃત પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવનાર છે.


અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયાના આંબાવાડી કલાવૃંદમાં બાળાઓ, મહિલાઓ દ્વારા 52 બેડાના રાસ તેમજ માથા પર મોટી સંખ્યામાં દીવડાઓ સાથેની વજનદાર મહાઆરતી સહિતના પ્રાચીન ગરબા તેમજ ઉત્કૃષ્ટ કલા માટે ફક્ત ગુજરાત રાજ્ય જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં અને વિદેશમાં પણ સુવિખ્યાત છે.


હાલ 80 વર્ષના અને નિષ્ઠાવાન સંચાલક એવા ડાયાભાઈ નકુમ દ્વારા છેલ્લા આશરે 45 વર્ષથી આ આંબાવાડી કલાવૃંદની બાળાઓ સાથેની આરતી તથા ગરબીનું સફળ અને નિષ્કલંક રીતે સંચાલન કરવામાં આવે છે. ઇન્ટરનેશનલ આંબાવાડી કલાવૃંદને સરકાર દ્વારા અગાઉ સન્માન પ્રાપ્ત થયું છે. અગાઉ તેઓએ ચાર રાષ્ટ્રપતિ તેમજ ચાર વડાપ્રધાન ઉપરાંત મુખ્યમંત્રી અને રાજ્યપાલ સમક્ષ વિવિધ કૃતિઓ રજૂ કરી અને નોંધપાત્ર નામના મેળવી છે.


બાવન બેડા સાથેના રાસ તેમજ મોટી સંખ્યામાં દીવડાઓને માથા પર રાખી અને કરવામાં આવતી સ્તુતિ તેમજ ગરબી કે જેમાં લોકકલા સાથે ભારતીય સંસ્કૃતિના દર્શન થાય છે, આ કૃતિ દ્વારા છેલ્લા આશરે સાડા ચાર દાયકાથી અહીંના વયોવૃદ્ધ એવા ડાયાભાઈ નકુમના કાર્યક્રમોની સમગ્ર રાષ્ટ્ર કક્ષાએ નોંધ લેવામાં આવી છે.


દેશના રાષ્ટ્રપતિના વડપણ પણ હેઠળ બનાવવામાં આવેલી ખાસ કમિટી તેમજ સંગીત નાટક અકાદમીની જનરલ કાઉન્સિલ - નવી દિલ્હી દ્વારા ખંભાળિયાના આંબાવાડી કલાવૃંદની પસંદગી અમૃત પુરસ્કાર માટે કરવામાં આવી છે. જે બદલ આગામી શનિવાર તારીખ 16 સપ્ટેમ્બરના રોજ ડાયાભાઈ નકુમનું દિલ્હી ખાતે ખાસ સન્માન કરવામાં આવશે.


સમગ્ર રાજ્ય તથા દેશમાં આ પ્રકારની કલાકૃતિ રજૂ કરવા સબબ જુજ સંખ્યામાં એવોર્ડ તથા ખાસ સન્માન કરાયા છે, ત્યારે લોકકલાને જીવંત રાખનારા તેમજ બહેનોમાં સંસ્કાર, સંસ્કૃતિ અને પ્રમાણિકતાનું સિંચન કરનારા ડાયાભાઈ નકુમને આગામી તારીખ 16 ના રોજ દિલ્હી ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંભવિત રીતે ઉપરાષ્ટ્રપતિ દ્વારા ખાસ સન્માન પ્રાપ્ત થશે. આ પછી આગામી તારીખ 18 મીના રોજ ખંભાળિયા પરત ફરતા ડાયાભાઈ નકુમનું શહેરમાં નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન પણ કરવાનું આયોજન થઈ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application