દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા વર્ષ ૨૦૧૧માં ખંભાળિયા વિકાસ વિસ્તાર સત્તામંડળ (ખાડા)ની રચના કરવામાં આવી હતી. ખંભાળિયાના સુનિયોજિત વિકાસ અર્થે આગામી ૨૧ વર્ષના રોડમેપ સાથે ખંભાળિયા વિસ્તાર વિકાસ સત્તામંડળ સમાવિષ્ટ વિસ્તારનો સૂચિત ડેવલોપમેન્ટ પ્લાન ૨૦૪૭ પ્રસિદ્ધ કરાયો છે.
આ અંગેની વિગતો આપતા અહીંના જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ જણાવ્યું કે, ખંભાળિયા વિસ્તાર વિકાસ સત્તામંડળમાં કુલ ૮ ગામો સમાવેશ થાય છે. જેમાં ખંભાળિયા, હર્ષદપુર, ધરમપુર, રામનગર, શક્તિનગર, હરીપર, કંચનપુર તથા દાંતા ગામોનો સમાવેશ થાય છે. જેનો કુલ વિસ્તાર ૧૩,૬૨૫ હેક્ટર છે. જેમાં અલગ અલગ ઝોન સૂચિત કરવામાં આવ્યા છે. ડેવલોપમેન્ટ પ્લાનમાં અંદાજિત ૨૨ કિમી લંબાઈનો ૪૫ મીટર પહોળો રીંગ રોડ તેમજ અન્ય વિસ્તારો સાથે જોડાણ માટે ૧૮, ૩૦ અને ૪૫ મીટર પહોળાઈના કુલ ૧૨૨ કિમી જેટલા રસ્તાઓ સૂચિત કરવામાં આવ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે નાગરિકોની સુખાકારી અને ઉત્તમ જીવનધોરણ માટે વોટર બોડી નજીકથી રીક્રિએશન ઝોન પણ સૂચવવામાં આવ્યો છે. તદુપરાંત, ઔદ્યોગિક વિકાસને પરિણામે મહત્તમ રોજગારી તકોનું નિર્માણ થાય તે માટે નેશનલ હાઇવે કંચનપુર તથા હરીપર વિસ્તારમાં ૩૨૨ હેક્ટર જેટલી જમીનમાં ઔદ્યોગિક ઝોન સૂચિત કરવામાં આવ્યો છે. તેમજ કાયદાની જોગવાઈઓ મુજબ નાગરિકો પાસેથી વાંધા સૂચનો પણ મંગાવવામાં આવશે તથા સરકારશ્રીના ગેઝેટમાં તા.૨૭/૦૧/૨૦૨૬ના પ્રસિદ્ધ થયાના બે માસમાં કોઈપણ નાગરિક ખાડાની કચેરીમાં લેખિતમાં ચાર નકલમાં તેમની રજૂઆત કરી શકશે. જે સમયમર્યાદામાં મોકલવાના રહેશે.
આ ઉપરાંત, ડેવલોપમેન્ટ પ્લાન ૨૦૪૭નો નકશો ખાડાની કચેરીમાં કચેરી સમય દરમ્યાન જોઈ શકાશે. આમ, ખંભાળિયા વિસ્તાર વિકાસ સત્તામંડળનો ડેવલોપમેન્ટ પ્લાન ૨૦૪૭ વિકાસના નવા આયામો સિદ્ધ કરશે અને શહેરીકરણની દિશાને વેગ આપશે તથા ઘણા લાંબા સમયથી નાગરિકોને પડતી નાના મોટા બાંધકામના મંજૂરીના પ્રશ્નો નિરાકરણ થશે અને કાયદાની જોગવાઈ અધીન શરતી પરવાનગી મળશે તથા ઇમ્પેક્ટની લાંબા સમયથી પડતર રજૂઆતોનું ઝડપથી નિરાકરણ આવશે તેમ જ અસુવિધાઓ તથા તકલીફો દૂર થશે અને ઇઝ ઓફ લિવિંગમાં વધારો થશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.