ખંભાળિયા: 108 ના સ્ટાફની સતર્કતાથી મોટા આંબલા ગામની પરિણીતા અને બાળકને મળ્યું નવજીવન

  • June 24, 2021 11:15 AM 

સાડા સાત મહિને અવતરેલા દોઢ કિલોના બાળકની વિકટ પ્રસુતિ સફળતાપૂર્વક કરાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના કાળ સહીત ઈમરજન્સી સારવાર માટે 108ની સેવા કાબિલેદાદ બની રહી છે. તેનું વધુ એક ઉદાહરણ ગઈકાલે ખંભાળિયા તાલુકાના મોટા આંબલા ગામે સામે આવ્યું છે.

ખંભાળિયા તાલુકાના મોટા આંબલા ગામે રહેતા ફિરોઝાબેન હાલાણી નામના 24 વર્ષના એક સગર્ભા મહિલાને ગઈકાલે બુધવારે બપોરના સમયે પ્રસૂતિની પીડા ઉપડતાં તેમના પરિવારજનો દ્વારા ઈમરજન્સી 108 વિભાગને ફોન કરવામાં આવ્યો હતો. જેથી ખંભાળિયા- જામનગર હાઈવે પર જાખર નજીક ફરજમાં રહેલા ઈમર્જન્સી 108 સ્ટાફ દ્વારા આ પરિસ્થિતિ હાથમાં લઇ, અને ઈ.એમ.ટી. મનીષ પરમાર અને પાયલોટ મિલન કેશવાલા તાકીદે મોટા આંબલા ખાતે સગર્ભાના ઘરે પહોંચી ગયા હતા.

અહીં પહોંચતા પ્રથમ વખત સગર્ભા બનેલા આ મહિલાની તપાસ દરમિયાન આશરે સાડા સાત માસ જેટલા અધૂરા સમયનો પ્રસુતિકાળ ધરાવતા મહીલાને પ્રસુતીની પીડા વધતા તેણીના ઘરે જ ડીલીવરી કરાવવી પડે તેવી પરિસ્થિતિ જોવા મળી હતી.

જેથી 108ના સ્ટાફ દ્વારા સ્થળ પર જ મહિલાની પ્રસુતિ કરતા અવતરેલા માત્ર દોઢ કિલો જેટલું વજન ધરાવતા બાળકના ગળામાં ગર્ભનાળ વિંટાઈ ગયેલી હોવાથી આ માસૂમ બાળક ગંભીર હાલતમાં હતું અને આ બાળકના હૃદયના ધબકારા પણ નહિવત થઈ ગયા હતા. જેથી માસૂમ બાળકનુ શરીર પણ ઠંડુ પડી ગયું હતું.

ગંભીર હાલતમાં અવતરેલા, અધૂરા માસના અને ઓછું વજન ધરાવતા આ બાળક અંગે ઈ.એમ.ટી. સ્ટાફના મનીષભાઈ પરમારે તાકીદની સારવાર આપી, સીપીઆર પદ્ધતિ સાથે કૃત્રિમ શ્વાસ આપતાં બાળકના શ્વાસોશ્વાસ શરૂ થયા હતા. અને આ માસૂમ બાળકને જાણે નવજીવન મળ્યું હતું.

માતા-પુત્રને પ્રસુતિ બાદ પ્રાથમિક સારવાર આપી આ બંનેને તાકીદે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓને વધુ સારવાર માટે હાલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

આમ, અધૂરા માસની પ્રસૂતિ અંગેના પડકારરૂપ કેસમાં તાકીદની અને નોંધપાત્ર સારવાર બાદ માતા-પુત્રને આપવામાં આવેલા નવજીવન બદલ સ્ટાફની આ કામગીરીને પ્રોગ્રામ મેનેજર સહિતના અધિકારીઓએ બિરદાવી, સગર્ભાના પરિવારજનોએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS