પ્રખ્યાત શિલ્પકાર જ્યોત્સનાબેન ભટ્ટ (શ્રોફ) નું નિધન : કલાજગતને મોટી ખોટ

  • July 11, 2020 07:01 PM 464 views


​આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવનાર પ્રસિધ્ધ શિલ્પી સુ.શ્રી.જ્યોત્સનાબેન ભટ્ટનું વડોદરા ખાતે બ્રેઈન સ્ટ્રોકના કારણે નિધન થયું છે. જ્યોત્સનાબેન ભટ્ટે છેલ્લા ૫૦ વર્ષથી શિલ્પકાર તરીકે ગુજરાતને અનેક સ્તરે ખ્યાતિ અપાવવાનું કાર્ય કર્યું છે.

 

માંડવીમાં જન્મેલા જ્યોત્સનાબેને ગુજરાતની પ્રસિધ્ધ એવી M.S યુનિવર્સિટીમાંથી  પ્રસિધ્ધ શિલ્પી અને પ્રાધ્યાપક તેવા પ્રો.શંખો ચોધરીજી પાસેથી શિલ્પકળાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. જ્યોત્સનાબેન વિશ્વના પ્રસિધ્ધ શિલ્પકારો જેવા કે શ્રી. બેસાબ બરુઆ અને પ્રો. જોલયન હોફસ્ટેડ(બ્રોક્લીન મ્યુઝિયમ આર્ટ સ્કૂલ, USA) પાસેથી શિલ્પકળામાં પારંગતતા પ્રાપ્ત કરેલી તેઓશ્રીએ 1972થી એમ.એસ. યુનિવર્સિટી ખાતે શિલ્પમાં સિરામીક શીખવવાનું શરુ કરેલું.

 

1972માં એક પ્રાધ્યાપકથી લઇ 2002 સુધી સિનિયર પ્રાધ્યાપક અને ભવનના અધ્યક્ષ તરીકે તેમણે પોતાની યશસ્વી સેવાઓ આપી હતી. તેમની અધ્યક્ષતામાં એમ.એસ, યુનિવર્સિટીને અનેરી ખ્યાતિ પ્રાપ્ત થયેલ. તેમના માર્ગદર્શનમાં ભારતના અનેક પ્રસિધ્ધ શિલ્પીઓએ વિદ્યાર્થી તરીકે પોતાની કારકિર્દીને ઉજ્જવળ બનાવી છે. છેલ્લા ૫૦ વર્ષમાં તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક વર્કશોપ, પ્રદર્શનો અને કળા શિબિરોમાં પોતાની સેવાઓ આપી છે.

 

શિલ્પકલા ક્ષેત્રે તેમનું પ્રદાન સદૈવ અવિસ્મરણીય  રહેશે. શિલ્પમાં ફિલોસોફીકલ ખ્યાલો અને સામાજિક ખ્યાલોને જોડીને નવીનતા લાવવી તે તેમની વિશેષતા હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓશ્રી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ચિત્રકાર પદ્મશ્રી જ્યોતિ ભટ્ટનાં પત્ની હતા. ભાવનગરનાં અત્યંત શ્રીમંત કુટુંબમાંથી આવતા હોવા છતાં અત્યંત સરળ તેવા શ્રી જ્યોત્સનાબેનની સંવેદનશીલતા, મૃદુતા અને સમર્પણની ભાવનાને લીધે તેઓ વર્ષો સુધી હજારો કલાકારો માટે પ્રેરણાનું ઝરણું બની રહેશે.

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application