અક્ષય તૃતીયાથી અષાઢી બીજ સુધી શ્રીજીને ઠંડક અર્પણ કરાશે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધીશ જગત મંદિરમાં ભગવાનને અક્ષય તૃતીય થી અષાઢી બીજ સુધી સતત બે મહિના ઠંડક અર્પણ કરવામાં આવશે જે અંતર્ગત વિશિષ્ટ પુષ્પ શૃંગાર દર્શન પ્રારંભ થયો છે.દ્વારકાધીશ જગતમંદિરમાં દ્વારકાધીશ ભગવાનને ઋતુ અનુસાર શૃંગાર, ભોગ ઈત્યાદિ અર્પણ કરવામાં આવે છે.
ગ્રીષ્મ ઋતુના પ્રારંભે અક્ષય તૃતીયાથી અષાઢી બીજ સુધી સતત બે માસ સુધી ઠાકોરજીને ઠંડક અર્પણ કરવાના ભાવ સાથે વિશિષ્ટ પુષ્પ શૃંગાર દર્શનનો ગઈકાલ થી પ્રારંભથતાં સાંજના ભાગે ઠાકોરજીને ઠંડક આપતાં મનમોહક કુલો તેમજ કળીઓના વિશિષ્ટ શૃંગાર મનોરથ યોજવામાં આવ્યા છે.
ગઈકાલથી સતત બે માસ સુધી ઠાકોરજીને સાંજના સમયે પુષ્પશૃંગાર યોજાશે. આ ઉપરાંત ગ્રીષ્મકાળ દરમ્યાન ઠાકોરજીને ઋતુ અનુસાર ઠંકક આપતાં ભોગ ઇત્યાદિ પણ અર્પણ કરવામાં આવે છે.
દ્વારકાધીશ જગતમંદિરમાં ગઈકાલે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. કાળિયા ઠાકરને અદભુત ફૂલ શૃંગાર અર્પણ કરવામાં આવ્યો છે. શૃંગારમાં ગુલાબ, મોગરા, કાલેંકદા અને ગુલમહોર જેવા સુગંધિત પુષ્પોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સાંજના ઉત્થાપન દર્શન સમયે શ્રીજીના ભક્ત પરિવાર દ્વારા આંબા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. વારાદાર પુજારીના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો. ઉનાળાની મોસમમાં આંબા ભરેલી કલાત્મક સુંડલીઓને ગુલાબની પાંખડીઓથી સજાવવામાં આવી છે.
ગ્રીષ્મ ઋતુમાં શ્રીજીને પુષ્પકલિઓનો દિવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો. આંબા મનોરથ નિમિત્તે શ્રીજીની વિશેષ આરતી યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભાવિકોએ મંદિરમાં હાજરી આપી હતી તથા ઓનલાઈન માધ્યમો દ્વારા લાખો કૃષ્ણભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.
જગતમંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. ભક્તોના હૃદયમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. આ શૃંગાર અને ભોગથી ભગવાનની લીલાઓનું સ્મરણ થાય છે, ભક્તોને આત્મિક આનંદની અનુભૂતિ થાય છે.