ખંભાળિયા: કોરોના સામે બાથ ભીડવા સેવા સંસ્થા દ્વારા આવકારદાયક સેવા પ્રવૃતિ

  • May 10, 2021 10:27 AM 

કોરોના દર્દીઓની વિનામૂલ્યે નિદાન તથા સારવાર કરાઈ: ઈમ્યુનિટી બુસ્ટર દવાનું વિતરણ કરાયું

ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હાલ ભયજનક સપાટી સુધી પહોંચી ગયું છે ત્યારે, આ કોરોના મહામારીમાં જયારે લોકોને તબીબી માર્ગદર્શન મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, ત્યારે ખંભાલીયાના સેવાભાવી ડો. નીલેશભાઈ રાયઠઠ્ઠાના માર્ગદર્શન હેઠળ જરૂરીયાતમંદ લોકો માટે નિઃશુલ્ક કોવિડ-19 માટે ઓ.પી.ડી.નું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંતર્ગત ડો. રાયઠઠ્ઠાએ દર્દીઓની સમસ્યા જાણીને યોગ્ય સલાહ સૂચનો આપીને સરાહનીય સેવા બજાવી હતી. આ ઉપરાંત દરેક દર્દીનુ ડાયાબિટીસ પણ ચેક કરીને જરૂરી જણાયું ત્યાં કાળજી રાખવા અંગેની જરૂરી સલાહ પણ આપવામા આવી હતી. આ સાથે ઇમ્યુનિટી બુસ્ટરની દવાઓનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતું.

કોરોના સહિતનો આ નિદાન- સારવાર કેમ્પ ગઈકાલે રવિવારે રાત્રે શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજનવાડી ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં દર્દીઓ એ લાભ લીધો હતો.

આ ઉપરાંત હાલની પરિસ્થિતિમાં સર્વત્ર રક્તની જરૂરિયાત હોય, ઉપરાંત થેલેસેમીયાના દર્દીઓને સમયાંતરે લોહી આપવાનું અનિવાર્ય હોવાથી આ બાબતને ધ્યાને લઇ, રક્તદાન કેમ્પનું પણ આ સ્થળે આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પને સફળ બનાવવા લોહાણા મહાજન ટ્રસ્ટના સહકાર સહિત ડો. નિલેશભાઈ રાયઠઠાની આ નિસ્વાર્થ સેવા આવકાર દાયક બની રહી છે. 

આ સમગ્ર આયોજન માટે અહીંના શ્રી જલારામ અન્નપુર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટ સાથે યુ.કે. ના હોમ કેર યોજનાના દાતાઓ તરફથી દર્દીઓ માટે ઈમ્યુનીટી બુસ્ટર માટેની દવાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ડો. જે.એમ. રાયઠઠા પરીવાર તરફથી કોરોનાના આ માહોલમાં ખોટી ગેરસમજ ન રાખી ને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે માટેની પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ને સફળ બનાવવા લોહાણા મહાજન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, કાનાણી- લોહાણા પરિવાર ટ્રસ્ટ તેમજ શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.

આ કેમ્પના પ્રોજેક્ટ કો- ઓર્ડીનેટર તરીકે નિખિલભાઈ કાનાણી તેમજ સચિનભાઈ કાનાણી અને નિશિલભાઈ કાનાણીએ સુંદર આયોજન કર્યું હતું. સંકટના આ સમયે આગામી દિવસોમાં ગરીબો માટે તેમજ ઝૂંપડપટ્ટીઓમાં રહેતા પરિવારો માટે પણ ઈમ્યુનિટી બુસ્ટરની દવાઓનું વિતરણ કરવાનું પણ આયોજન થઈ રહ્યુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS